વિશેષ -રાજેશ યાજ્ઞિક
બોલીવુડ અભિનેતાઓ અને અભિનેત્રીઓની શાનદાર લાઇફસ્ટાઇલ વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. અમિતાભ હોય કે શાહરુખ, આમિર હોય કે નવાઝુદ્દીન, સલમાન હોય કે શાહિદ સહુના ઘર, બંગલા કે ગાડીઓ બધામાં તેમની વૈભવી રહેણીકરણી ઝળકે છે. અભિનેત્રીઓ પણ એ મામલે પાછળ નથી જ. આજકાલ સાઉથની ફિલ્મો ધૂમ મચાવે છે. ભારતના હિન્દી ભાષી પટ્ટામાં પહેલા દક્ષિણના કલાકારો એટલા પ્રખ્યાત નહોતાં, પણ દક્ષિણમાં તો તેમના નામના રીતસરના સિક્કા ઉછળે છે, આરતીઓ થાય છે! એની વાત ફરી ક્યારેક, પણ અત્યારે તો જાણીએ દક્ષિણના સુપરસ્ટાર્સની વૈભવી જીવનશૈલી વિશે. જાણીને તમે કેટલાય બોલીવુડ સુપરસ્ટાર્સને ભૂલી જશો.
—————
અલ્લુ અર્જુન
પુષ્પા ફિલ્મ પછી અલ્લુનું નામ આખા ભારતમાં કોણ નહીં જાણતું હોય? અલ્લુ એક અતિ-આલીશાન મકાનમાં રહે છે તે નવાઈની વાત નથી. ‘બ્લેસિંગ’ નામનો તેનો ભવ્ય બંગલો હૈદરાબાદના સૌથી પોશ વિસ્તારો પૈકી એક જ્યુબિલી હિલ્સમાં છે. અહેવાલ અનુસાર તેણે તાજેતરમાં સો કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. સ્વિમિંગ પૂલ, વ્યાયામશાળા, હોમ થિયેટર, બાર ઝોન, કીડ્સ ઝોન વગેરે સહિત આ ઘર કોઈ રિસોર્ટથી કમ નથી. અન્ય સુપરસ્ટાર્સની જેમ અલ્લુ પાસે પણ લેવીશ ગાડીઓનો કાફલો છે. અલ્લુ અર્જુનની વેનિટી વેનની કિંમત જ ૭ કરોડ રૂપિયા છે. તેના ગેરેજમાં રેન્જ રોવર વોગ છે, જેની કિંમત આશરે રૂ. ૨.૫થી ૪ કરોડ જેટલી થાય. તેની પાસે કરોડોની કિંમતની અન્ય કેટલીક ગાડીઓ છે, જેમ કે જગુઆર એકસજેએલ અને વોલ્વો એક્સસી ૯૦ ટી૮એક્સેલન્સ. તે સિવાય અલ્લુને કાંડા ઘડિયાળોનો પણ ક્રેઝ છે. તમે તેને કર્ટિયર સાન્તોસ ૧૦૦ એક્સએલ, હુબ્લોટ બેંગ બેંગ સ્ટીલ કાર્બન જેવી મોંઘીદાટ ઘડિયાળો પહેરેલો જોઈ શકશો. સૂત્રોના જણાવ્યા અનુસાર તે રોલેક્સ ડેટોના સ્ટેનલેસ સ્ટીલ પહેરેલો પણ જોવા મળ્યો હતો.
————-
રામ ચરણ
આરઆરઆરમાં પોતાના અભિનય અને ડાન્સથી લોકોને પાગલ કરનારા રામ ચરણ દક્ષિણના સુપર ડુપર સ્ટાર ચિરંજીવીનો દીકરો છે. તેની ખ્યાતિ વિદેશોમાં પણ ફેલાયેલી છે. તેની પાસે હૈદરાબાદમાં ૩૮ કરોડની કિંમતનો બંગલો છે. આ ઘર પહેલા રામ ચરણ મુંબઈમાં સલમાન ખાનનો પાડોશી બનેલો. તેણે અહીં ૨૦૧૨માં ઘર ખરીદ્યું હતું. એટલુંજ નહીં, એરલાઇન ‘ટ્રુ જેટ’નો મલિક પણ રામ ચરણ છે. ઉપરાંત પોલો રાઇડિંગ ક્લબને નામે તે પોલો ટીમનો માલિક છે. દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.
રામ ચરણ લેટેસ્ટ ગાડીઓનો શોખીન છે. તેની પાસે આશરે રૂ. ૫.૮ કરોડની એસ્ટન માર્ટિન, બીએમડબ્લ્યુ ૭ સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ અને રેન્જ રોવર વોગ કારનું ભવ્ય કલેક્શન છે.