ભારતના રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ પરિકલ્પના કરનારાં મેડમ ભિખાઈજી કામા

લાડકી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

ભારતના રાષ્ટ્રધ્વજની પરિકલ્પના સૌથી પહેલાં કોણે કરેલી એ જાણો છો?
એમનું નામ મેડમ ભિખાઈજી કામા. ક્રાંતિની જનની તરીકે જાણીતાં થયેલાં મેડમ કામાએ રાષ્ટ્રધ્વજની પરિકલ્પના કરી એટલું જ નહીં, રાષ્ટ્રધ્વજ બનાવ્યો પણ ખરો અને ૨૧ ઓગસ્ટ, ૧૯૦૭ના જર્મનીના સ્ટુટગાર્ટમાં સાતમી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં ફરકાવ્યો પણ ખરો.
દેશ-વિદેશની ધરતી પર પહેલી જ વાર લહેરાયેલા ભારતના એ ત્રિરંગા રાષ્ટ્રધ્વજમાં ભિખાઈજી કામાએ ત્રણ પહોળી રંગીન પટ્ટીઓ બનાવેલી. સૌથી ઉપર લીલા રંગની, વચ્ચે કેસરી કે ભગવા રંગની અને નીચે લાલ રંગની. લીલી પટ્ટીમાં ભારતના આઠ પ્રાંતના પ્રતીક સ્વરૂપ આઠ કમળની આકૃતિ બનાવેલી, કેસરી પટ્ટીમાં સંસ્કૃતમાં વન્દે માતરમ ગૂંથવામાં આવેલું અને લાલ પટ્ટીમાં એક તરફ સૂર્ય તથા બીજી બાજુ અર્ધ ચંદ્ર, જે ભારતના બે મુખ્ય ધર્મ હિંદુ અને ઇસ્લામનાં પ્રતીક હતાં. ભારતની વિવિધતામાં એકતા દર્શાવતો ઝંડો ફરકાવતાં મેડમ કામાએ કહેલું કે આ ધ્વજ ભારતની આઝાદીનું પ્રતીક છે!
મેડમ ભિખાઈજી કામાએ રાષ્ટ્રીય ધ્વજ બનાવ્યો અને ફરકાવ્યો એ તેમનું સૌથી મહત્ત્વનું યોગદાન હતું, પણ એ કાંઈ એમનું એકમાત્ર પ્રદાન નહોતું. ભિખાઈજી કામાએ વિદેશની ધરતી પર રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિ કરેલી, ધ્યેયપ્રાપ્તિ માટે હથિયારની ગરજ સારતી કલમને ખોળે માથું મૂકીને તેજાબી લખાણો લખ્યાં અને આગઝરતાં પ્રવચનો કર્યાં.
આ ભિખાઈજી કામા મુંબઈમાં વસતા સાધનસંપન્ન પારસી કુટુંબમાં ૨૪ સપ્ટેમ્બર, ૧૮૬૧ના જન્મ્યાં. પિતા સોરાબજી પટેલ અને માતા જિજાબાઇ. ભિખાઈજી એલેક્ઝાન્ડ્રા ગર્લ્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં ભણ્યાં. પિતા સોરાબજી સફળ અને સમૃદ્ધ વ્યાપારી હતા. સામાન્યપણે પારસી સમુદાયના લોકો અંગ્રેજોના સમર્થક ગણાતા. ભિખાઈજીનું લાલનપાલન એવા જ પારસી પરિવારમાં થયું. તેમના ઘરમાં વિક્ટોરિયાયુગીન ઇંગ્લેન્ડની તમામ પ્રકારની સુખસમૃદ્ધિની સુવિધા હતી.
સ્વાભાવિક જ પ્રશ્ર્ન થાય: દોમ દોમ સાહ્યબીવાળી પારિવારિક પૃષ્ઠભૂમિ હોવા છતાં ભિખાઈજીએ તમામ સુખસુવિધાઓનો ત્યાગ કરીને દેશની સ્વતંત્રતાના જંગમાં કઈ રીતે ઝુકાવ્યું હશે?
