મધ્ય પ્રદેશઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સિનિયર સિટીઝનને વિવિધ સેવામાં છૂટ આપવામાં આવે છે. આ સેવામાં રેલવે અને બસ સેવાનો સમાવેશ પણ થાય છે, પરંતુ હવે સરકારે એક પગલું આગળ વધીને રેલવે અને બસ સિવાય હવે સિનિયર સિટીઝનને ફ્રીમાં હવાઈ મુસાફરીની સુવિધા આપી રહી છે. વિશ્વાસ નથી બેસતો ને આ સમાચાર પર? પણ આ હકીકત છે અને ખુદ મુખ્ય પ્રધાને આ વાતની જાહેરાત કરી હતી. ભિંડ ખાતે સંત રવિદાસ જયંતિ અને ચંબળ વિભાગની વિકાસ યાત્રાના શુભારંભ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચવ્હાણે સિનિયર સિટીઝન માટે આ ખાસ જાહેરાત કરી હતી. ચવ્હાણે જણાવ્યું હતું કે રાજ્યના સિનિયર સિટિઝનોને આગામી મહિનાથી તીર્થસ્થળોએ જવા માટે ફ્રી એર ટ્રાવેલની સુવિધા આપવામાં આવશે. તીર્થસ્થળ યોજનામાં સંત રવિદાસના જન્મસ્થળ સહિત અનેક બીજા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તીર્થ દર્શન યોજનાંતર્ગત 60 વર્ષ કરતાં વધુ ઉંમરના નાગરિકોએ સરકારી ખર્ચે જ તીર્થયાત્રા કરી શકશે.