લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ (LTTE)ના વડા વેલુપિલ્લઈ પ્રભાકરન વિશે એક તમિલ નેતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વર્લ્ડ તમિલ ફેડરેશનના પ્રમુખ પાઝા નેદુમારને કહ્યું છે કે મને એ જણાવતા આનંદ થાય છે કે અમારા તમિલ રાષ્ટ્રીય નેતા પ્રભાકરન જીવિત છે અને તે સ્વસ્થ છે. તેણે કહ્યું કે, ટૂંક સમયમાં જ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે પ્રભાકરન દુનિયાની સામે આવશે.
નેદુમારને કહ્યું કે મને આશા છે કે આ સમાચાર એલટીટીઈ ચીફ વિશે ફેલાયેલી અટકળોનો અંત લાવી દેશે, તે ટૂંક સમયમાં તમિલ જાતિની મુક્તિ માટે એક યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. વિશ્વના તમામ તમિલ લોકોએ એક થવું જોઈએ અને તેને સમર્થન આપવું જોઈએ.
આ અંગે શ્રીલંકાના વિદેશ પ્રધાન અલી સાબરીએ એબીપી નાડુને જણાવ્યું હતું કે મંત્રાલય અહેવાલની તપાસ કરશે.
નોંધનીય છે કે 21 મે 2009ના રોજ, લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) ના સ્થાપક વેલુપિલ્લઈ પ્રભાકરનને શ્રીલંકાના સૈન્યએ ઠાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે શ્રીલંકાના જાફના વિસ્તારને એલટીટીઈના આતંકમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પ્રભાકરન માર્યા ગયા પછી, LTTEએ શરણાગતિની જાહેરાત કરી હતી.