બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ
મેગેલન આ દરિયાઇમાર્ગને પસાર કરી મહાવિશાળ મહાસાગરમાં બહાર નીકળ્યો. તોફાની એટલાન્ટિક મહાસાગરથી તદ્દન વિરુદ્ધ જેનો અંત ન દેખાય તેવા આ શાંત મહાસાગરને જોઇને મેગેલને તેનું નામ પ્રશાંત મહાસાગર રાખ્યું. (Pacific Ocean). કોઇ ભૂમિખંડ શોધે, કોઇ બીજું કાંઇક શોધે મેગેલને તો દુનિયાનો સૌથી વિશાળ છતાં શાંત એવો આખે આખો મહાસાગર જ શોધી કાઢયો, જે પૃથ્વી પરની ૩૩ ટકા સપાટી પર પથરાયો છે. મેગેલનની આ શોધ માટે પણ તેને યાદ કરવો પડે. આ પહેલાં કોઇએ પ્રશાંત મહાસાગરને જોયો ન હતો. કોઇને તેના અસ્તિત્વની ખબર ન હતી. કોઇએ તેમાં વહાણો હંકાર્યાં ન હતાં. મેગેલન પહેલો જ નાવિક હતો જેણે પ્રશાંત મહાસાગરમાં પહેલવહેલાં વહાણો ચલાવ્યા હોય.
મેગેલને મેગેલનના વાદળો (આપણી આકાશગંગા મંદાકિનીની ઉપમંદાકિની) શોધ્યાં. મેગેલને મેગેલન સ્ટ્રેઇટ શોધ્યો અને આગળ વધીને તેણે પ્રશાંત મહાસાગર શોધ્યો. એટલું જ નહીં પણ તેણે પ્રથમવાર જ પૃથ્વીની પરિક્રમા કરવાનો નિશ્ર્ચય કર્યો. પશ્ર્ચિમમાર્ગે ભારત આવવાની હામ ભીડી. મેગેલનને એટલો અહેસાસ થઇ ગયો હતો કે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધના દક્ષિણ મહાસાગરમાં કયાંક સ્ટ્રેઇટ હશે જ. જે માર્ગે તે ભારત પહોંચી શકશે. માટે તે આવો સ્ટ્રેઇટ શોધવાની પાછળ જ પડ્યો હતો, મથામણ કરતો હતો. તેથી તે માત્ર તેના ભાગ્યના બળે જ નહીં, પણ તેના જ્ઞાનના બળે, તેના વિચારો અને અનુભવના બળે તેણે મેગેલનના સ્ટ્રેઇટની શોધ કરી હતી.
માર્કો પોલો સુસંસ્કૃત નવી દુનિયા ખેડનાર હતો. કોલંબસ, વાસ્કો-દ-ગામા અને મેગેલન ખૂનખાર અસંસ્કૃત દરિયાઇ ખેડૂઓ હતાં આ ત્રણમાંથી પ્રથમ નંબરનો નાખૂદો હોય તો તે મેગેલન હતો. બીજા નંબરનો નાખૂદો વાસ્કો-દ-ગામા હતો, અને કોલંબસ છેક ત્રીજા નંબરનો નાવિક હતો. તેમ છતાં કોલંબસ વધારે મહાન શોધક ગણાય છે, કારણ કે તેણે આખે આખી નવી દુનિયા, આખે આખો વિશાળ નવો દેશ શોધ્યો, અને તે પણ દુનિયાની પ્રાથમિક જાણકારી સાથે, ટાંચા સાધનો સાથે, અને થોડી વૈજ્ઞાનિક જાણકારી સાથે. પણ સ્કીલમાં, ખૂનખાર સ્વભાવમાં અને દૃઢતામાં મેગેલન પ્રથમ નંબરે આવે. વાસ્કો-દ-ગામા લુચ્ચા શિયાળ જેવો નાવિક હતો.
મેગેલન સ્ટ્રેઇટની દક્ષિણે આવેલા ભૂમિખંડને મેગેલને ‘લેન્ડ ઑફ ફાયર’ એવું નામ આપ્યું, કારણ કે તે ભૂમિખંડના રહેવાસીઓ રાતે જગ્યાએ જગ્યાએ તાપણા કરી ઠંડીથી બચવા પ્રયત્ન કરતાં હતાં.
