મધ્યપ્રદેશ રહેતા તંદૂરી રોટીના શોખીનો માટે ખરાબ સમાચાર છે. હવે ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં તંદૂરી રોટી નહીં મળે. વધતા જતા વાયુ પ્રદુષણને જોતા સરકારે તંદૂર પર પ્રતિબંધ મુક્યો છે. સરકારના આદેશનો અનાદર કરવા બદલ 5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
મધ્યપ્રદેશ સરકારના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં વાયુ પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વાયુ પ્રદૂષણને રોકવા માટે સરકારે આ પગલું ભર્યું છે. મધ્યપ્રદેશના ખાદ્ય વિભાગે આદેશ જારી કર્યો છે. ખાદ્ય વિભાગે રાજ્યના હોટેલ-ઢાબા સંચાલકોને નોટિસ આપીને તંદુરનો ઉપયોગ બંધ કરવા કહ્યું છે.
ખાદ્ય વિભાગે જાહેર કરેલા આદેશમાં હોટલ અને ઢાબાના સંચાલકોને સ્પષ્ટપણે કહેવાયું છે કે હવે લાકડા-કોલસા સળગાવી તંદૂરનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેના બદલામાં ઇલેક્ટ્રિક ઓવન અથવા એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
રાજ્યમાં લોકો તંદૂરી રોટી ખાવાના ખૂબ જ શોખીન છે. પરંતુ રાજ્ય સરકારની આ સૂચના બાદ તંદૂરી રોટીના શોખીનો નિરાશ થયા છે. તેમજ આ આદેશથી ઢાબા-હોટલના માલિકો મુશ્કેલીમાં મુકાય છે. ઢાબા માલિકોને ડર છે કે સરકારના આ આદેશો બાદ બિઝનેસ પર માઠી અસર પડશે.