છેલ્લા આઠ વર્ષમાં નેતાજીના આદર્શોને અનુરૂપ નિર્ણયો લીધા: મોદી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજપથ બન્યો કર્તવ્યપથ: વડા પ્રધાન મોદીએ ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્રની ૨૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને અગાઉ કિંગ્સવૅ (રાજપથ) તરીકે ઓળખાતા અને હવે ‘કર્તવ્યપથ’ના નામકરણ સાથે નૂતનીકરણ થયેલા માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, જેમાં દેશની સંસદ માટેનું નવું મકાન, પ્રધાનો માટેની ઇમારતો, સેક્રેટરિયલ બિલ્ડિંગો, વડા-પ્રધાન અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનોનો પણ સમાવેશ થાય છે. (પીટીઆઈ)

નવી દિલ્હી: નેેતાજી સુભાષચંદ્ર બોઝે બતાવેલા પથ પર આઝાદી પછી ભારત આગળ વધ્યું હોત તો દેશ ખૂબ જ ઊંચાઇએ પહોંચ્યો હોત તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું. ખેદની વાત છે કે આઝાદી પછી તેમને ભૂલાવી દેવાયા હતા. ભારતને નેતાજીની પ્રતિમા અને કર્તવ્યપથના ઉદ્ઘાટન પછી તેમણે કહ્યું હતું કે દેશને આજે નવી ઊર્જા પ્રેરણા મળી છે. ‘કિંગ્સવે’ (અંગ્રેજોએ આપેલું નામ – રાજાનો માર્ગ) જેને રાજપથ કહેવામાં આવતું હતું તે ગુલામીનું પ્રતીક હતું તે હવે ભૂતકાળ બની ગયું છે. આજે કર્તવ્ય પથના રૂપમાં નવા ઇતિહાસનું સર્જન થયું છે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપશે. છેલ્લા આઠ વર્ષમાં આપણે ઘણાં નિર્ણયો લીધા જે નેતાજીના સ્વપ્નો અને આદર્શોને અનુરૂપ હતા. કર્તવ્ય વિકાસમાં સહભાગી બનેલા શ્રમિકોનો આભાર માનતા મોદીએ કહ્યું કે શ્રમિકોએ ન કેવળ નિર્માણ કર્યું પણ કર્તવ્યનો માર્ગ પણ અન્યોને દેખાડ્યો હતો. વડા પ્રધાન મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ વચ્ચેના સુશોભિત રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. અગાઉ કિંગ્સવૅ (રાજપથ) તરીકે ઓળખાતા માર્ગનું નવું નામ ‘કર્તવ્ય પથ’ રાખવામાં આવ્યું છે. રોડની આસપાસ અગાઉ બાજરી સેન્ડ પથરાયેલી હતી હવે તેના સ્થાને રેડ ગ્રેનાઇટ વોકવેઝ તૈયાર
કરાયા છે. ૭૪ ઐતિહાસિક વીજળીના થાંભલા અને ચેઇનલિન્કનું રિસ્ટોરેશન કરી રિઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે અને ૯૦૦થી વધુ નવા વીજળીના થાંભલા ઉમેરવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્રની ૨૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા એ કેન્દ્રના ૧૩,૪૫૦ કરોડના બજેટવાળા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે જેમાં દેશની સંસદ માટેનું નવું મકાન, પ્રધાનો માટેની ઇમારતો, સેક્રેટરિયલ બિલ્ડિંગો, વડા-પ્રધાન અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનોનો પણ સમાવેશ થાય છે. નોર્થ અને સાઉથ બ્લોક તેમ જ રાષ્ટ્રપતિ ભવનની આસપાસ આવેલા સેક્રેટરિયલ બિલ્ડિંગોને મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવશે.
નેતાજીની પ્રતિમા ૨૮૦ મેટ્રિક ટન વજન ધરાવતા કાળા ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પથ્થરને તેલંગણાથી દિલ્હી લાવવામાં આવ્યો હતો જેમાંથી પ્રતિમા કંડારતા બે મહિના લાગ્યા હતા. મોદીએ અહીં કામ કરતા કામદારો સાથે વાતો કરી હતી અને તેમને કહ્યું હતું કે તમામ વર્કરોને પ્રજાસત્તાકદિનની પરેડ વખતે આમંત્રણ આપવામાં આવશે. તેઓ ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારના છેલ્લા નવ દાયકાઓમાં થયેલા ઉત્થાનને વાગોળતી ગેલેરીમાં પણ ફર્યા હતા. મોદીની સાથે અન્ય કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરી, જી. કિસન રેડ્ડી, અર્જુન રામ મેઘવાળ, મીનાક્ષી લેખી અને કૌશલ કિશોર પણ હાજર હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.