મેગેલન જયારે એન્ટાર્કટીકા મહાસાગર તરફ તેનાં વહાણો હંકારતો હતો ત્યારે તેણે રાત્રિ આકાશમાં મેગેલનના વાદળો જોયાં હતાં. મેગેલન અને તેના પાંચ વહાણના કાફલાએ શાંત, પ્રશાંત મહાસાગરમાં મહિના સુધી લગભગ ભૂખ્યા પેટે વહાણો હંકાર્યાં હતાં, પણ જમીન દેખાઇ નહીં. પ્રશાંત તેમને શાપરૂપ દેખાવા લાગ્યો. અંતે તેઓ ફિલિપિન્સ આવ્યાં. ત્યાં તે થોડા દિવસો રહ્યાં, પણ સ્થાનિક વતની સાથેની ઝપાઝપીમાં, મેગેલન મહાન યોદ્ધો હોવા છતાં મૂર્ખાઇભરી રીતે મરી ગયો.
વાચકોને પ્રશ્ર્ન થશે કે લેખકે બ્રહ્માંડ દર્શનની આ લેખશ્રેણીમાં માર્કો પોલો, કોલંબસ, વાસ્કો-દ-ગામા અને મેગેલન જેવા દરિયાઇ ખેડૂઓ અને યાત્રીઓનો શા માટે સમાવેશ કર્યો હશે? તેમને અને બ્રહ્માંડ દર્શનને શું સંબંધ? આ બધા દુનિયા ખેડનાર, નવી નવી દુનિયા શોધનાર અને વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનને સંબંધ છે. આ બધા નાખૂદા અને દુનિયાના યાત્રીઓ ચાલીને કે ઘોડેસ્વારી કે વહાણોને સહારે પૃથ્વી પર અથવા મહાસાગરમાં સફર કરીને પૃથ્વી પરની નવી નવી દુનિયા શોધવા નીકળ્યાં હતાં. નવી દુનિયાનું ખેડાણ કરવા નીકળ્યા હતાં. હાલમાં પણ આપણે તે જ ધ્યેય સાથે, તેમની જ તીવ્ર ઝંખના સાથે અંતરિક્ષયાનોને સહારે વિશાળ અને અગાધ અંતરિક્ષરૂપી મહાસાગરમાં, આપણા સૂર્યમંડળમાં, આપણી આકાશગંગામાં અને બ્રહ્માંડમાં નવી નવી દુનિયા શોધવા પ્રયત્ન કરી રહ્યાં છીએ. માનવી, સાધનો અને મશીન બદલાયાં છે, પણ નવી નવી દુનિયાની શોધની ઝંખના તો તેવી ને તેવી જ છે. તેમના જમીન પર કે દરિયાઇ ખેડાણે વિજ્ઞાનને પ્રગતિ કરવામાં મદદ કરી છે.
પ્રાચીન નાવિકોથી માંડીને હાલ સુધીના વિજ્ઞાનીઓ, એન્જિનિયરો અને ખગોળવિજ્ઞાનીઓ સુધી કેટકેટલાય સંશોધકો અને અજાણી દુનિયા ખેડનાર પાક્યાં છે જેમને સદીઓથી માનવજાતની પ્રગતિમાં એના વિચારોમાં અને જાણકારીમાં પ્રભાવ પાડ્યો છે, અને દુનિયાને પ્રગતિના પંથે દોરી છે.
આ જમાનામાં જ બે સ્થપતિ અને કલાકારો થયાં. એક હતો લિયોનાર્ડો-દ-વિન્સી અને બીજો હતો માઇકલ એન્જેલો. લિયોનાર્ડોને અંતરિક્ષ ઉડુયનમાં ખૂબ જ રસ હતો. તેણે એવા મશીનની કલ્પના કરેલી જે માનવીઓને હવામાં-અંતરિક્ષમાં ઉડાડી શકે. એરોપ્લેનની ડિઝાઇનની કલ્પના કરવાનો અને બનાવવાનો આ પ્રથમ વિચાર હતો, અને પ્રયાસ પણ. વીસમી સદીના પ્રારંભે રાઇટભાઇઓએ વિમાન ઉડાડયું, એ પહેલાં ૪૦૦ વર્ષ પૂર્વે લિયોનાર્ડોએ વિમાન બનાવવાનો વિચાર કર્યો હતો. જોકે તેણે વિમાન ઉડાડેલું નહીં, પણ તેની એક ડિઝાઇન બનાવેલી. જયારે રાઇટભાઇઓએ હવામાં વિમાન ઉડાડયું ત્યારે લિયોનાર્ડોનું સ્વપ્ન સાકાર થયું. લિયોનાર્ડોએ મોનાલીસા અને લાસ્ટ સપ્પરના ચિત્રો (ઋયિતભજ્ઞત) દોરેલાં હતાં, જે આજે પણ અમર છે. લિયોનાર્ડો વિજ્ઞાની હતો, સ્થપતિ હતો, ચિત્રકાર હતો, એન્જિનિયર હતો. ગાયક અને લેખક પણ હતો, સંશોધક અને દૃષ્ટા પણ હતો. તેણે સ્થાપત્ય અને ચિત્રકારીમાં વાસ્તવિકતાની શરૂઆત કરી. તે એવો કલાકાર હતો, જે કુદરતના રહસ્યો, આશ્ર્ચર્યો અને ભવ્યતાને સમજતો હતો. સાથે સાથે ટેક્નોલોજી અને વિજ્ઞાનને પણ સમજતો હતો. લિયોનાર્ડોએ સ્મશાનમાંથી મડદાં ચોરીને શરીરની અંદર શું છે, શરીરની રચના કેવી છે તે જાણવા પ્રયત્નો કરેલાં.
