મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવાની નીતિનો ગંભીરતાથી અમલ કરવો જોઈએ: હાઈ કોર્ટ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવા સંબંધિત નીતિનો ગંભીરતાપૂર્વક અમલ કરવો જોઈએ, એવું બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું. અલબત્ત, સરકારી વકીલ ભરતીની પરીક્ષા (પબ્લિક પ્રોસિક્યુટર રિક્રૂટમેન્ટ એક્ઝામ) પણ મરાઠી ભાષામાં લેવા માટે હાઈ કોર્ટે આદેશ આપ્યો હતો. સરકારી વકીલની જગ્યા માટેની પરીક્ષા અંગ્રેજીના બદલે મરાઠી ભાષામાં લેવા માગતી પ્રતાપ જાધવની અરજીની સુનાવણી વખતે ન્યાયાધીશ એસ. વી. ગંગાપુરવાલા અને આર. એન. લધ્ધાની ખંડપીઠે જણાવ્યું હતું.
પોતે સ્કૂલના સમયગાળાથી મરાઠી ભાષામાં ભણ્યા છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને સિવિલ ન્યાયાધીશ જુનિયર ડિવિઝનની કોર્ટની કામગીરી પણ મરાઠી ભાષામાં થાય છે. મરાઠી પણ એ સ્થાનિક ભાષા છે, એવું તેમણે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવાનું જરૂરી હતું, એવું હાઈ કોર્ટે નોંધ્યું હતું.
મહારાષ્ટ્ર સરકાર એમ ના કહી શકે કે મેજિસ્ટ્રેટ અને સિવિલ જજની પરીક્ષા માટે મરાઠી ભાષામાં જવાબ આપવા અને સરકારી વકીલની પરીક્ષા માટે સમાન સુવિધા પૂરી પાડવામાં આવશે નહીં. હકીકતમાં સ્થાનિક મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવાનું સરકારનું સામાન્ય વલણ હોય છે. જોકે, અમે સરકારના વલણને સમજી શકતા નથી, એમ કોર્ટે જણાવ્યું હતું. અગિયારમી સપ્ટેમ્બરના પરીક્ષાનું આયોજન હતું, તેથી આ વર્ષની પરીક્ષા માટે આદેશ આપવાનું શક્ય નથી. આમ છતાં આગામી વર્ષની સરકારી વકીલની પરીક્ષા અંગ્રેજી ભાષાની સાથે સાથે મરાઠી ભાષામાં પણ લેવાય એની સરકારે ખાતરી આપવાની રહેશે, એવો કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે તેનો આદેશ રાજ્યની મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવાની મહારાષ્ટ્ર સરકારની નીતિનો અમલ કરવામાં મદદ પણ કરશે. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની નીચલી અદાલતની પરીક્ષા મરાઠીની સાથે અંગ્રેજીમાં આયોજન કરવામાં આવે છે.
(પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.