કચ્છમાં લમ્પી રોગનોનો હાહાકાર: મુન્દ્રા પંથકની સીમમાં એક સાથે 70 ગૌધનના મૃતદેહો મળ્યા, રાજકોટ શહેરમાં પણ કેસ નોંધાયા

આપણું ગુજરાત

Kutch:કચ્છ જીલ્લામાં લમ્પી (Lumpy Virus) નામનો રોગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે. આ રોગને કારણે સમગ્ર જિલ્લામાં મોટા પ્રમાણમાં પશુઓના મોત(cattle death) થઇ રહ્યા છે. ત્યારે ગઈકાલે સોમવારે મુન્દ્રા (mudra)તાલુકાની કારાઘોઘા સીમમાં 70 ગૌધનના મૃતદેહો મળતાં હાહાકાર વ્યાપી ગયો હતો. ઘટનાને પગલે તાલુકા વિકાસ અધિકારી સમેત પશુ ડોક્ટરોની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તંત્રએ ગાયોના કોહવાયેલા મૃતદેહોની દફનવિધિ હાથ ધરી હતી.

આ પહેલા આ રોગને કારણે કચ્છના લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં 2000થી વધુ ગાયોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે મુન્દ્રા તાલુકામાં પણ આ રોગે દેખા દીધી છે. કારાઘોઘા વિસ્તારમાં વાત વહેતી થઇ હતી કે એક સાથે બસોથી અઢીસો ગૌધનના મૃતદેહ સીમમાં મળ્યા છે. પશુધન નિરીક્ષક હરેશભાઇ પટેલે માહિતી આપી હતી કે મૃત પશુઓની અંદાજિત સંખ્યા 70 છે. તમામ પશુઓ ભુજપુર ગામ તેમજ ત્યાંની પાંજળાપોળના છે.

ઘટનાને પગલે મોડી સાંજે તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી, ભુજપરના તલાટી ઉપરાંત મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ પશુઓની દફન વિધિ માટે પહોંચ્યા હતા. રોગને કારણે પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

બનાવને પગલે મુન્દ્રાના જીવદયાપ્રેમીઓએ બેઠક બોલાવી છે.

ગ્રામ્ય બાદ હવે શહેરી વિસ્તારના પશુઓમાં લમ્પી વાયરસે પગપેસારો કરતા પશુપાલકો ચિંતિત થયા છે. રાજકોટના કેવડાવાડી અને રૈયાધારના પાંચ પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતું થયું છે. પશુપાલન વિભાગના તબીબોએ વેક્સિન આપવાની શરૂઆત કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.