મુંબઈ લોકલ સિરિયલ બ્લાસ્ટનો લકી મેન

આમચી મુંબઈ

બોમ્બબ્લાસ્ટમાં ઘાયલ મૂર્તિકાર કહે છે, હાથ ગુમાવ્યો છે, હિંમત નહીં

મુંબઈ: ૧૧મી જુલાઈનો એ ગોઝારો દિન. સમય હતો સાંજે ૬.૨૦નો. બોરીવલી જઇ રહેલી પશ્ર્ચિમ રેલવેની ઉપનગરીય ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં ખાર અને સાંતાક્રુઝ વચ્ચે ધમાકો થયો. ત્યાર પછી બીજી ૧૦ મિનિટમાં બાંદ્રા, જોગેશ્ર્વરી-માહિમ જંક્શન, મીરા રોડ-ભાયંદર, માટુંગા-માહિમ જંક્શન અને બોરીવલી એમ છ ઠેકાણે એક પછી એક ધમાકા થયા. આ દેશમાં પહેલી વાર બન્યું કે સિરિયલ બ્લાસ્ટ ટ્રેનમાં થયા હતા. આ વિસ્ફોટમાં ૧૮૯ પ્રવાસીઓનાં મોત થયાં હતાં, જ્યારે ૮૩૪ જણ ઘાયલ થયા હતા.
જોકે આ બધામાં એક મુસાફર લકી હતો. મહેન્દ્ર પિતલે જોગેશ્ર્વરીમાં થયેલા વિસ્ફોટની ચપેટમાં આવી ગયો હતો. પિતલે વ્યવસાયે મૂર્તિકાર હતો, પણ બ્લાસ્ટમાં ઘાયલ થવાને કારણે ડાબો હાથ કાપવો પડ્યો હતો. પિતલેને સરકાર તરફથી બે લાખ રૂપિયા અને સારવાર માટેનો ખર્ચ આપવામાં આવ્યો હતો. સોમવારે ટ્રેનબ્લાસ્ટને ૧૬ વર્ષ પૂરાં થયાં, અહીં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નસીબવંતો હતો કે એ બચી ગયો, પણ તેની આંખમાં આંસુ હતાં. જે લોકો ટ્રેનબ્લાસ્ટમાં માર્યા ગયા હતા, તેની યાદમાં તેની આંખ ભીની હતી. આજે પણ એ દૃશ્ય સામે આવી જાય છે ત્યારે પિતલેને કંપારી છૂટી જાય છે. બ્લાસ્ટમાં હાથ ગુમાવી દીધા પછી પણ તેની હિંમતને દાદ આપવી પડે. તે કહે છે, બ્લાસ્ટમાં મેં મારો હાથ ગુમાવ્યો છે, હિંમત નહીં.
———
૭/૧૧ મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ

હાઈ કોર્ટે ફાંસીની સજાની પુષ્ટિ કરવા માટેની અરજીઓ પર સુનાવણી મુલતવી રાખી

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે લોકલ ટ્રેનોમાં ૭/૧૧ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં પાંચ દોષિતોની ફાંસીની સજાની પુષ્ટિ કરવા માટેની અરજીઓ પર સુનાવણી મુલતવી રાખી હતી, કારણ કે આ મામલાની સુનાવણી કરવા માટે સોંપવામાં આવેલી બેંચ પર કામનો બોજો વધુ પડતો હતો.
૧૧મી જુલાઈ, ૨૦૦૬ના રોજ ટ્રેનમાં થયેલા સિરિયલ બ્લાસ્ટને ૧૬ વર્ષ વીતી ગયાં. સાત પશ્ર્ચિમી ઉપનગરીય કોચમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, જેમાં ૧૮૯ મુસાફરો માર્યા ગયા હતા અને ૮૨૪ લોકો ઘાયલ થયા હતા.
આઠ વર્ષથી વધુ ચાલેલા ખટલા પછી ઓક્ટોબર, ૨૦૧૫માં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ્સ એક્ટ (મકોકા) હેઠળની વિશેષ અદાલતે પાંચ આરોપીઓને મૃત્યુદંડ અને અન્ય સાતને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારે પાંચેય દોષિતોને આપવામાં આવેલી મૃત્યુદંડની પુષ્ટિ કરવા માટે હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને ઉપરોક્ત દોષિતોએ તેમની સજાને પડકારતી અરજી દાખલ કરી હતી.
સોમવારે સ્પેશિયલ કાઉન્સિલ અને વરિષ્ઠ વકીલ રાજા ઠાકરેએ જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ એમજી સેવલીકરની બેંચને જણાવ્યું હતું કે પુષ્ટિની અરજીઓ પર સુનાવણીમાં ઓછામાં ઓછા પાંચથી છ મહિનાનો સમય લાગશે, કારણ કે ફરિયાદ પક્ષના ૯૨ સાક્ષીઓ અને ૫૦થી વધુ બચાવ પક્ષના સાક્ષીઓ અને પુરાવાઓ ૧૬૯ ભાગમાં છે તેમ જ ચુકાદાના અંદાજે ૨૦૦૦ પાનાં છે. વર્તમાન બેંચ પર વધુ બોજો હોવાને કારણે અપીલ દાખલ કરનાર એક દોષિતના એડવોકેટ આદિત્ય મહેતાને ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા પાસે બીજી બેંચની સોંપણી માટે સંપર્ક કરવા માટે જણાવાયું હતું.
વરિષ્ઠ વકીલ ઠાકરેએ આ અંગે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ન્યાયાધીશો નરેશ પાટીલ, બી.પી. ધર્માધિકારી અને એસ. એસ. જાધવ સહિતની ત્રણ બેંચ સમક્ષ પુષ્ટિની અરજીઓ અગાઉ આવી હતી અને તેઓએ તમામ અરજીઓ સાંભળી હતી, પણ ન્યાયાધીશો નિવૃત્ત થવાના હોવાથી તે પૂર્ણ કરી શક્યા નહોતા. વકીલોએ જસ્ટિસ ધાનુકાની આગેવાની હેઠળની ખંડપીઠને જાણ કરી હતી કે તેઓ સ્પેશિયલ બેંચની સોંપણી માટે પહેલેથી જ સંપર્ક કરી ચૂક્યા છે અને એ રીતે જ હાલની બેંચને સોંપવામાં આવી છે.
જોકે જસ્ટિસ ધાનુકાએ આ અંગે જણાવ્યું હતું કે અમારી પાસે પહેલેથી જ કામનો બોજો વધી ગયો છે. હું આ મુદ્દાને દિશાનિર્દેશો અને અંતિમ સુનાવણી ઓગસ્ટમાં હાથ ધરી શકાય. આ ટિપ્પણી એ જ દિવસે આવી હતી જ્યારે બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ અનિલ કે. મેનન સેવાનિવૃત્ત થઇ રહ્યા છે. આને કારણે બોમ્બે હાઈ કોર્ટના જજોની સંખ્યા ૫૪ થઇ ગઇ છે. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.