Homeટોપ ન્યૂઝગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓછું મતદાન

ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓછું મતદાન

  • ૮૯ બેઠક પર અંદાજે ૬૦.૦૮ ટકા વોટિંગ
  • ૨૦૧૭ની ચૂંટણીથી આઠ ટકા ઓછું મતદાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર અંદાજે ૬૦.૦૮ ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું. જે ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણી કરતા અંદાજે આઠ ટકા જેટલું ઓછુ નોંધાયું છે. ૧૯ જિલ્લામાંથી સૌથી વધુ નર્મદા જિલ્લામાં ૭૩.૦૨ ટકા અને સૌથી ઓછુ જિલ્લામાં પોરબંદર જિલ્લામાં ૫૩.૮૪ ટકા મતદાન થયું હતું. જોકે મતદાન દરમિયાન ઇવીએમ ખોટવાયાં હોવાની ફરિયાદો પણ ઉઠી હતી તેમજ કેટલાક ઠેકાણે નજીવી તકરારના બનાવો પણ બન્યાં હતા.
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની ૪૮, કચ્છની છ અને દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠકો પર ૭૮૮ ઉમેદવારોનું ભાવિ મતદારોએ નક્કી કર્યું હતું. આ ૧૦ પ્રધાનો સહિત બે ડઝન જેટલા મોટા માથાંઓનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે.
ગુરુવારે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થયું હતું. મતદાનની સત્તાવાર ટકાવારી મોડી રાત્રે આવી શકે છે. કારણ કે પાંચ વાગ્યા પછીની મતદાન મથકો પર પ્રક્રિયા ચાલુ રહી હતી.
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં ૭૨.૩૨ ટકા મતદાન નોંધાયું હતું. આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લામાં વ્યારા અને નિઝર એમ બે વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. ૭૩.૦૨ ટકા મતદાન સાથે નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. કચ્છ જિલ્લામાં ૫૫.૫૪ ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૦.૭૧ ટકા, મોરબી જિલ્લામાં ૬૭.૬૫ ટકા, રાજકોટ જિલ્લામાં ૫૭.૬૮ ટકા, જામનગર જિલ્લામાં ૫૬.૦૯ ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫૯.૧૧ ટકા, સૌથી ઓછુ પોરબંદર જિલ્લામાં ૫૩.૮૪ ટકા, જૂનાગઢ જિલ્લામાં ૫૬.૯૫ ટકા, ગીર સોમનાથ જિલ્લામાં ૬૦.૪૬ ટકા, અમરેલી જિલ્લામાં ૫૭.૦૬ ટકા, ભાવનગર જિલ્લામાં ૫૭.૮૧ ટકા, બોટાદ જિલ્લામાં ૫૭.૧૫ ટકા, સુરત જિલ્લામાં ૫૯.૫૫ ટકા, તાપી જિલ્લામાં ૭૨.૩૨ ટકા, ડાંગ જિલ્લામાં ૬૪.૮૪ ટકા, નવસારી જિલ્લામાં ૬૫.૯૧ ટકા, વલસાડ જિલ્લામાં ૬૫.૨૯ ટકા, ભરૂચ જિલ્લામાં ૬૩.૦૮ ટકા અને નર્મદા જિલ્લામાં ૭૩.૦૨ સરેરાશ મતદાન થયું હતું. આમ રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સરેરાશ મતદાન અંદાજે ૬૦.૦૮ ટકા જેટલું નોંધાયું હતું. ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સરેરાશ મતદાન ૬૮.૪૧ ટકા જેટલું થયું હતું. જેથી ૨૦૨૨ ની આ ચૂંટણીમાં અંદાજે સરેરાશ ૮ ટકા જેટલું ઓછું મતદાન થયું છે.
દરમિયાન ઓછામાં ઓછા ૩૩ બેલેટ યુનિટ, ૨૯ કંટ્રોલ યુનિટ અને ૬૯ વીવીપેટ અલગ-અલગ સ્ટેશનો પર મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં ઈવીએમ મશીન ખરાબ થવાને કારણે બદલવામાં આવ્યા હતા. મતદાનના ત્રણ કલાકમાં લગભગ ૦.૧ ટકા બેલેટ યુનિટ, ૦.૧ ટકા કંટ્રોલ યુનિટ અને ૦.૩ ટકા વીવીપીએટી બદલવામાં આવ્યા હતા.
પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી, જામનગર (ઉત્તર)ના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વહેલું મતદાન કર્યું હતું. રિવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું હતું જ્યારે તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું હતું. આપના ઇટાલિયાએ શરૂઆતના કલાકોમાં ધીમા મતદાન પર સવાલ ઉઠાવ્યા હતા.
———–
ત્રણ ગામે મતદાનનો બહિષ્કાર કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મતવિસ્તારના સામોટ ગામમાં કુલ ૧૬૨૫ મતદારો છે. સમોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ બાબત નીતિવિષયક હોઈ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને મતદાન કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો, છતાં ગ્રામજનો મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે.
૧૯ જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા સરળ અને સુપેરે પૂર્ણ થઈ છે. ૨૬,૨૬૯ બી.યુ. (બેલેટ યુનિટ), ૨૫,૪૩૦ સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને ૨૫,૪૩૦ વીવીપેટ કાર્યરત હતા. આજે મતદાન દરમ્યાન ૧૯ જિલ્લાઓમાં ૮૯ બેલેટ યુનિટ, ૮૨ કંટ્રોલ યુનિટ અને ૨૩૮ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. આજે દિવસ દરમ્યાન માત્ર ૦.૩૪% બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. ૦.૩૨ ટકા કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને ૦.૯૪ ટકા વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. આજે દિવસ દરમ્યાન ઇવીએમ અંગેની કુલ ૧૮ ફરિયાદ મળી હતી. ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા.
મતદાનના કલાકો દરમ્યાન ભારતના ચૂંટણીપંચ દ્વારા ૩૩ એલર્ટ્સ મળી હતી, જેમાં ઇવીએમ અંગેના ૧૭ એલર્ટ્સ, ચૂંટણી બહિષ્કારની ૦૫, ટોળા અને હિંસા અંગેની ૦૨, આદર્શ આચરસંહિતા ભંગની ૦૨ તથા અન્ય ૦૭ એલર્ટ્સ હતી. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે ઇવીએમ અંગેની ૦૬ ફરિયાદ, બોગસ વોટિંગની ૦૨, કાયદો અને વ્યવસ્થા અંગેની ૩૦, આદર્શ આચરસંહિતા ભંગની ૩૬ તથા અન્ય ૩૦ ફરિયાદો મળી કુલ ૧૦૪ ફરિયાદ મળી હતી. અન્ય પ્રકારની ફરિયાદોમાં ધીમું મતદાન, બોગસ વોટિંગ અને પાવર કટ અંગેની ૨૨૧ ફરિયાદ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular