એકનાથ શિંદેનો મોટો નિર્ણય, અગાઉની સરકારના MLC તરીકે 12 સૂચિત નામોના નામાંકન પાછા ખેંચ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે રાજ્યપાલના ક્વોટા હેઠળ એમએલસી તરીકે 12 નામોના નામાંકન માટેની અગાઉની મહા વિકાસ અઘાડીની ભલામણ પાછી ખેંચી લીધી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અગાઉની સરકારે બે વર્ષ પહેલાં એમએલસી તરીકે નોમિનેશન માટે 12 નામોની ભલામણ કરી હતી, પરંતુ રાજ્યપાલ બીએસ કોશ્યારીએ ક્યારેય ફાઇલને મંજૂરી આપી ન હતી.
નોંધનીય છે કે કલા, સાહિત્ય, સામાજિક કાર્ય વગેરે ક્ષેત્રોના લોકો એમએલસી તરીકે નોમિનેશન માટે પાત્ર છે. MVA દ્વારા સૂચવવામાં આવેલા 12 નામોમાં જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનો પણ સમાવેશ થતો હતો જેઓ કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયા હતા.
શિંદે સરકારે રાજ્યપાલને ભલામણને પાછી ખેંચી લેવા માટે પત્ર લખ્યો હતો અને રાજ્યપાલે નવી સરકારના નિર્ણયને સ્વીકાર્યો છે, એમ એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. શિંદે સરકારે રાજ્યપાલને જણાવ્યું હતું કે નામાંકનની નવી યાદી તેમને ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એમએલસીની 9 બેઠકો ભાજપને મળી શકે છે જ્યારે ત્રણ બેઠકો શિંદે જૂથના ખાતામાં જઈ શકે છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, શિંદે જૂથ દ્વારા ચાર બેઠકો પર દાવો કરવામાં આવી રહ્યો છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.