જ્ઞાનમ્ મનુજસ્ય તૃતીય નેત્રમ્

ઇન્ટરવલ

મગજ મંથન-વિઠ્ઠલ વઘાસિયા

ગુજરાતી ભાષાના મુર્ધન્ય સાહિત્યકાર – નિબંધ લેખક મણિલાલ દ્વિવેદી સન ૧૮૯૮માં સ્વધામ સિધાવ્યા એ પહેલા તેઓએ લખેલા એક નિબંધ ‘વાચન’માં આવી કંઈક મનોવ્યથા ઠાલવી છે: ‘આજકાલ સમાજમાં લોકો વાંચતા નથી. વાંચે છે તો ઉપરછલ્લું. બસમાં, રેલવેમાં સમય પસાર કરવાના હેતુથી છાપા કે ચોપાનિયા જેવું સાહિત્ય વાંચે છે. ક્યારેક સંક્ષિપ્ત પ્રકારનું સાહિત્ય વાંચી સંતોષ માને છે. ગ્રંથો – મહાગ્રંથો તો વાંચવાની વાત જ દૂર રહી. આમ, આજનો સમાજ પલ્લવગ્રાહી પાંડિત્યથી વિશેષ કશું મેળવતો નથી.’
સવા શતાબ્દી પૂર્વે કહેલી આ વાતના સર્જક આજે હયાત હોત અને આજની વાચન દારિદ્રયતા જોઈને કેવા દુ:ખી થાત!
ભાઈ, ગ્રંથનો પંથ તો ખૂબ ગૌરવવંતો છે. તક્ષશિલા અને નાલંદાના વિશ્ર્વ વિખ્યાત વિદ્યાલયોમાં એવાં વિશાળ અને સમૃદ્ધ ગ્રંથાલયો હતાં કે એમાંના મૂલ્યવાન ગ્રંથોની ખ્યાતિ સમગ્ર એશિયામાં ફેલાઈ હતી. દૂર-દૂરના દેશોમાંથી વિદ્યાર્થીઓ અને જ્ઞાન પિપાસુઓ ત્યાં અભ્યાસ માટે જતાં.
મુદ્રણ યુગની શરૂઆત પહેલાં પ્રાચીન ભારતની વિદ્યાપીઠોમાંથી અમૂલ્ય પુસ્તકોની નકલ ઉતારવા માટે કેટલાક ચીની વિદ્વાનો ભારતમાં આવેલા. આ બૌદ્ધ સાધુઓએ વર્ષો સુધી મહેનત કરીને કેટલાંક ઉત્તમ ગ્રંથોની નકલ કરી હતી. તેઓ જ્યારે પાછા ફરતા હતા ત્યારે દરિયો પાર કરતી વખતે તોફાન ઉપડે છે. ગ્રંથ ભંડારના ભારને લીધે વહાણ ડૂબી જવાનો ભય ઊભો થાય છે. બે જ વિકલ્પો બચે છે: ગ્રંથોનો ભંડાર ફેંકવો કે પ્રવાસીઓનો બોજ ઓછો કરવો? કહેવાય છે કે જ્ઞાનનાં ભંડાર સમા ગ્રંથો ફેંકવાના બદલે પ્રવાસીઓએ જળસમાધિ લેવાનું પસંદ કર્યું હતું. આવા અદ્ભૂત પુસ્તક પ્રેમની ઇતિહાસે સુવર્ણઅક્ષરે નોંધ લીધી.