૧૮૮૫માં બે ઘટના બની. ૩ ઓગસ્ટના બેરિસ્ટર રુસ્તમજી કામા સાથે લગ્ન અને ડિસેમ્બરમાં વ્યોમેશચંદ્ર બેનરજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન. ભિખાઈજીએ કોંગ્રેસની કામગીરી નિહાળી. એમના માટે આ અવસર માત્ર રાજનૈતિક જાગૃતિનો જ નહીં, પણ સામાજિક અને આર્થિક જાગૃતિની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ હતો. ભિખાઈજીને કાર્ય કરવાનો નવો અવસર સાંપડ્યો. તેઓ દેશસેવામાં જોતરાયાં. તમામ સુખસુવિધાઓનો ત્યાગ કર્યો. હવે એમનું એક જ સ્વપ્ન હતું: વિદેશી ગુલામીથી મુક્ત એવું સ્વતંત્ર ભારત! જોકે આ જ મુદ્દે ભિખાઈજી અને રુસ્તમજી વચ્ચે મતભેદ અને પછી મનભેદ થયા. રુસ્તમજી અંગ્રેજોની કૃપામાં વિશ્ર્વાસ ધરાવતા, એથી ભિખાઈજી એમનાથી દૂર થતાં ગયાં.
દરમિયાન, ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગની મહામારી ફાટી નીકળી. ભિખાઈજી પારસી પંચાયત દ્વારા સંચાલિત એક સાર્વજનિક હોસ્પિટલમાં પરિચારિકાનું સફેદ એપ્રન પહેરીને રોગીઓની સારવાર કરવા લાગ્યાં. પ્લેગની રસીની શોધ થઇ નહોતી. છતાં પોતાના જીવના જોખમે ભિખાઈજી દર્દીઓની ચાકરી કરતાં રહ્યાં. આખરે એ જ થયું જેનો ભય હતો. દર્દીઓને સજા કરતાં કરતાં ભિખાઈજી પોતે દર્દી બની ગયાં. સારવાર માટે ઇંગ્લેન્ડ ગયાં. લંડનમાં શુશ્રૂષા અને સફળ શલ્ય-ચિકિત્સા થઇ. એવામાં દાદાભાઈ નવરોજી સાથે પરિચય થયો. એમનાથી પ્રભાવિત થઈને ભિખાઈજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કામમાં જોડાયાં. એ વખતે દાદાભાઈ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના સભ્યપદ માટેના ઉમેદવાર હતા. ભિખાઈજી કામા એમના માટે સક્રિયપણે પ્રચાર કરવા લાગ્યાં. એનાથી એમની રાજનૈતિક આકાંક્ષાઓને બળ મળ્યું.
ભિખાઈજી કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલાં, પણ ક્રાંતિકારી વિચારોથી પ્રભાવિત થયેલાં. દાદાભાઈને લીધે ભિખાઈજીને દેશસેવા સાથે જોડાયેલા સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણ વર્મા અને વીર સાવરકર સહિત ઘણા ક્રાંતિકારીઓને મળવાનો મોકો મળ્યો. અહીંથી ભિખાઈજી કામાના જીવનનું વહેણ બદલાયું. એ કોંગ્રેસીમાંથી ક્રાંતિકારી બની ગયાં.
ભિખાઈજી કામાએ પહેલાં તો ભારત પાછા ફરવાનું નક્કી કરી લીધેલું, પણ પછી એમનો વિચાર બદલાયો. તેમણે જર્મની, સ્કોટલેન્ડ અને ફ્રાન્સમાં એક એક વર્ષ વિતાવ્યું અને લંડન પાછા ફર્યાં. અંગ્રેજો વિરુદ્ધ તેજાબી ભાષણો કરવા લાગ્યાં. એટલેથી ન અટકતાં કલમ ઉઠાવી. કલમ અજાયબ હથિયાર છે. નહીં બંદૂક, નહીં તલવાર… નહીં ઉગામવું, નહીં ફેંકવું ને નહીં વીંઝવાનું કામ… વણ દારૂ, વણ જામગરી એના અણધાર્યા અંજામ. ધાર્યાં નિશાન પાર પાડે. ભિખાઈજીએ પોતે શરૂ કરેલાં ‘વંદે માતરમ’માં અને ‘તલવાર’ જેવાં સામયિકોમાં ખૂબ લખ્યું, પણ શરૂઆત શ્યામજી કૃષ્ણ વર્માના સામયિક ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’થી કરી. એમાં નિયમિત લખતાં રહીને અંગ્રેજો સામે નિશાન તાકવા લાગ્યાં.
શ્યામજીએ સ્થાપેલા ઇન્ડિયા હાઉસમાં પણ તેમની બેઠક હતી. ભિખાઈજી કામા ક્રાંતિકારી યુવાનોને તાલીમ આપતાં અને એમને હથિયાર પ્રાપ્ત કરવામાં સહાય કરતાં. ભિખાઈજી દૃઢપણે એવું માનતાં કે ભારતને ક્રાંતિની કેડી પર ચાલીને જ આઝાદી મળી શકે તેમ છે. એમની વ્યાખ્યા મુજબ, ક્રાંતિ એટલે સ્વરાજ, સ્વશાસન, મુક્તિ, સમતા અને ભાઈચારા માટેનો પ્રયાસ.
