નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં: આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ

આમચી મુંબઈ

મેઘરાજાની તોફાની ઈનિંગ્સ

હાલાકી: મુંબઈ સહિત પરાંના વિસ્તારમાં દિવસભર સારો વરસાદ પડ્યો હતો, જ્યારે થાણે-નવી મુંબઈમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. થાણેમાં ગુરુવારે આખો દિવસ ભારે વરસાદ પડવાને કારણે અહીંના શાકમાર્કેટ સહિત અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોની હાલાકી વધી ગઈ હતી. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખો જૂન મહિનો કોરો ગયા બાદ મહિનાના છેલ્લા દિવસે મુશળધાર વરસાદ પડતાં મિલન સબ-વેથી લઈને અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. સવારના પીક અવર્સમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. મુંબઈમાં ૨૪ કલાક દરમિયાન સરેરાશ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ મુંબઈ, થાણે સહિત કોંકણમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મુંબઈમાં મુશળધાર વરસાદનું આગમન થયું છે. બે-ત્રણ દિવસ વાદળિયું વાતાવરણ રહ્યા બાદ બુધવાર રાતથી મુંબઈમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ સવારના સમયમાં મુંબઈના જુદા જુદા વિસ્તારમાં વરસાદનું ભારે જોર રહ્યું હતું. અંધેરી સબ-વેમાં પાણી ભરાઈ જતા ટ્રાફિક થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. તો મિલન સબ-વે, કુર્લા, સાયન સહિત અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. તેને કારણે પીક અવર્સમાં રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
મુંબઈ સહિત થાણે, નવી મુંબઈ, વસઈ-વિરાર, નાલાસોપારા, મીરા, ભાયંદરમાં પણ બુધવાર રાતથી સતત વરસાદ પડી રહ્યો હતો. અનેક નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
હવામાન ખાતાએ ગુરુવારે બપોરના ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. તે મુજબ વરસાદનું જોર રહ્યું હતું. વરસાદને કારણે શોર્ટ સર્કિટના આઠ, ઝાડ અને તેની ડાળખી તૂટી પડવાના ૧૦થી વધુ બનાવ અને ઘરની દીવાલ તૂટી પડવાના ચારથી વધુ બનાવ નોંધાયા હતા. સમગ્ર મુંબઈમાં વરસાદનું જોર રહ્યું હતું. જોકે ઉપનગર કરતા તળ મુંબઈમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું.સવારના ૮ વાગ્યાથી સાંજના ૮ વાગ્યા સુધીમાં તળમુંબઈમાં ૧૧૦.૦૯ મિલીમીટર, પૂર્વ ઉપનગરમાં ૫૮.૪૦ મિલીમીટર, પશ્ર્ચિમ ઉપનગરમાં ૭૮.૬૯મિલમીટર જેટલો વરસાદ પડ્યો છે. તો બુધવાર સવારથી ગુરુવાર સવારના ૨૪ કલાક દરમિયાન કોલાબામાં ૧૨૫ મિ.મી. (પાંચ ઈંચ) અને સાંતાક્રુઝમાં ૫૨.૪ મિ.મી. (બે ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો.
———
છેલ્લા એક દાયકામાં ઓછો વરસાદ
સારા વરસાદની આગાહી વચ્ચે આ વર્ષનો જૂન મહિનો લગભગ કોરો ગયો છે. જૂન મહિનો પૂરો થવાને બે દિવસ બાકી રહ્યા ત્યારે ફરી ચોમાસું સક્રિય થયું છે. આ વર્ષનો જૂન મહિનામાં છેલ્લા એક દાયકાનો બીજા નંબરે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ વર્ષે જૂન મહિના મોસમનો અત્યાર સુધી માત્ર ૨૯૨.૦૦ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા એક દાયકામાં જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ ૨૦૧૪ની સાલમાં માત્ર ૮૭.૩ મિલીમીટર જેટલો નોંધાયો હતો.
——–
પાંચ દિવસ ભારે વરસાદ
હવામાન ખાતાના અધિકારી સુષમા નાયરના જણાવ્યા મુજબ મુંબઈ સહિત કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તે માટે મજબૂત પશ્ર્ચિમ પવનો અને દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફશોર ટર્ફ તૈયાર થયો છે. તેથી જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. આાગમી પાંચ દિવસ કોંકણના તટ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મુંબઈ ઉત્તર કોંકણમાં આવે છે. રાયગઢ અને રત્નાગિરિમાં બે જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ હોઈ અહીં ભારેથી અતિભારે વરસાદ પડશે. મુંબઈ, થાણે અને પાલઘરમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
——-
ક્યાં કેટલો વરસાદ?
દક્ષિણ મુંબઈમાં કોલાબામાં અને મલબાર હિલમાં ૧૦૦ મિ.મી., સી વોર્ડ ઓફિસમાં ૯૮ મિ.મી., દાદરમાં ૯૫ મિ.મી., ગ્રાન્ટ રોડમાં ૮૭ મિ.મી., ભાયખલામાં ૮૨ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. તો પૂર્વ ઉપનગરમાં મુલુંડમાં ૫૮ મિ.મી., કુર્લામાં ૫૨ મિ.મી., ચેંબુરમાં ૪૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. પશ્ર્ચિમ ઉપનગરમાં બાંદરામાં ૮૨ મિ.મી., વર્સોવામાં ૬૪ મિ.મી., પાર્લેમાં ૬૦ મિ.મી. સાંતાક્રુઝમાં ૫૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.