નવી દિલ્હીઃ માઘ મેળા નિમિત્તના પાંચ સ્નાન પર્વ પૈકી રવિવારના માઘી પૂર્ણિમા નિમિત્તે 33 લાખથી વધુ શ્રદ્ધાળુએ પવિત્ર ગંગા નદી અને સંગમમાં ડૂબકી લગાવી હતી. આ મેળા દરમિયાન કોઈ અપ્રિય ઘટનાનું નિર્માણ થાય નહીં તેના માટે પ્રશાસન દ્વારા સુરક્ષા સંદર્ભે તમામ પગલાં ભરવામાં આવ્યા હતા, જેમાં રવિવારે સાંજ સુધીમાં સંગમ અને નદીમાં 33 લાખથી વધુ લોકો સ્નાન કર્યું હતું. ગંગા નદીમાં સ્નાન કરવા માટે શનિવાર રાતથી સંગમ પર લાખો લોકોનો ધસારો જોવા મળ્યો હતો, એમ વહીવટી પ્રશાસને જણાવ્યું હતું. માઘી પૂર્ણિમાના સ્નાન સાથે કલ્પવાસનો એક મહિનો પૂર્ણ થતાં હવે તેઓ પોતપોતાના ગામો કે શહેરો તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. માઘી પૂર્ણિમા શનિવારે રાતના સાડા નવ વાગ્યાથી ચાલુ થઈ હતી અને રવિવારે 11.58 વાગ્યા સુધી હતી. ઉદયા તિથિમાં માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાની માન્યતા છે. માઘી પૂર્ણિમાએ અન્ન, વસ્ત્રની સાથે ખીરનું દાન કરવાથી ભક્તોની મનોકામના પૂરી થવાના યોગનું નિર્માણ થાય છે. માઘી પૂર્ણિમાના સ્નાન કરવાની સાથે
મેળવા વિસ્તારમાં એક મહિનાથી કલ્પવાસ કરી રહેલા આશરે 20 લાખ કલ્પવાસી પોતાના ઘરે જવા રવાના થશે. અહીંના મેળા અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે માઘી પૂર્ણિમા નિમિત્તના મેળા નિમિત્તે 5000થી વધુ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા, જેમાં મહિલા પોલીસ, ઘોડેસવાર પોલીસ, એલઆઈયુની ટીમ, ગુપ્તચર વિભાગના અધિકારી, એસડીઆરએફ, એનડીઆરએફ અને નેવી સહિત અન્ય એજન્સીના જવાનોનો પણ સમાવેશ થાય છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે રિવર એબ્લ્યુલન્સ અને ફ્લોટિંગ પોલીસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભીડ પર નિયંત્રણ અને નજર રાખવા માટે ખાસ કરીને સીસીટીવી કેમેરાની સાથે ડ્રોન કેમેરા લગાવવામાંઆવ્યા હતા. કહેવાય છે કે માઘ મહિનાનું આગામી અને અંતિમ સ્નાન પર્વ અઢારમી ફેબ્રુઆરીના મહાશિવરાત્રીમાં થશે અને માઘ મેળો સંપન્ન થશે.