લમ્પી વાયરસનો કહેર: પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ

આપણું ગુજરાત

કચ્છ અને સૌરાષ્ટ્રમાં લમ્પી રોગને કારણે અનેક પશુઓના મોત નીપજ્યા છે. પશુઓમાં આ રોગ ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના ૧૪ જિલ્લાઓને ‘નિયંત્રિત વિસ્તાર’ જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે વધુને વધુ પશુઓને રસી મુકવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકારે લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. પશુઓની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. નિયંત્રિત વિસ્તારવાળા જિલ્લાઓની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લા કક્ષાએ સંકલન સહ મોનિટરિંગ કમિટી બનાવવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાનારી સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી, રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ, જિલ્લા પોલીસ વડા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પશુપાલન અધિકારી/પશુપાલન ખાતાના નાયબ નિયામક, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રાદેશિક પરિવહન અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં અધિકારીએ આપેલી માહિતી અનુસાર મંગળવારની સ્થિતિએ લમ્પીથી 21 ગાયનાં મોત થયા છે. હાલ રાજકોટ જિલ્લામાં પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતા મળે છે. આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા 24,800 જેટલા વેક્સિનના ડોઝ છેલ્લા દસ દિવસમાં અપાઈ ચુક્યાનું જિલ્લા પંચાયત તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે હવે શહેરમાં પણ મનપા તંત્ર દ્વારા શહેરમાં પશુઓના વેક્સિનેશનમાં કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે મીડિયાને જણાવ્યું હતું કે અમારો એવો લક્ષ્યાંક છે કે આ એક સપ્તાહમાં અમે સમગ્ર રાજકોટમાં 100% પશુઓનું રસીકરણ પૂર્ણ કરીશું

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.