રાજ્યપાલનું રાજીનામું માગ્યું
મહામોરચો:મહાવિકાસ આઘાડી દ્વારા શનિવારે મુંબઈમાં મહાપુરુષોના અપમાનના વિરોધમાં મહામોરચો કાઢવામાં આવ્યો હતો, જેમાં આખો જે જે ફ્લાયઓવર ઢંકાઈ ગયો હતો.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ત્રણ પક્ષોની મહાવિકાસ આઘાડી દ્વારા શનિવારે શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં એકનાથ શિંદે-ભાજપની સરકારના વિરોધમાં હલ્લાબોલ મહામોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચામાં છત્રપતિ શિવાજી મહારાજ સહિત અન્ય મહાપુરુષોનું અપમાન કરવા બદલ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને હટાવવાની માગણી કરવામાં આવી હતી.
મહાવિકાસ આઘાડીના ત્રણેય મહત્ત્વના ઘટકપક્ષ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), એનસીપી અને કૉંગ્રેસના મોટા નેતાઓએ વિરોધ મોરચાનું નેતૃત્વ કર્યું હતું. એનસીપી સુપ્રીમો શરદ પવારે કહ્યું હતું કે રાજ્યપાલને હટાવવામાં નહીં આવે તો
સરકારને પાઠ ભણાવવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેએ એવી ચેતવણી આપી હતી કે રાજ્યના આત્મસન્માન અને ગૌરવ પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
એનસીપીના નેતા અજિત પવારે એવી માગણી કરી હતી કે રાષ્ટ્રીય મહાપુરુષોના ગૌરવનું રક્ષણ કરવા માટે આકરા કાયદાની આવશ્યકતા છે.
ભાયખલાની જે. જે. હોસ્પિટલથી બપોરે ૧૨.૦૦ વાગ્યાની આસપાસ મોરચો ઉપડ્યો હતો અને ચાર કિલોમીટર દૂર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પૂરો થયો હતો. જ્યાં મહાવિકાસ આઘાડીના નેતાએ રેલીને સંબોધી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ગયા મહિને એક કાર્યક્રમમાં રાજ્યપાલે છત્રપતિ શિવાજી મહારાજને ‘જૂના કાળના મહાપુરુષ’ હતા. આ ટિપ્પણીને પગલે મરાઠા રાજાના બંને વંશજોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આવી જ રીતે રાજ્યના વિપક્ષે પણ આ ટિપ્પણી સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પહેલાં તેમણે સામાજિક સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે અંગે પણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
———-
રાજ્યપાલને હટાવાશે નહીં તો પાઠ ભણાવાશે: શરદ પવાર
હલ્લાબોલ રેલીને સંબોધતાં શરદ પવારે કહ્યું હતું કે રાજ્યપાલના છત્રપતિ શિવાજી મહારાજ અને મહાત્મા ફૂલે અંગેના અપમાનજનક નિવેદનને ધ્યાનમાં લેતાં તેમને તત્કાળ મહારાષ્ટ્રમાંથી હટાવી દેવા જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષની વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ મહારાષ્ટ્રના આત્મસન્માનના મુદ્દે ત્રણેયને એકસાથે આવવાની
આવશ્યકતા છે.
રાજ્યપાલને હટાવવામાં નહીં આવે તો પછી અમારે તેમને પાઠ ભણાવવા માટે પગલાં લેવા પડશે, એમ પણ તેમણે કહ્યું હતું. તેમમે એમ પણ કહ્યું હતું કે રાજ્યના વિકાસ માટે નહીં પણ તેનું અપમાન કરવાની સ્પર્ધા
લાગી છે.
મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલ કહે છે કે ડો. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ફૂલેએ સ્કૂલો સ્થાપવા માટે ભીખ માગી હતી.. આવું અપમાન સહન કરી શકાય નહીં. અમારી રાજકીય વિચારધારા રાજ્યની પ્રતિષ્ઠાનું જતન કરવાની છે. જો રાજ્યપાલને હટાવવામાં નહીં આવે તો અમારે આગામી પગલાં વિચારવા પડશે.
