લખનઉથી કલકતા જઈ રહેલી એયર એશિયાની ફ્લાઈટ સાથે પક્ષી ટકરાઈ જતાં ફ્લાઈટને ઈમર્જન્સી લેન્ડ કરાવવી પડી હતી. આ દુર્ઘટના ફ્લાઈટ ટેક ઓફ કરી રહી હતી એ સમયે થઈ હતી અને એવું કહેવાઈ રહ્યું છે કે મોટી દુર્ઘટના થઈ શકી હોત, પણ સદ્ભાગ્યે મોટી હોનારત થતાં થતાં ટળી ગઈ હતી. પ્રવાસીઓને બીજી ફ્લાઈટથી રવાના કરવાની વ્યવસ્થા કરાઈ રહી છે.
જોકે, આ પહેલા વખત નથી કે આ રીતે ફ્લાઈટ સાથે પક્ષી ટકરાયું હોય. આ પહેલાં 15મી ઓક્ટોબર, 2022ના પણ અકાસા એયરલાઈન્સની ફ્લાઈટે ટેક ઓફ કર્યા બાદ મુંબઈ એયરપોર્ટ પાછા ફરવું પડ્યું હતું અને એ વખતે પણ ફ્લાઈટ સાથે પક્ષી ટકરાયું હતું. અચાનક કેબિનમાં કંઈક બળી રહ્યું હોવાની ગંધ આવતા ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ટેક ઓફ વખતે એન્જિન બરાબર કામ કરી રહ્યું હતું. મુંબઈ લેન્ડિંગ બાદ ફલાઈટની ચેકિંગ કરવામાં આવી હતી એ વખતે ખ્યાલ આવ્યો હતો કે ફ્લાઈટ સાથે પક્ષી ટકરાયું હતું, કારણ કે એન્જિનમાંથી પક્ષીના અવશેષો મળી આવ્યા હતા.
જ્યારે આ મામલે થોડા ખાંખાખોળા કરવામાં આવ્યા ત્યારે એવું જાણવા મળ્યું હતું કે ફ્લાઈટ સાથે પક્ષી ટકરાવવાની પહેલી ઘટના 1905માં જોવા મળી હતી. ત્યારે ઓરવિલ એક ખેતરમાં પ્લેન ઉડાવી રહ્યા હતા અને તે પક્ષીના ઝૂંડનો પીછો કરી રહ્યા હતા. ત્યારે એક પક્ષી પ્લેન સાથે ટકરાઈ ગયું હતું અને મરી ગયું હતું. ઓરોવિલ રાઈટ એ જ રાઈટ બ્રધર્સમાંથી એક હતાં જેમણે પહેલી વખત વિમાન બનાવ્યું હતું.
પક્ષી ટકરાવવાની ઘટના સામાન્યપણે ત્યારે જ થાય છે જ્યારે વિમાન ઓછી ઊંચાઈ પર ઉડે છે. લેન્ડિંગ અને ટેક ઓફ વખતે આવી ઘટનાઓ વધારે જોવા મળે છે.
ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનના એક સર્વે પ્રમાણે દરરોજ આશરે પક્ષીઓના વિમાન સાથે ટકરાવવાની સરેરાશ 34 ઘટનાઓ બને છે અને તેનાથી વાર્ષિક આશરે 1 અબજ ડોલર (આશરે 7,800 કરોડ રૂપિયા)નું નુકસાન થાય છે. આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આવી 92 ટકા ઘટનાઓમાં ખાસ કોઈ નુકસાન નથી થતું.