વિરોધ: વસઈમાં લવ-જેહાદનો મામલો સામે આવ્યો હતો અને શહેર આખામાં ઊહાપોહ મચી ગયો હતો. મુસ્લિમો દ્વારા ફસાવવામાં આવતી યુવતીઓને છોડવવા માટે સરકારે તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે ત્યારે ભાજપે દાદર ખાતે લવ-જેહાદનો વિરોધ કરવા માટે પોસ્ટર્સની હોળી કરી હતી. (જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિલ્હીના શ્રદ્ધા વાલકરના હત્યા પ્રકરણમાં લવ જેહાદ હોવાનો આરોપ થઈ રહ્યો છે અને આ બાબતને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્રમાંથી ગાયબ થયેલી બધી જ છોકરીઓની શોધખોળમાં હવે લવ જેહાદના એન્ગલને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે એવું મહિલા અને બાળ કલ્યાણ ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.
શ્રદ્ધા વાલકરની હત્યા કરવામાં આવી અને તેના ૩૫ ટુકડા કરવામાં આવ્યા હતા. આ હત્યાકાંડ માટે લવ જેહાદ જવાબદાર હોવાનો રાજ્યના ભાજપના કેટલાક
નેતાઓ દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ કલ્યાણ ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ઉપરોક્ત જાહેરાત કરી હતી. મહિલા પંચ દ્વારા વિશેષ ટુકડી તૈયાર કરવામાં આવશે અને મહારાષ્ટ્રમાંથી ગુમ થયેલી બધી જ છોકરીઓની શોધખોળ કરવામાં આવશે, એમ જણાવતાં લોઢાએ ઉમેર્યું હતું કે શ્રદ્ધાની જે રીતે કરપીણ હત્યા કરવામાં આવી તેને ધ્યાનમાં લેતાં હવે સરકારને રાજ્યની બીજી દીકરીઓની ચિંતા થઈ રહી છે.
લવ જેહાદને રોકવા માટે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં વિશેષ કાયદો ઘડવામાં આવ્યો છે અને હવે આ જ ધોરણે મહારાષ્ટ્ર સરકાર પણ લવ જેહાદ વિરોધી કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. નાગપુરમાં આયોજિત શિયાળુ અધિવેશનમાં લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવે એવી શક્યતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન પ્રવીણ પોટેએ આપી હતી. નવા લવ જેહાદ વિરોધી કાયદામાં આકરી કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે.