કેફિયત-એ-કચ્છ-રાજેશ માહેશ્ર્વરી
બાજરો ધાન્યનું નામ કચ્છના લોકોને જીભે અને હૈયે વસેલું છે. કચ્છની સંસ્કૃતિની વાત કરીએ તો બાજરો કે બાજરી તેમના રોજબરોજની જીવનચર્યા સાથે સંકળાયેલું ધાન છે.
કોઇને આશીર્વાદ આપવા હોય તો કચ્છીમાં કહેવત છે “માલિક આંકે જીજી બાજર ડીએ “કે અલ્લાહ આંકે જીજી બાજર ડેં એટલે કે બાજરીને જીવનના પર્યાય રૂપે ગણી લીધું છે.
આ ઉપરાંત વાગડમાં કોઇ વયોવૃદ્ધ પુરુષ કે સ્ત્રીનો સ્વર્ગવાસ થાય તો એમ કહેવાય કે “એમની બાજરી ખૂટી ગઇ હશે. આમ સમગ્ર કચ્છમાં બાજરીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
બાજરી-બાજરાને અંગ્રેજીમાં પર્લ મિલેટ (Pearl Millet) કહેવાય છે.
તાજેતરમાં આપણા પ્રધાન મંત્રીએ લગભગ ૧-૨ સપ્તાહ પહેલાં ૨૦૨૩ વર્ષને વિશ્ર્વ ખાદ્ય સંસ્થાને અપીલ કરી છે કે આ વર્ષને જાડા અનાજનું વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવે અને તેની અનુમોદના પણ થઇ. તેના સંદર્ભમાં શ્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો અને વિરોધ પક્ષના નેતાઓને બાજરા, જુવાર, રાગી અને મકાઇ જેવા જાડા ધાનના બનેલ વ્યંજનો બનાવ્યાં હતાં અને ભોજન માટે આંંમત્રિત કર્યા હતા.
આમ બાજરાનો ઉપયોગ વધે તે માટે ભારત સરકારે “Millet Year’ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. અને બાજરીની મહત્તા ઘઉંની તુલનાએ અનેક ઘણી છે. તે વૈજ્ઞાનિક સંશોધનોના તારણ પરથી નક્કી થયું છે.
કચ્છમાં બાજરાના રોટલા માત્ર શ્રમજીવીઓના ઘરે નથી બનતા, પરંતુ તવંગર અને માલેતુજારની થાળીમાં બાજરાનો રોટલો પીરસવામાં આવે છે.
બાજરાના રોટલાનેે રાજસ્થાનના મારવાડ, થર પારકરના સિંઘ અને કચ્છ-સૌરાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે.
બાજરાની ખેતી સૂકી આબોહવા, ઓછું પાણીને માફક આવે છે. માટે બાજરાનું પુષ્કળ ઉત્પાદન થાય છે. બાજરાના રોટલા સાથે રિંગણનો ઓળો, કઢી તેમ જ બટેકાના શાક કે દાળ સાથે રંગત જામે છે. વરસાદના પાણીથી પકવેલ બાજરીનો સ્વાદ ખૂબ જ અનેરો અને લિજજત ભરેલો હોય છે. સાથે લસણની ચટણી, ગોળ અને ડુંગળી એ બાજરાના રોટલાના સાથીદાર છે.
કચ્છમાં રોટલાને ‘માની’ તરીકે ઓળખાય છે. કચ્છના પ્રખ્યાત કવિ શ્રી દુલેરાય કારાણીએ લખેલ કવિતામાં.
મુંકે મીઠી લગે માડી તોજી માની…
આમાં માના હાથે ઘડેલી બાજરાનો રોટલાનો મહિમા ગાયો છે. અને તે રોટલામાં સ્નેહનો સેતુ રચાય છે. એવું આ કવિતામાં શ્રી કારણીએ કહ્યું છે.
