મુંબઈમાં લમ્પીનું જોખમ! શંકાસ્પદ કેસના નમૂના તપાસવા મોકલ્યા પુણે BMCએ અત્યાર સુધી ૧,૯૦૦ ગાયોને આપી રસી

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યના અનેક જિલ્લામાં ‘લમ્પી’નો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં એક ગાયમાં ‘લમ્પી’નાં લક્ષણો જણાયા છે. ‘લમ્પી’નો ચેપ લાગેલા શંકાસ્પદ ગાયના નમૂના પુણેમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. તેના અહેવાલને આવતા સમય લાગશે.
એક તરફ મુંબઈમાં ‘લમ્પી’નો શંકાસ્પદ કેસ નોંધાયો છે ત્યારે બીજી તરફ પાલિકાએ પણ જાનવરોમાં ઝડપથી રસીકરણ કરવાનું ચાલુ કરી દીધું છે. મુંબઈમાં અત્યાર સુધી લગભગ ૧,૯૦૦ ગાયને રસી આપવામાં આવી છે. મુંબઈમાં ૩,૨૨૬ ગોવંશીય તો ૨૪,૩૮૮ ભેંસ વર્ગના જાનવર હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાનું કહેવું છે.
રાજ્યમાં જળગાંવ જિલ્લાના રાવેર તાલુકમાં ચાર ઑગસ્ટના જાનવરમાં ‘લમ્પી’ના લક્ષણો જણાયા હતા. ત્યાર બાદથી ઝડપથી તેના કેસમાં વધારો નોંધાયો હતો. તેથી મુંબઈમાં ઝડપથી કેસ વધે નહીં તે માટે રાજ્ય સરકાર અને પાલિકા પગલાં લઈ રહી છે. જેમાં જાનવરોની તપાસની સાથે જ વૅક્સિનેશન ઝુંબેશ પણ ચાલુ કરી છે, જેમાં અત્યાર સુધી ૧,૯૦૮ ગાયને રસી આપવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની જનગણના મુજબ મુંબઈ મહાનગરપાલિકાની હદમાં ૩,૨૨૬ ગોજાતીય જાનવરો અને ૨૪,૩૮૮ ભેંસ વર્ગીય જાનવર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.