આરોપીને માથે સરકારે ૧૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતેથી ઝારખંડના માઓવાદી નેતાને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને માથે સરકારે ૧૫ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

એટીએસના અધિકારીઓએ રવિવારે મળસકે પકડી પાડેલા આરોપીની ઓળખ દીપક યાદવ ઉર્ફે કારુ હુલાશ યાદવ (૪૫) તરીકે થઈ હતી. ઝારખંડ પોલીસની વેબસાઈટ પરની મોસ્ટ વૉન્ટેડ નક્સલીઓની યાદીમાં પણ યાદવનું નામ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

યાદવ ઝારખંડમાં પ્રતિબંધિત સંગઠના સીપીઆઈ (માઓવાદી)નો હજારીબાગ ખાતેનો રિજનલ કમિટી સભ્ય છે અને તબીબી સારવાર માટે તે મહારાષ્ટ્રમાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

નાલાસોપારા પૂર્વમાં રામનગર સ્થિત ધાનવી વિસ્તારમાં યાદવ રહેતો હોવાની માહિતી મળતાં એટીએસે રવિવારે મળસકે તેને પકડી પાડવા ઑપરેશન હાથ ધર્યું હતું. એક ચાલમાં રેઇડ કરી પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ અંગે ઝારખંડ પોલીસને માહિતી આપી એટીએસ યાદવની વધુ પૂછપરછ કરી રહી છે.

ઝારખંડના હજારીબાગ ખાતે રહેતા યાદવના ડાબા પગમાં ઇજા થઈ હોવાથી તે સારવાર માટે નાલાસોપારા આવ્યો હતો. ૨૦૦૪થી તે સીપીઆઈ (માઓવાદી)માં કાર્યરત હતો. યાદવની કસ્ટડી મેળવવા ઝારખંડ પોલીસ નાલાસોપારા આવવા નીકળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

 

Google search engine