Homeઉત્સવપ્રેમ અને આશીર્વાદ એ બે વસ્તુ આપણાથી દરેક રીતે વૃદ્ધિ પામેલો આત્મા...

પ્રેમ અને આશીર્વાદ એ બે વસ્તુ આપણાથી દરેક રીતે વૃદ્ધિ પામેલો આત્મા આપણને આપી શકે

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા આઈલેન્ડ

કેમ છો મારા વહાલા વાચકમિત્રો? મજામાં હશો!
ગત સપ્તાહ આપણે વાત કરી,
કે જીવનમાં વૃદ્ધિ પામતી વસ્તુઓનું મહત્ત્વ સમજવું જોઈએ, વૃદ્ધ થતી
ઘરની વ્યક્તિઓનું મહત્ત્વ સમજવું જોઈએ. એ લોકોનું માન સાચવવું જોઈએ અને એમને પણ સાચવવા જોઈએ.
જેને આપણે સમાજ કહીએ છીએ
એ સમાજમાં જ આપણે રહીએ છીએ. એજ સમાજમાંથી આપણે દરેક વસ્તુ શીખતાં શીખતાં ભૂલો કરતાં કરતાં આગળ વધવાનું હોય છે. મારો મતલબ એ છે કે આટલી સદીઓ વિતી ગઇ પણ માનવ જીવનનું મહત્ત્વ હજી સમજાયું નથી.
દિવસમાંથી રાત અને રાત થાય ત્યારે સૂઈને સવારે ઊઠી રાત ભૂલી બીજા દિવસને જીવવા માટે આપણે આગળ વધવાનું હોય છે. એટલે આગળ વધવાનું હોય છે એમ કહું છું. આપણે મરાઠીમાં કહેને, ચલા પુઢે ચલા.. એમ.
બાકી તો કુદરત જે રીતે ચલાવી રહી છે. આ બધો ખેલ, એ રીતે આપણે ચક્કર ચક્કર ભમે જ રાખીએ છીએ. કોણ એક્ચ્યુલી આગળ વધી રહ્યું છે! કોણ ફરી રહ્યું છે! કે કોણ સ્તબ્ધ થઈ ગયું છે! એ જોવાનો પણ લગભગ આપણી પાસે સમય નથી. સમય હશે તો કદાચ એ દૃષ્ટિ નથી. ઊંડાણ નથી. એ આત્મીયતા નથી.
વ્યક્તિ માટે એક ભાવના હોવી જોઈએ એ ભાવના હવે નથી. પણ જીવન છે. એટલે બધી જ પરિસ્થિતિમાંથી આપણે પસાર થતા જ રહેવાનું છે. અને જૂનું જૂનું તોય સોનું ને ભાંગ્યું તોય ભરૂચ. આપણી જે ગુજરાતની કહેવત છે.
એ યાદ કરતા કહીશ કે જે પણ વસ્તુ વૃદ્ધિ પામે એમાં આપણને મજા આવતી હોય છે. પૈસા વૃદ્ધિ પામે તો મજા આવતી હોય છે. પણ વ્યક્તિ વૃદ્ધ થાય કે વૃદ્ધિ પામે તેને આપણે ઓહો… હવે આમને સાચવવાના, ઘરડા થઇ ગયા, કામના નથી રહ્યા, એવી રીતે વસ્તુ સમજીને આપણે આપણા જ ઘરની થતી વૃદ્ધિને કે પ્રગતિને અપમાનિત કરી દેતા હોય છે અને ખંડિત કરી દેતા હોઈએ છીએ. એનામાં સૌથી મોટો ફાળો આપતા હોય છે આપણા પરિવારના લોકો. જે આપણને સમજ્યા વગર બહારના લોકોની વાતથી અંજાઈને કે પરિસ્થિતિને સમજ્યા વગર બધું ઊંધું ચત્તું કરીને અપમાનિત કરી નાખે છે.
વડીલોને ઘરમાં સાચવવા. કારણકે જો વસ્તુ જવાની જ છે, બધું પતવાનું જ છે, તો એટલીસ્ટ પ્રેમ અને આશીર્વાદ તો આપણે લઈ લઈએ. અને એ બે વસ્તુ આપણને આપણાથી મોટા આપણાથી ઘરડા આપણાથી વડીલ આપણાથી વૃદ્ધ અને આપણાથી દરેક રીતે માનસિક, આત્મિક રીતે વૃદ્ધિ પામેલો આત્મા આપણને આપી શકે.
વર્ષનો પણ હવે ૧૨ મહિના લેખે અંત આવી રહ્યો છે. અને નવા વર્ષની શરૂઆત અઠવાડિયામાં થઈ જશે. જે બધું અંત આવી રહ્યું છે એને આપણે ઉજવીએ. તો આપણા ઘરમાં જે વ્યક્તિઓનો