જૂના જમાનામાં બાજરાને હાથઘંટીથી દળવામાં આવતી, હવે ઇલેક્ટ્રિક ચક્કી કે ઘરઘંટીમાં તેને પીસીને લોટ તૈયાર કરવામાં આવે છે. રવિશંકર મહારાજ કહેતાં કે ‘ખાંડબિયા અને ઘંટીને વિસરશો તો વહેલા મરશો,’ પરંતુ આજ તા યંત્રવત્ યુગમાં હાથઘંટીઓ લુપ્ત જતી પ્રથા છે. અને તેનું સ્થાન ઇલેક્ટ્રિક ચક્કી કે ઘરઘંટીએ લીધું છે.
કચ્છમાં સવારમાં ઘંટીનો નાદ અને વલોણાના નાદ ખૂબ જ લોકપ્રિય હતા, પરંતુ હવે તે અવાજ માત્ર સ્મૃતિ બની ગયા છે.
આજની આધુનિક યુવા-યુવતીઓ બાજરાનો રોટલો આરોગવા માટે હાઇવેની હોટલો તરફ મુખ કરે છે. અને હાઇવેની હોટલોમાં જેવો તેવો બાજરાનો રોટલો આરોગીને સંતોષ પામે છે.
બાજરાના રોટલા ઉપરાંત તેની રાબ, થૂલી પણ બનાવવામાં આવે છે. બાજરાના રોટલા ઉપરાંત કુલેર પણ બનાવવામાં આવે છે. આજના સમયમાં બાજરીના ધાનને પફ કરીને પણ નાસ્તામાં આરોગવામાં આવે છે.
બાજરાનો સૌથી મોટો ગુણ એ છે કે તેમાં ‘ગ્લુટેન’ નામનું પ્રોટીન નથી. આ ‘ગ્લુટેન’ની એલર્જીવાળા લોકોને ઘઉં ખાવા પર મનાઇ હોય છે. કારણકે ઘઉંમાં ‘ગ્લુટેન’ નામનું પ્રોટીન હોય છે. જે ‘પોટ બેલી’Pot Bally) એટલે કે માટલી જેવું પેટ જે જોવા મળે છે. તે ઘઉંના આટાને લીધે છે. માટે ઘઉંના સેવનથી અનેક દર્દો જેવા કે ‘સિલિયાક ડિઝીઝ’ ડાયાબિટીશ, મેદસ્વિતા જેવા અનેક રોગો સંકળાયેલ છે. જયારે બાજરામાં આ બધા રોગોથી મુક્ત રહેવાય છે.
કચ્છમાં બાજરાના રોટલા ઉપરાંત મસાલાવાળા બાજરાના રોટલામાં ડુંગળી, લસણ, કોથમીર અને લીલા મરચાં નાખીને સ્વાદિષ્ટ બનાવાય છે. અને તેને માખણ કે ઘીમાં સાંતળવામાં આવે છે. કચ્છની ઘણી જગ્યાએ આ મસાલાવાળા રોટલાનું શિરામણ આરોગવામાં આવે છે. તેને લીધે આખો દિવસ ભૂખ લાગતી નથી અને શ્રમ કરવા માટેની કેલેરી મળતી રહે છે. સાથે દહીંનો પણ ઉપયોગ તેમ જ લીલી ચટણી કે લસણની ચટણી પર ઉપયોગમાં ેલેવાય છે.
રોટલાનો અસલ સ્વાદ માણવો હોય તો રોટલાને તાવડી અને લાકડાંથી પેટાવેલ ચૂલા કે સગડી પર સ્વાદ મળે છે. તેનાથી રોટલામાં મીઠાશ ભળે છે, પરંતુ લોખંડના તવા પર કે ગેસના ચૂલા પર બનેલો બાજરાનો રોટલો સ્વાદિષ્ટ બનતો નથી, પરંતુ તે માત્ર પેટ ભરવા માટે કામનો છે.
આ ગ્રામીણ કચ્છની સંસ્કૃતિનો આનંદ લેવો હોય તો કચ્છમાં બાજરાના રોટલા લસણની ચટણી, છાશ તેમ જ તેને લગતું શાક ખૂબ જ આરોગ્યપ્રદ અને સંતોષ
આપે છે.
વધુ માહિતી આગળના પ્રકરણમાં (ક્રમશ)ઉ