——–
શિંદે સરકારે વૈચારિક દેવાળું ફૂંક્યું: ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની શિંદેના નેતૃત્વ હેઠળની સરકારે વૈચારિક દેવાળું ફૂંક્યાની ટીકા કરી હતી. રાજ્યના એક પ્રધાન ચંદ્રકાંત પાટીલ કહે છે કે ફૂલે અને આંબેડકરે સ્કૂલો સ્થાપવા માટે ભીખ માગી હતી. જ્યારે અન્ય પ્રધાન મંગલ પ્રભાત લોઢા છત્રપતિ શિવાજી મહારાજના આગ્રામાંથી છટકી જવાની સરખામણી એકનાથ શિંદેના બળવા અને ગદ્દારી સાથે કરી રહ્યા છે. હું કોશ્યારીને રાજ્યપાલ માનતો નથી. રાજ્યપાલનું પદ અત્યંત સન્માનજનક છે. હું ભારપુર્વક મારી માગણી દોહરાવું છું કે રાજ્યપાલની પસંદગી માટેના માપદંડો નિશ્ર્ચિત કરવા જોઈએ, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. રાજ્યના આત્મસન્માન અને ગૌરવ સાથે કોઈ બાંધછોડ કરી શકાશે નહીં.
——–
મહામોરચામાં ગાજ્યો સીમા વિવાદ
મહામોરચામાં મહાપુરુષોના અપમાન અને રાજ્યપાલના રાજીનામાની માગણીનો જ વિષય હોવા છતાં અને દેશના ગૃહપ્રધાન અમિત શાહે બંને રાજ્યોના બધા જ રાજકીય પક્ષોને સીમાવિવાદ અંગે ટિપ્પણી ન કરવા જણાવ્યું હતું. તેમ છતાં શનિવારના મહામોરચામાં સીમા વિવાદનો મુદ્દો ચગાવવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સંયુક્ત મહારાષ્ટ્રનું સપનું બેલગામ, કારવાર, નિપાણી અને અન્ય મરાઠીભાષીની બહુમતી ધરાવતા વિસ્તારોના સમાવેશ વગર અધુરું છે.
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે રાજ્યમાં શિંદેની સરકાર આવ્યા બાદ ભાગલાવાદી પ્રવૃત્તિએ માથું ઉંચક્યું છે. આજથી પહેલાં ક્યારેય મહારાષ્ટ્રના ગામડાઓએ જાહેરમાં રાજ્યથી અલગ થવાની વાત કરી નથી. અત્યારે જ કેમ આવું થઈ રહ્યું છે?
———
મહારાષ્ટ્રને બચાવવા માટે રાજ્યપાલ હટાવો: અજિત પવાર
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રને બચાવવા માટે રાજ્યપાલને હટાવવા આવશ્યક છે. તેમણે એવી પણ માગણી કરી હતી કે દેશના મહાપુરુષોના ગૌરવને જાળવવા માટે આકરા કાયદા અમલમાં મૂકવાની આવશ્યકતા છે. રાજ્યના સન્માનને જાળવી રાખવા માટે એક રહેવાની આવશ્યકતા છે. આ મહામોરચો તે દિશામાં પહેલું પગથિયું છે. મહાવિકાસ આઘાડીનું લક્ષ્ય રાજ્યની એકતાને જાળવી રાખવાની છે. મોંઘવારી, બેરોજગારી વધી રહ્યા છે અને સરકાર આ સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
——–
મહામોરચો એકતાની નિશાની: નાના પટોલે
કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે મહામોરચો રાજ્યની એકતાની નિશાની છે. રાજ્યમાં શિંદે-ફડણવીસની સરકાર આવી ત્યારથી સીમા વિવાદે માથું ઉંચક્યું છે. મહારાષ્ટ્રના ટુકડા થવા દઈશું નહીં. મહારાષ્ટ્રના મહાપુરુષોના અપમાન કરવાનું રોજ બની રહ્યું છે. રાજ્યપાલે તેની શરૂઆત કરી અને ત્યાર પછી ભાજપના નેતાઓએ આ કામ ચાલુ રાખ્યું છે. નેતાઓ સતત મહાપુરુષોનું અપમાન કરી રહ્યા છે અને તેને કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.
———-
રાજ્યપાલને એક મિનિટ પણ પદ પર રહેવાનો અધિકાર નથી: સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક મિનિટ માટે પણ પોતાના પદ પર રહેવાનો અધિકાર નથી.
આ મોરચો એવો સંદેશ છે કે રાજ્યપાલે કોશ્યારી બરતરફ થઈ ગયા છે. શિંદે સરકાર ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી પણ ટકશે નહીં. મોરચો શિંદે સરકારના પતનનું પહેલું પગથિયું છે.