નર્મદ: અર્વાચીન યુગના નકશાનું પ્રારંભ બિંદુ

ઇન્ટરવલ

મગજ મંથન-વિઠ્ઠલ વઘાસિયા

આજે કવિ નર્મદની ૧૯૦મી જન્મ જયંતી છે. નર્મદનો જન્મદિન વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઊજવાય છે. ગુજરાતી સાહિત્યના ધ્રુવ તારક સમાન કવિ નર્મદને અંજલિ આપતી વેળાએ ગુજરાતી ભાષાના અતીતમાં એક ડોકિયું કરીએ.
ભાષા એ માનવ સમાજનું અવિભાજ્ય અંગ છે. ભાષા એ એકાએક જડી આવેલી કે શોધાયેલી કોઈ ચીજ કે વસ્તુ નથી. ભાષાનો
ઉદ્ગમ અને વિકાસ સમયના વિશાળ પટ પર પથરાયેલો હોય છે. સમાજમાં આવતાં વિવિધ પરિવર્તનો ભાષાનાં વિવિધ પાસાં પર પણ અસર કરે છે.
ગુજરાતી ભાષા એ ઇન્ડો આર્યન ભાષાકુળમાંથી છૂટી પડેલી કે સમયાંતરે ઊતરી આવેલી/વિકાસ પામેલી ભાષા છે. ભાષા વૈજ્ઞાનિકો તેના ત્રણ ઐતિહાસિક તબક્કાઓ વર્ણવે છે: (૧) વૈદિક
સંસ્કૃતિ યુગ, (૨)પ્રાકૃત અપભ્રંશ યુગ અને (૩) ગુજરાતી, બંગાળી, પંજાબી વગેરે આધુનિક ભાષાઓ. આવી જ રીતે ગુજરાતી ભાષાનો વિકાસ પણ ત્રણ તબક્કામાં વર્ણવે છે: (૧) જૂની અપભ્રંશ કાળ. (૧૦મીથી ૧૪મી સદી), (૨) મધ્યકાળ (૧૫મીથી ૧૭મી સદીનો આધુનિક કાળ) અને (૩) ૧૭મી સદીથી અત્યાર સુધીનો
ચાલુ કાળ.
ગુજરાત પર જમીન અને દરિયાઈ માર્ગે અનેક પ્રજાતિઓએ આવીને ચઢાઈ કરી અને વસવાટ કર્યો છે, જેમાં શક, હૂણ, આરબ, મુગલ, પારસી, વલંદા અને બ્રિટિશ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જ પ્રજાતિઓની અસર ગુજરાતી ભાષાના વિકાસ દરમિયાન જોવા મળે છે. આપણા મનમાં વિચાર આવે કે ગુજરાતી ભાષા એવું નામ કેવી રીતે કે કોણે આપ્યું હશે. ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ઈસવી સન પૂર્વે ૬૪૦માં ચાઈનીઝ પ્રવાસી હ્યુ-એન-ત્સંગ તેના પ્રવાસ વર્ણનમાં ગુજરાત પ્રદેશને ‘ગુર્જર દેશ’ વર્ણવે છે તથા આરબો તેના વર્ણનમાં ‘ગુર્જર પ્રદેશ’ વર્ણવે છે. આ ઉપરાંત રાજા ભોજ ઈસવી સન ૧૦૧૪માં સરસ્વતી કંઠાભરણમ્માં ‘ગુજસ્તા’ એવા નામથી ઓળખાવે છે. ત્યાર બાદ બારમી સદીમાં હેમચંદ્રાચાર્ય ‘ગુર્જર અપભ્રંશ’ એવું જણાવે છે. તો વળી ભાલણ ‘ગુર્જર ભાષા’ કહે છે. જ્યારે ૧૭મી સદીમાં પ્રેમાનંદ પહેલી વાર દશમ સ્કંધમાં ‘ગુજરાતી ભાષા’ તેવું નામ આપે છે. આમ ગુજરાતીઓની ભાષાને ગુજરાતી એવું નામકરણ થાય છે.
આઝાદી પછી ભારતમાં ભાષાકીય ઓળખ વધુ પ્રબળ બનતાં મહાગુજરાતની ચળવળ શરૂ થઈ, જેના અંતે પહેલી મે, ૧૯૬૦ના રોજ મહારાષ્ટ્રમાંથી ગુજરાતને અલગ પાડી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.
ગુજરાતી ભાષાને પોતાની લિપિ છે, જે ગુજરાતી તરીકે
જ ઓળખાય છે. ગુજરાતી ભાષા દેવનાગરી પરથી ઊતરી
આવેલી છે.
૧૭મી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય. પ્રેમાનંદના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતીની શરૂઆત થઈ. અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં વહેંચી શકાય. પ્રથમ વિભાગ પ્રેમાનંદથી દયારામ સુધીનો એટલે કે ઈસવી સન ૧૬૮૦થી ૧૮૫૦ સુધીનો સમય.
બીજો વિભાગ નર્મદથી અત્યાર સુધીનો, એટલે કે ઈસવી સન ૧૮૫૦થી આજ સુધીનો સમય ગણી શકાય.
નર્મદ અર્વાચીન યુગના નકશાનું પ્રારંભ બિંદુ છે. ‘ડાંડીયો’
પાક્ષિક વડે સમાજ સુધારાની અહાલેક જગાવનાર કવિ નર્મદાશંકર લાલશંકર દવેને આપણે મોટા ભાગે શૌર્ય રસના કવિ તરીકે
ઓળખીએ છીએ.
‘સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે’
જેવાં શૌર્ય ગીતો આપણને નર્મદ પાસેથી મળ્યાં છે, પરંતુ નર્મદ માત્ર શૌર્ય રસના જ કવિ નથી રહ્યા. બલકે રતિ અને પ્રીતિ વિષયક કવિતાઓમાં પણ નર્મદ તળ સુધી ગયા છે. કામ કેલી, સંભોગ, શૃંગાર, જાતીય ઉદ્વેગને ગુજરાતી કાવ્યમાં આલેખનાર પણ નર્મદ સર્વ પ્રથમ કવિ હતા. તો વળી નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજ સુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાન, ભક્તિ, કથા-આખ્યાન, નીતિ બોધ, મંડળી મળવાથી થતા લાભો, આપણો દેશ, જનતા, ધર્મ વિચાર વગેરે નાનાવિધ વિષયો પર પણ ઉત્તમ સાહિત્ય રચ્યું છે. નર્મદે ગુજરાતી ભાષાના દરેક પહેલુ વિચાર્યા છે.
ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો પાયો નાખ્યો છે. નર્મદનું કાર્ય અતુલનીય છે. નર્મદના સર્જન વિશે વાત કરીએ તો તેમણે ગદ્ય લખાણમાંના નિબંધોમાં રસ પ્રવેશ (૧૮૫૮), પીંગળ પ્રવેશ (૧૮૫૭), અલંકાર પ્રવેશ (૧૮૫૮), નર્મ વ્યાકરણ ભાગ ૧- ૨ (૧૮૬૫), વર્ણ વિચાર (૧૮૬૫), નાયિકા વિષય
પ્રવેશ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધ ગ્રંથો
લખ્યા છે.
નર્મદે સમાજ સુધારણા માટે નાની વયે જ ઈસવી સન ૧૮૫૧માં ‘બુદ્ધિ વર્ધક’ સભાની સ્થાપના કરી હતી. ઈસવી સન ૧૮૫૬માં ‘તત્વ શોધક’ સભા અને ઈસવી સન ૧૮૭૧માં ‘સુરત પ્રજા સમાજ’ની સ્થાપના કરી હતી.
સમાજમાંથી કુરિવાજોને ડામવા માટે નર્મદે ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. તેમણે વિધવા પુનર્લગ્ન, સ્ત્રીકેળવણી માટે ઝુંબેશ ચલાવી હતી.
નર્મદનો જન્મ ૨૪ ઑગસ્ટ, ૧૮૩૩માં સુરતમાં થયો
હતો. નર્મદે મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો
હતો. પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી
નર્મદને પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. શિક્ષકની નોકરી પણ કરી હતી. તે પણ છોડવી પડી હતી. અંતે કલમના
ખોળે ગયા.
સન ૨૦૧૦થી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ કવિ નર્મદનો જન્મદિવસ ૨૪મી ઓગસ્ટ ‘વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઊજવવાની શરૂઆત કરી હતી. તે સમયથી કવિ નર્મદ પારિતોષિક આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં કવિ નર્મદની જન્મ જયંતીને ‘નર્મદ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીને ‘વિશ્ર્વ માતૃભાષા દિવસ’ તરીકે ઊજવે છે તો મહારાષ્ટ્રના કવિ ઓસામા ગ્રંથનો જન્મદિવસ ૨૭મી ફેબ્રુઆરી મહારાષ્ટ્રમાં ‘વિશ્ર્વ મરાઠી દિવસ’ તરીકે ઊજવાય છે.
ગુજરાતી ભાષામાં અગાઉ કોઈએ ન કર્યું હોય તેવું શબ્દકોશ બનાવવાનું ભગીરથ કામ નર્મદે કર્યું હતું. નર્મદે કેવી જહેમત ઉઠાવી તેનું એક ઉદાહરણ જોઈએ.
નર્મદે સુથાર પાસે લાકડાનું એક નાનકડું રમકડાનું ગાડું બનાવડાવ્યું. એ પછી ગાડાના જુદા જુદા ભાગ પર સ્ટીકર લગાડ્યાં. તેના પર ગાડાના એ ભાગનાં નામ લખ્યાં, જેમ કે ધૂંસરી, કઠેડો, વગેરે.
એ પછી ભાવનગરમાં રહેતા પોતાના મિત્રને એ ગાડું મોકલાવ્યું
અને પૂછ્યું કે આ બધા ભાગોને તમારા વિસ્તારમાં શું કહે છે. આ રીતે પહેરણના વિવિધ ભાગનાં નામ વિવિધ વિસ્તારમાં જાણવા માટે મોકલ્યા હતા.
આ રીતે શબ્દો ભેગા કર્યા અને છેવટે સર્જન કર્યું – નર્મકોશનું ! જે હવે ગુજરાતી ભાષાના પ્રથમ શબ્દકોશ તરીકે ઓળખાય છે. આજે પણ સૌરાષ્ટ્ર, ચરોતર, બરડો કે ભાલ પ્રદેશની ભાષા અલગ પડે છે.
કેટલાક શબ્દોના અર્થ સમજવા મુશ્કેલ થાય એવી સ્થિતિ છે, તો દોઢસો-પોણાબસો વર્ષ પહેલાં તો શબ્દો શોધવા અને પછી તેના અર્થ રજૂ કરવા મુશ્કેલ જ હતા, પણ આ તો નર્મદ! નર્મદને તો મુશ્કેલ કામ જ કરવું હતું.
નર્મદનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓને અઘરા શબ્દો સરળ રીતે સમજાવવાનો હતો. ૧૮૬૦થી શરૂ કરીને ૧૮૬૮ સુધી નર્મદે આ ગ્રંથ લખવાનું કામ કર્યું.
નર્મકોશમાં કુલ મળીને ૨૫,૦૦૦થી વધુ શબ્દો હતા. સામાન્ય વ્યક્તિ આખી જિંદગીમાં આટલા બધા શબ્દો ક્યારેય વાપરતો
હોતો નથી.
સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય ભલે ૫૩ વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. આ કવિએ ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો છે. આવા લબ્ધ પ્રતિષ્ઠિત, મૂર્ધન્ય સાહિત્યકાર, મુઠ્ઠી ઊંચેરા માનવીએ ખૂબ જ ટૂંકા ગાળામાં પહાડ જેવડું કામ કર્યું છે, જેના કારણે ગુજરાતી ભાષાના ઈતિહાસમાં આજે તેઓ અમર છે. નર્મદને અંજલિરૂપે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’ રાખવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.