આ જમાનામાં બીજો મહાન કલાકાર માઇકલ એન્જેલો હતો. તેણે રોમના સેન્ટ પીટર્સના દેવળના ગુંબજથી ડિઝાઇન તૈયાર કરી હતી, અને વેટિકનના સિસ્ટાઇન ચેપલની અંદર ચિત્રો દોર્યા હતાં, જેને જોઇને લોકો આજે પણ દંગ થઇ જાય છે.
આ સમય દરમિયાન જ ઇંગ્લૅન્ડમાં શેક્સપિયર હતો, જે મહાન કવિ અને નાટ્યકાર તરીકે પ્રખ્યાત બન્યો હતો. આ વિશ્ર્વ કુદરતની એક મહાન કવિતા છે, અને વિશ્ર્વ કરતાં કોઇ જ નાટ્યશાળાનું સ્ટેજ મોટું હોતું નથી. કુદરત સ્થપતિઓની પણ સ્થપતિ છે, અને કલાકારોની પણ કલાકાર છે, જેને બ્રહ્માંડની વિશાળ, ગહન અને સુંદર રચના કરી છે.
આ જમાનામાં જ ગુજરાતના જૂનાગઢમાં નરસિંહ મહેતા હતાં. જેમણે આ સમય દરમિયાન કેટલાય અજર અમર ભજનો બનાવ્યા. જેમાં ઉપનિષદો અને ગીતાની દાર્શનિકતા સમાયેલી છે. આ જ સમયમાંં ગુરુનાનક, મીરાંબાઇ અને સંત કબીર જેવા કેટલાય મહાત્માઓ અને સંતો ભારતમાં હતા, જેમણે ભારતમાં જ નહીં પણ દુનિયામાં ભક્તિ અને પ્રેમની મશાલ પ્રગટાવી.
આ પંદરમી સદીનો અંત અને સોળમી સદીના પ્રારંભના દિવસો હતાં, જ્યારે ફરઘાનાનો યુવાન તુર્ક સુલતાન બાબર ભારત પર ચઢાઇ કરીને તેને જીતવાની ખ્વાહિશ સાથે તૈયારીમાં પડયો હતો. દિલ્હીમાં ઇબ્રાહિમ લોધી તખ્તનશીન હતો. બાબરે છેવટે ભારત જીત્યું અને હિન્દમાં મોગલ હકૂમત સ્થાપી. તે ઘણો બહાદુર અને વિચક્ષણ મુસલમાન રાજવી હતો. આ સમયે ચિત્તોડગઢમાં રાણાઓ રાજ કરતાં હતાં.
વાંચકોને પ્રશ્ર્ન થાય કે લેખક વિજ્ઞાન-ખગોળવિજ્ઞાન બ્રહ્માંડ વિશે લખે છે કે ઇતિહાસ વિશે? હકીકત એ છે કે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ સમાજમાંથી જ પેદા થાય છે. જેવો સમાજ તેવું વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ વિજ્ઞાનની પ્રગતિમાં, વિજ્ઞાનીઓ પેદા કરવામાં, તે વખતના સમાજનો માહોલ બહુ અગત્યનો ભાગ ભજવે છે. સમાજનો વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ પર પ્રભાવ હોય છે. તેના બદલામાં પછી વિજ્ઞાન સમાજને ઘડે છે, અને માર્ગદર્શન આપે છે. આમ આ બન્ને ઘણા ગાઢ રીતે જોડાયેલ છે.