ભિખાઈજીએ એક અખબાર સાથેની
મુલાકાતમાં ક્રાંતિ શબ્દને વધુ સ્પષ્ટ કરતાં કહેલું, સવિનય અવજ્ઞા દ્વારા બ્રિટિશ શાસનનો અંત થશે. અમારા દેશવાસીઓ શાંતિપ્રિય છે અને નિ:શસ્ત્ર છે. અમે ઈચ્છીએ તો પણ યુદ્ધ કરી શકીએ એમ નથી. અમે અમારા દેશવાસીઓને એક થઈને અંગ્રેજોનો મુકાબલો કરવા માટે તૈયાર કરી રહ્યા છીએ. આવશ્યકતા છે એકતા અને સંગઠનની. અમે ધારીએ તો ઘણા ઓછા સમયમાં અંગ્રેજોને તેમના પોતાના ઘરમાં જ કેદ કરી શકીએ તેમ છીએ. એના માટે લોહી વહાવવાની જરૂર નહીં પડે. અમે એક થઈને એમના માટે કામ કરવાનો ઇનકાર કરી દઈએ એટલું જ જોઈએ. પાંચ જ દિવસમાં રક્તહીન ક્રાંતિ કરી શકાય એમ છે.
ક્રાંતિનો સંદેશ ભિખાઈજીએ જર્મનીના સ્ટુટગાર્ટમાં પણ આપેલો. ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવીને એમણે ક્રાંતિ જ કરેલી. રાષ્ટ્રધ્વજનું અનેરું માહાત્મ્ય છે. ગાંધીજીએ કહેલું કે ‘એકેએક રાષ્ટ્રને પોતાનું રાષ્ટ્રીય નિશાન-રાષ્ટ્રીય ધ્વજ હોવો જોઈએ. તેને ફરકાવવા અને ફરકતો રાખવા માટે આપણે જીવીએ અને જેને ન પડવા દેવા માટે આપણે આપણા પ્રાણ ન્યોચ્છાવર કરીએ.’
ગાંધીજીએ આ શબ્દો કહ્યા તેના ઘણા સમય પહેલાં ભિખાઈજી કામાએ પણ પ્રાણ ન્યોચ્છાવર કરીને પોતે બનાવેલો રાષ્ટ્રધ્વજ ભારતમાં ફરકાવવાનું સપ્નું સેવેલું. જોકે ભિખાઈજી કામાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને પગલે અંગ્રેજ સરકારે તેમના ભારત અને ઇંગ્લેન્ડ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો, એથી ભિખાઈજી કામા પેરિસ પહોંચી ગયાં. એમણે આઝાદ ભારતમાં જ પાછા ફરવું એવો સંકલ્પ કરેલો, પણ માંદગીને કારણે એમણે ૧૯૩૫માં ભારત પાછા ફરવા સિત્તેર વર્ષની ઉંમરે વાઈસરોયને પત્ર લખ્યો કે ‘મેં ગુલામ ભારતમાં નહીં રહેવાની પ્રતિજ્ઞા લીધેલી, એથી જીવનભર વિદેશમાં ભટકતી રહી, પરંતુ હવે મારું મૃત્યુ નજીક છે. મારું મોત માતૃભૂમિમાં થાય એવી મારી ઈચ્છા છે. માતૃભૂમિ મને સ્વર્ગથી પણ અધિક પ્રિય છે. મને ભારત આવવાની મંજૂરી આપશો?’
મંજૂરી મળી. ભિખાઈજી કામાએ અધૂરા સ્વપ્ન અને અધૂરા સંકલ્પ સાથે ભારત પાછા ફરવું પડ્યું. ૧૩ ઓગસ્ટ, ૧૯૩૬ના ક્રાંતિનાં મશાલચી નામે મેડમ કામાની જીવનજ્યોત બુઝાઈ ગઈ.
ભિખાઈજીએ ચિરવિદાય લીધી, પણ ‘ઝંડા ઉંચા રહે હમારા, વિજયી વિશ્ર્વ તિરંગા પ્યારા…’ ગાતી વખતે સર્વ પ્રથમ ત્રિરંગો ફરકાવનારાં મેડમ કામાનું સ્મરણ ન કરીએ તો કેમ ચાલે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.