સદ્ગ્રંથ વાચન એ જીવન ઘડતરની પારાશીશી છે. સદ્વાચન માણસને શિક્ષિત અને દીક્ષિત બનાવે છે. ગાંધીજી આફ્રિકામાં હતા ત્યારે તેમણે રસ્કીનનું પુસ્તક ‘અન ટુ ધ લાસ્ટ’ વાંચીને તેમાંથી સર્વોદયની પ્રેરણા મેળવેલી. તો વળી ગાંધીજીનો આધ્યાત્મિક અભિગમ ટોલ્સટોય રચિત ‘કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન ધાય સેલ્ફ’ અર્થાત્ ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ વાંચીને કેળવાયો હતો. ભગવદ્ગીતા વાંચીને ગાંધીજીએ કહેલું કે, ‘આ અમૂલ્ય ગ્રંથ છે. મારા નિરાશાના સમયે આ તત્ત્વજ્ઞાનના ગ્રંથે ખૂબ મદદ કરી છે.’
કહેવાય છે કે નેપોલિયનનો પુસ્તકપ્રેમ અદ્ભુત હતો. તે જ્યારે યુદ્ધમાં જતો ત્યારે પુસ્તકોને પણ સાથે રાખતો. યુદ્ધ વિરામ વખતે પુસ્તકો વાંચીને વિરામ મેળવતો. નેપોલિયન કહેતો, ‘યુદ્ધની વચ્ચે અડગ રહેવાનું મનોબળ અને અશક્ય શબ્દ જ ન હોવાની સમજણ પુસ્તકોમાંથી મળી છે.’
એસિગિલિયોને જ્યારે મુસોલીની દ્વારા જેલમાં પૂરવામાં આવે છે, ત્યારે એસિગિલિયોએ કેદમાં પણ થોડાં પુસ્તકો વાંચવા મળે તેવી વિનંતી કરેલી. તેમણે પાતંજલ યોગ સૂત્રોનું પુસ્તક વાંચી હર્ષ પામી નોંધ લખેલી કે, ‘આ અતિ ઉમદા ગ્રંથ છે. જેનું નામ લેતાં મરણ સુધરે એવા મહર્ષિ પતંજલિ છે, જીવનને પ્રતિપળ જીવંત બનાવે તેવું આ
પુસ્તક છે.’
ભારતીય જીવન પ્રણાલિમાં ગ્રંથોનો મહિમા અનેરો છે. હેમચંદ્રાચાર્યએ સિધ્ધહૈમ વ્યાકરણ તૈયાર કરી, તેની પોથીને હાથી ઉપર સોનાની અંબાડીમાં મૂકીને પાટણમાં ફેરવી. જ્ઞાનપંચમીના દિવસે પોથીનું પૂજન કરેલું માનવ સમાજ પર પ્રભાવ પાડવાની પુસ્તકોની શક્તિ પ્રબળ છે. કાર્લ માર્કસના પુસ્તક ‘દાસ કેપિટલ’ને કારણે જગતભરમાં સામ્યવાદની વિચારણા ફેલાઈ. સરસ્વતીચંદ્રમાં પંડિત યુગના ગુજરાત-ભારતનું જીવન ચરિત્ર છે. તેના દ્વારા લેખકનો આશય ભારતની પ્રજાને ઉત્થાન માર્ગે લઈ જવાનો છે.
પુસ્તક દ્વારા રજૂ થતા વિચારોને પગ આવી જાય છે. ગમે ત્યાં ગતિ કરતા હોય છે ગ્રંથો દ્વારા માહિતી, ઉપદેશ, રસ, મનોરંજન, જ્ઞાન અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર થવા માટે સન ૧૯૧૦માં વિલાયત ગયેલા. ત્યાં તેઓ પોતાના રહેણાંકથી ૧૨ માઈલ દૂર ચાલીને પુસ્તકાલય જતા. પુસ્તકાલયમાં તેઓ ૮ થી ૧૦ કલાક સુધી વાંચતા, પુસ્તકાલય બંધ થવાના સમયની જાણ ત્યાંનો પટાવાળો કરતો ત્યારે ઘેર જતા.
અરબસ્તાનનો લોરેન્સ નામનો માણસ ઓક્સફર્ડ વિશ્ર્વવિદ્યાલયના પુસ્તકાલયના ૫૦ હજાર પુસ્તકો છ વર્ષમાં વાંચી ગયેલો!