અંત આવી રહ્યો છે એને આપણે કેમ ન ઉજવીએ? કારણ કે એ જતા રહેશે પછી પણ આપણા માટે તો એ લોકો સંભારણા આશીર્વાદ, ધનદોલત, મિલકત અને એક નામ છોડીને જશે. જેમ વર્ષના અંતે વર્ષ, કુદરત અને જીવન પણ આપણને સમજણ અનુભવ અને પ્રેમ આપીને જાય છે. કંઈક આપીને જ જાય છે. આપણે શું કરીએ છીએ? કશું જ નહીં. લે લે કરીએ છીએ. અને જે છે એને વખોડ વખોડ કરીએ છીએ.
મને લાગ્યું કે ચલો વર્ષના અંતે જાહોજલાલી અને ભવિષ્ય શું થવાનું છે? એની વાત કરવા કરતા (અફકોર્સ આવતા ઉત્સવમાં આપણે ઉત્સવની પણ વાત કરશું પણ) એ પહેલા વર્ષના અંતે આપણો વસ્તુઓ લે-લે કરવાનો થાક ઊતરતો કેમ નથી? આપણે હયાતીમાં લોકોને શું આપી જઈએ છીએ ? માત્ર દુ:ખ અને અપમાન. માત્ર એકબીજાની પીઠ પાછળ આમ મોઢા મચકોડતા સ્વાર્થના સંભારણા કે તક સાધુ વ્યક્તિત્વ જ આપણે બની ગયા છીએ. જરાય કોઈ ભૂખ્યું નથી. હું તો કહું છું જરાય કોઈ દુ:ખી નથી. બસ માણસ સહજ સ્વભાવ બની ગયો છે કે મારું મોટું થાય અને બીજાનું તૂટતું જાય. નિત નવા નવા અને સારા સારા ક્રિએશનની લાલચમાં જે છે જે ર્જીણ થઇ રહ્યું છે. અને જે લોકો આ બધુ સહન કરી રહ્યા છે. એ લોકોના સંભારણા કે એ લોકોની સાચવણ તો લગભગ બાજુ પર જ મુકાઈ ગઈ છે. ઊલટું આપણે કહી દઇએ કે નસીબ એના ખરાબ. અરે ના, ના, ના. નસીબ નહીં સમાજ વ્યવસ્થામાં કચાશ.
એટલે આ વખતે વર્ષના અંતે જ્યારે બધું અંત આવી રહ્યું છે. (વર્ષ ૨૦૨૨ હાહાહા… ) ત્યારે આપણે પણ કોઈક
અંત નજીક પહોંચી જ રહ્યા છીએને મિત્રો? એક વાત તો તય છે. આ જીવન અનંત છે એમાં આપણો અંત નિશ્ર્ચિત છે. એવા જીવનના વર્ષના અંતે આપણે ઘર પરિવારને સજાવવાનું શરૂ કરીએ.
મહેમાનોની પાર્ટીઓનાં આમંત્રણો શરૂ કરીએ. એ પહેલાં વર્ષના અંતની ભાવનાને સમજીએ. શક્ય હોય તો આખા વર્ષમાં કરેલ ભૂલોની માફી માગીએ. આખા વર્ષની કરેલી ગણતરીઓનો અંત લાવીએ. આખા વર્ષ જે એક બીજાના માણસોની પીઠ પાછળ આપણે મોઢા મચકોડી મચકોડીને ઘરમાં જ રહીને સ્વાર્થ સાધ્યા છે એનો અંત લાવીએ. વડીલોને જે આપણે એમના જ ઘરમાં ઘૂસીને એમનું જ અપમાન કરતા હોઈએ છીએ. એનો અંત લાવીએ. આપણે કોણ જાણે નવા રોકેટો છોડી દીધા. જવાન થઈને કે આપણે આપણા ઘરમાં રહેલા વડીલોને એમના અંત સમયની દિશામાં સાથ આપવાની જગ્યાએ રેઢા મૂકી દઈએ છીએ.
એ વસ્તુમાં કંઈક સુધાર લાવીએ.
ના હું એમ જરાય નથી કહેતી કે માતા-પિતાથી દૂર તમે ન જઈ શકો.
કે માતા-પિતા એકલા ન રહી શકે.
કે માતા-પિતાને કોઈ બીજાની સાથે
ન રાખી શકાય. ચોક્કસ રાખી શકાય. બધી જ માતા પિતાની સગવડ સાચવવી જ જોઈએ. જો એ સ્થળાંતર કરવા ન માગતા હોય તો આપણે એમને ત્યાં સુખ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ એમનું જીવન ત્યાં હતું. આગળ વધીને કામ કરવા બહાર જવાનું હોય તો જવું જ જોઈએ. પણ માતા-પિતાને સાચવવાની વાત કરું છું. નહીંતર પેલું કહે છેને અબ રોને સે ક્યા હોવત હૈ જબ ચીડિયા ચુગ ગઈ ખેત. જતા રહેશે પછી ઓ માડી રેરેરે એમ પોક મુકવાનો અર્થ નહીં રહે.
