પડછાયા સંગ પ્રીત

ઇન્ટરવલ

પ્રાસંગિક -ડૉ. ધર્મેશ ભટ્ટ

ગ્રીક પૌરાણિક પાત્ર નાર્સિસસ નદીઓના દેવતા ગણાતા સેફિસસ અને સુંદરી લિરિયોપનો પુત્ર હતો. એ એટલો આકર્ષક હતો કે તેના સંપર્કમાં આવતી લગભગ દરેક સ્ત્રી તેના પ્રેમમાં પડી જતી હતી. ‘ઇકો’ નામની યુવતી તો તેની પાછળ ઘેલી થઈ ગઈ હતી. નાર્સિસસ તેની અવગણના કરતો હતો. ગ્રીક પુરાણકથા મુજબ પોતાના રૂપના ગર્વ અને સુંદરીઓના અપમાન બદલ દેવતાઓએ તેને એવો શાપ દીધો હતો કે ‘તું તળાવના પાણીમાં પડતા તારા પડછાયાના પ્રેમમાં ખુવાર થઈ જઈશ.’ નાર્સિસસને તેના પડછાયા સાથે પ્રીત એટલી હદે બંધાઈ કે એ તળાવમાં પડતા પોતાના પડછાયાને જળપરી ધારીને આભાસમાં તેનું આલિંગન લેવા પાણીમાં કૂદી પડ્યો.
પ્રેમ એ સર્વસામાન્ય ભાવનાત્મક મન:સ્થિતિ છે, પરંતુ દરેક મન:સ્થિતિ વિવિધ સંજોગોમાં વળાંકો લેતી હોય છે. એ વળાંકો ક્યાંક સર્જનાત્મક અને ક્યાંક વિકૃત રૂપ ધારણ કરતા હોય છે. પોતાની જાત માટે, પડછાયા પ્રત્યે પ્રેમ એ એવી જ ચલિત અવસ્થા – ડેવિયેશન છે. રોજ વસ્ત્રો ધારણ કરીને મેક-અપ કર્યા બાદ ઘણી મિનિટો સુધી અરીસામાં પોતાનું પ્રતિબિંબ નીરખ્યા કરતી સ્ત્રીઓમાં નાર્સિસિઝમનો અંશ હોય એવું માની શકાય. ઘણા પુરુષો પણ એવી માનસિકતામાં હોય છે.
અતિશયોક્તિભરી વાતો કરતા અને આત્મશ્ર્લાઘામાં રાચતા લોકો આપણી આસપાસ અનેક વખત મળી આવે છે. રશિયાના વિખ્યાત લેખક મેરિયકોવ્સ્કીની પત્ની પણ સાહિત્યકાર હતી. તેણે એક વખત લખ્યું હતું કે ‘હું મારી જાતના પ્રેમમાં પડી ગઈ છું. હું જ મારી ઈશ્ર્વર છું.’ ગ્લેમરની દુનિયામાં પોતાના સૌંદર્યના ગર્વ અને પછી પ્રેમ મેળવવામાં નિષ્ફળતા તેમ જ કારકિર્દીમાં અધ:પતન એક વખતની સુંદર, બુદ્ધિવાન અને સાલસ અભિનેત્રીઓને કેવી ગર્તામાં ધકેલી દે છે, તેનાં ઉદાહરણો અગણિત છે.
ગ્લેમરની દુનિયા આભાસ – ઇંફહહીભશક્ષફશિંજ્ઞક્ષતની દુનિયા છે અને પ્રેમ એ ઇંફહહીભશક્ષફશિંજ્ઞક્ષત – આભાસોનો મહાસાગર છે. અભિનેતા રાજકુમારના ‘હમ… ’ સાથે શરૂ થતા સંવાદો કે વાતચીતમાં વ્યક્ત થતા અહમ્ને કોઈ ભૂલી શકતું નથી. મધુબાલા, મીનાકુમારી, નાદિરા કે વિમ્મી જેવી અભિનેત્રીઓના જીવન પર કોઈએ ફિલ્મ ન બનાવી, પરંતુ સિલ્ક સ્મિતાની જિંદગીનું કાચા શરાબ જેવું ‘ડર્ટી પિક્ચર’ પ્રેમની શોધ કરતાંયે વધુ પોતાની જાતના પ્રેમમાં પડવાની વાત કરે છે. દોઢેક દાયકા પૂર્વે મુંબઈનાં અખબારોમાં એક અમીર વ્યક્તિ પોતાના બિઝનેસ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સની જાહેરખબરો પર ખર્ચ કરતાં વિશેષ ખર્ચ પોતાની વીઆઈપી-વીવીઆઈપી મહાનુભાવો જોડેની મોર્ફ કરેલી તસવીરો છપાવવા માટે કરતી હતી.
આત્મવંચનાને બીજે છેડે આત્મશ્ર્લાઘા! પોતાને વિશે હીણપતની ભાવના કે લઘુતાગ્રંથિને પગલે સતત એવું બોલવું સૌને કઠે. વળી નૈતિકતા, સંસ્કારિતા, સભ્યતા અને ધર્મ કહે છે કે ‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્ર્વાન તાણે.’ અલબત્ત, ભગવદ્ ગીતાની તટસ્થતાની વાત જુદી છે, પરંતુ વાસ્તવમાં સત્તા, પૈસા અને સૌંદર્યના મદ એટલે કે પોતાના એ ઇન્વોલ્વમેન્ટ- મોહની અસરથી વેગળા રહેવું આકરું છે.
ગઈ કાલે કરોડોની સંપત્તિ ગુમાવનારા માટે આજે સાદું ભોજન આરોગવું કે સાદાં વસ્ત્રો પહેરીને ફરવું કે સામાન્ય ઘરમાં રહેવું અઘરું નથી, ખરેખર તો દાયકાઓ સુધી મનમાં ઘડાયેલો ધનવાન તરીકેના ‘સ્ટેટસ’નો ઘટાટોપ છૂટતો હોતો નથી. ધનસંપત્તિ હોય ત્યારે બિઝનેસ ચલાવવાની લાયમાં એ ‘સ્ટેટસ સિમ્બૉલ’ની વસ્તુઓ વાપરવાનું ચૂકી જતા હશે. કુશાંદે હોટલો-મહેલોમાં ભવ્ય ખાણાંની મિજલસો પણ ‘સ્કિપ’ કરી જતા હશે. એ લોકો સોનેરી-રૂપેરી વાઘાના નહીં પણ એ વાઘાની ચમકના મોહમાં પડી ગયા હોય છે.
ઔરંગઝેબે શાહજહાંને નદરકેદમાં રાખ્યા ત્યારે ત્યાં તેમને સુખ-સુવિધાનાં બધાં સાધનો આપ્યાં હોવાનું કહેવાય છે. બાદશાહ તરીકે કારભાર સંભાળવા દરમિયાન જે કઈં ભોગવવાનાં કે માણવાનાં સમય અને અનુકૂળતા મળ્યાં ન હોય, એ બધું શાહજહાંને અપાતું હોવાનું કહેવાય છે. તેમની પાસે બધું જ હતું. ફક્ત સત્તા નહોતી. સત્તા જ તેના ચહેરાની રોનક અથવા કહો કે નસોમાં વહેતું લોહી હતી. સત્તા કે પૈસો હંમેશ, દરેક ક્ષણે વ્યક્તિની સાથે હોતાં નથી. તેની વિદ્યા, બુદ્ધિમત્તા પણ તેના પડછાયા બની જાય છે. એ વિદ્યા-બુદ્ધિના વૈભવ માટેના મદ-મોહ પણ પડછાયા સંગ પ્રીત બની જાય છે.
પુરાણકથાઓ, કલ્પિત કથાઓ કે સત્ય કથાઓ ગ્રીસ, યુરોપ કે ભારતીય સંસ્કૃતિમાં અને સાંપ્રત સમાજમાં અનેક છે, પરંતુ જેમ અશ્ર્વત્થામા આપણા સમાજમાં, આપણા જીવનમાં, આપણા સ્વભાવમાં ક્યાંક ને ક્યાંક સંતાયેલો હોવાનું કહેવાય છે, તેમ આ નાર્સિસસ કોઈ ને કોઈ રૂપે, અમુક અંશે દરેક વ્યક્તિમાં જીવે છે. એની અભિવ્યક્તિ ક્યાંક અહંકારના ઉદ્ગારોમાં પણ હોઈ શકે અને ક્યાંક મૂર્ખતામાં પણ હોઈ શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.