પ્રા. ઓર્નોલ્ડ બેનોટ (ઓર્ટોલેન્ડ) દર ૨૪ મિનિટે એક નવલકથા વાંચી શકતા. રજાના દિવસે છ નવલકથા વાંચી જતા.
મેકોલે જમવાના સમય સિવાય ભાગ્યે જ કોઈ સાથે વાત કરતા. ૧૮૩૬મા ભારત આવ્યા એ પહેલાં તેઓએ ગ્રીક, ઈટાલીયન, સ્પેનીશ, લેટિન, ફ્રેંચ, અંગ્રેજી જેવી ભાષાના તમામ પુસ્તકો વાંચી લીધા હતા.
ડૉ. બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય ખુલે એ પહેલાં ત્યાં
પહોંચી જતા.
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જે પુસ્તકાલયમાં વાંચવા જતા, ત્યાંંના ગ્રંથપાલને કોઈ પુસ્તક ન મળે, ત્યારે પાંડુરંગની મદદ લેતા.
ઈલેક્ટ્રિક મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર જેવા ઉપકરણોનો શોધક વૈજ્ઞાનિક માઈકલ ફેરેડ એક ગરીબ કુટુંબમાં જન્મેલો, તેમ છતાં બાઈન્ડરને ત્યાં પૂંઠા ચડાવવાની કામગીરી કરતાં-કરતાં વાંચનપ્રેમે તેમનો મહાન વૈજ્ઞાનિક સર હમ્ફી ડેવીડનો ભેટો કરાવ્યો. તેમના માર્ગદર્શન વડે જ જબરો વૈજ્ઞાનિક બન્યો.
સર થોમસ ફિલિપના એક લાખ પુસ્તક સંગ્રહને ખસેડવા ૧૮૬૩માં ૧૦૩ વેગનની જરૂર પડેલી.
આમ, વાચન સંસ્કારનું સિંચન કરે છે. આત્માને અજવાળે છે. ચિંતનની ક્ષિતિજો અસીમ બનાવે છે. નરને નારાયણ બનાવી શકે છે. જ્ઞાનના દ્વાર ખોલી આપવાની ગુરુ ચાવી વાચન છે. સદ્ગ્રંથ વાચન એ જ્ઞાન પ્રાપ્તિ અને સમસ્યા ઉકેલ માટેનું ઉત્તમ સાધન છે. શબ્દોનો મહાસાગર છે. વાચનથી દ્રષ્ટિકોણ વિશાળ બને છે. તર્ક સતેજ બને છે. પુસ્તક વાંચતા જ બીજી દુનિયામાં પ્રવેશ મળે
છે. પુસ્તકની પાંખે, શેક્સપિયરની
આંખે એલિઝાબેથના સમયનું બ્રિટન જોઈ શકાય છે.
રશિયાને ટોલ્સટોયની આંખે જોઈ શકાય છે. પ્રાચીન ભારતને કાલીદાસની આંખે નિહાળી શકાય છે. હજારો વર્ષના પૂર્વસુરિઓ જેવા કે સોક્રેટીસ, પ્લુટો, એરિસ્ટોટલને માનસિક રીતે મળી શકાય છે.
ઉપયોગિતાની બોલબાલામાં અટવાયેલો યંત્રયુગનો આજનો માનવી સમયના અભાવની ફરિયાદ કરે છે. ટી. વી. અને ફિલ્મદર્શન પાછળ કલાકો વેડફી નાખતો આ માનવી પુસ્તક ખરીદીમાં કંજુસાઈ કરે છે. ભોજનના મેનુ પાછળ સહેજે ૫૦૦-૧૦૦૦ રૂપિયા ખર્ચવા તેના માટે સામાન્ય છે. અરે નોકરિયાત વર્ગ પોતાના ઈજાફાની રકમ જેટલા પુસ્તકો પણ ખરીદતો નથી!
વાચનનો જીવનમાં કેટલો અમૂલ્ય ફાળો છે એ પુરવાર કરતા બે પ્રસંગો મારા જીવનમાં બની ગયા છે. જ્યારે હું માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હતો, ત્યારે મારા જ એક સહાધ્યાયી મિત્ર વાંચવાના ખૂબ જ શોખીન. બુક ભાડે આપનારને ત્યાંથી આ મિત્ર દરરોજ ફેન્ટમ અને ટારઝન જેવા પાત્રોની સાહસ કથાઓના પુસ્તક ભાડે લઈને વાંચે. અમારા ગામથી નજીકના શહેરમાં ભણવા જવાનું થતું હોવાથી, ત્રણ ચાર કિલોમીટર ચાલીને જવું પડતું. આ મિત્ર પુસ્તક વાંચતા વાંચતા ચાલે. એ જમાનામાં રોડ પર ટ્રાફિકની કોઈ સમસ્યા જ નહોતી. એટલે કોઈ સાથે ભટકાઈ જવાનો બિલકુલ ડર જ નહોતો. હું મારા આ મિત્રને ઘણી વખત કહું કે, ‘આવી સાહસ કથાઓ વાંચીને તારે શું સાબિત કરવું છે?’ કે કહેતો, ‘કે મારે ટારઝનની જેમ જંગલમાં એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર છલાંક મારવી છે!’
ભવિષ્યમાં આ મિત્ર બોટની વિષય સાથે સ્નાતક થયો. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા આપીને જંગલ ખાતાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે પસંદ થયો!
બીજો કિસ્સો, મારા નોકરી કાળ દરમિયાન એક પુસ્તકાલયના સંચાલકે મને કહ્યું કે, ‘સાહેબ તમારો કોઈ વિદ્યાર્થી ભણતા ભણતા થોડું ઘણું કમાવાની ઈચ્છા રાખતો હોય તો અમારી લાઈબ્રેરીમાં તેમને મોકલી દેજો. અમે તેમને તેમના ખર્ચા જોગી રકમ આપશું. લાઈબ્રેરીમાં એમને બે ત્રણ કલાક બેસવાનું રહેશે. પુસ્તકની આપલે કરવાની અને કોઈ પુસ્તક ફાટેલું હોય તો પૂંઠા વગેરે ચડાવીને પુસ્તકો વ્યવસ્થિત રાખવા. બસ, એટલું કામ કરવાનું રહેશે.’
મારો એક વિદ્યાર્થી કોલેજના અભ્યાસ માટે બીજા શહેરમાં જતો. તેમની આર્થિક સ્થિતિ થોડી નબળી, એટલે મને તે યાદ આવ્યો. તેમની કોલેજ અડધો દિવસ ચાલતી અને અડધો દિવસ તે ફ્રી રહેતો. મેં એમને આ વાત કરી. ‘તને બસમાં આવવા જવાના પાસની રકમ જેટલું મહેનતાણું આ પુસ્તકાલયના સંચાલકો આપશે.’ને વળી વિવિધ પુસ્તકો વાંચવા મળશે એ વિશેષ ફાયદામાં!
મારો આ વિચાર તે વિદ્યાર્થીને ગળે ઉતરી ગયો. તે આ પુસ્તકાલયમાં જોડાઈ ગયો. આમ કરતાં કરતાં, તેણે સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કરી લીધો. પુસ્તકાલય સાથે નાતો બંધાઈ ગયો. આગળ જતાં લાઈબ્રેરીયનનો ડિપ્લોમા અભ્યાસક્રમ કર્યો. કાળ ક્રમે સરકાર દ્વારા ગ્રંથપાલની ભરતી કરવામાં આવી. તે ગ્રંથપાલ તરીકે પસંદગી પામ્યો. જિલ્લા સરકારી પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે જોડાઈ ગયો.
આ બંને પ્રસંગો ઉપરથી ફલિત થાય છે કે, વાંચન જીવનમાં ચમત્કાર તો સર્જે જ છે! ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.