સાથ બહુ મોટી વાત છે મિત્રો. માન આપવાની જરૂર હોય છે. બહારના જીવન પર આપણા ઘરના સંબંધો આધીન થઈ રહ્યા છે.
વર્ષના અંતે આવતા ઉત્સવમાં આપણે ઉત્સવની ને ગિફ્ટોની વાતો કરીશું.
પણ એ પહેલા આ વખતે હું દરેકે દરેક વાચક મિત્રોને એક નમ્ર વિનંતી કરું છું.
આ વખતે અલગ હિસાબ.
આખા વર્ષમાં પોતે ઘરમાં કરેલા ગુસ્સા. આખા વર્ષની ઘરમાં કરેલી ને પરિજનો સાથે કરેલી ભૂલોનો પણ હિસાબ લગાડીને. શું આપણે આ વખતે ગિફ્ટ પેકેટમાં સોરીની ચબરખી લખીને મૂકીને આપવી છે. કે આ વખતે ભગવાનને આપણે કહેવું છે. કે હું મારા પરિવારને કેવી રીતે ઉપયોગી થાઉં. મારા પરિવારને કેવી રીતે સુખ આપી શકું. એની સમજણ અને સહજતા આપો ઈશ્ર્વર. એવું આજે મારે વર્ષના અંતે કહેવું છે. ખરેખર બહુ જ નવાઈ પામશો.
શું લઈ ગયા ને શું આપી ગયામાં.
આપણે સૌથી વધારે લઈ જ લીધું છે લોકો પાસેથી. અને શું આપ્યું?
તો આપણે બીજાને દુ:ખ જ આપ્યું છે. (આ વાત બહારના સમાજમાં ક્રૂરતાથી અને ભ્રષ્ટતાથી માણસો કામમાં હેરાન થઈ રહ્યા છે. એના માટે નથી) કારણકે એમાં તો બધી બહુ ગરજની ગેમો ચાલી રહી છે હાહાહા). હું માત્ર ને માત્ર આપણા ઘરના સંબંધો સાચવવાની વાત કરું છું. પોતાનો સરવાળો બાદબાકી. પોતાની આંખો ખુલી જશે. પછી નાતાલની ક્રિસમસની કે વર્ષના અંતની પાર્ટીઓની મજા આવશે. આ સરવાળા બાદબાકીમાં આપણને ખબર પડી જશે
કે આપણે આગળ શું કરવાનું છે. ચાલો આપણે આપણી આજુબાજુ આંખ ખોલીને આપણા ઘરવાળા અને આપણા પરિજનો સાથે આપણે આખા વર્ષમાં શું કર્યું એના સરવાળા બાદબાકી કરીએ.
આપણા આ વર્ષના અંતે આપણને આપણી ભૂલ સમજાઈ જાય જેથી આવતું વર્ષ આપણું સારું જાય.
મિત્રો બીજાની ભલાઈ કરવામાં બીજાને માફ કરવામાં અને બીજા માટે આપણે શું નથી કરી શક્યા એનો સરવાળો બાદબાકી કરવામાં સુખ છે. નવાઈ લાગી ને? જાતે સમજો આ ગણતરીને. આ ગણિતનો દાખલો પોતે જાતે સરવાળો બાદબાકી કરવાની પ્રયત્ન કરો. મેં કહ્યું એમ, આ વખતે પોતે કરેલી બધી ભૂલો. જે પોતાને આમ તાદૃશ્ય દેખાઈ જતી હોય એ બધી ભૂલોને કાગળ પર ઉતારો. એનું બીડું વાળીને નાખી દો. કારણ એ ભૂલોને સુધારવાનો સમય આવી ગયો છે. કહે છે કે પરિવારમાં પ્રભુતાનો વાસ હોય છે. બહારના લોકો આપણને સુખ આપે જ છે. તો આપણે પરિવારમાં એકબીજાને સુખ આપીએ. ચાલો વર્ષનો અંત ભલો કરીએ. કહેછે ને કે અંત ભલા તો સબ ભલા.
મારા અનોખા પણ હેન્ડસમ મિત્રને યાદ કરતા એમની રચના મને સખત યાદ આવી રહી છે. અને એ જ્યારે મે એમના અંદાજમાં સાંભળી હતી તે ઘડી ફરી યાદ કરી તમારી સમક્ષ મૂકું છું.,
શ્રી ખલીલ ધનતેજવીની રચના:
‘મારી નથી’
ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.

કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,
જે દશા તારી થઈ છે એ દશા મારી નથી.

જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
એ ગઝલ મારી નથી, એ વાર્તા મારી નથી.

મારવા ચાહે તો આંખોમાં ડૂબાડી દે મને,
આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.

પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.

તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,
દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.
દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.
વાહ વાહ ક્યા બાત હૈ! તમે જ્યાં છો ત્યાં ખૂબ ખીલો. ખલીલ ધનતેજવી તમને ખૂબ માન અને પ્રણામ. મિત્રો આમ સમજીએ તો કશું જ પરમેન્ટ નથી. માનવતા સિવાય. તો ચાલો..આ વખતે માનવતાની ભેટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ.
સંત મહાત્મા કહે છે કે ડર ભગાડવાનો રામબાણ ઇલાજ: આપણે ખુશ થયા હવે કોક બીજાને ખુશ કરીએ. આમ કરવાથી ડર દૂર જશે એન્ડ ખુશી ડબલ. ને હા, આમાં, કોઇ ટમ્સ કંડિશન બાઝારનાં જોખમોને આધીન નથી.
બધું હૃદયાધીન છે.(હૃદય આધીન) હાહાહા. જેમ જાગ્રત વ્યક્તિને ઢંઢોળવાની જરૂર નથી. એમ સારા સંદેશને કંડારવાની જરૂર નથી. શબ્દભાવ સમજાઇ જશેતો ‘મન મેળો’ થઈ જશે. સો ફ્રેન્ઝ લેટ્સ ગેટ રેડી એન્ડ રીસાઇકલ અવર માઇન્ડ ફોર બેટર લાઇફ. ઓકેકેકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular