કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ
*પવન ખેડાનો અટકચાળો નિંદનીય
*નરેન્દ્ર મોદીના કમરપટ્ટા નીચેના વાર
*રાજકીય વિરોધીઓ દુશ્મન તો નહીં
હમણાં એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અણછાજતી ટિપ્પણ કરીને એમના સદ્ગત પિતાશ્રીના નામને સ્થાને ગૌતમ અદાણીના નામને જોડવાની સમજીવિચારીને ગુસ્તાખી કરી. સ્વાભાવિક રીતે આ વખોડવાપાત્ર જ ગણાય. ખેડાએ નરેન્દ્ર ગૌતમદાસ કહીને તરત જ એમના સાથીએ નરેન્દ્ર દામોદરદાસ સૂચવ્યું એટલે સોરી કહીને ભૂલ સુધારી લેવાનો પ્રયાસ કર્યો, પણ એમના તોફાની હાસ્ય અને વ્યંગ્યમાં પોતે મોદી-અદાણી સંબંધ જોડવાનું જાણી જોઈને પસંદ કરતા હોય એવું દાખવ્યું. જોકે ગુરુવાર, ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ દિલ્હી વિમાનમથકેથી કોંગ્રેસના ૮૫મા રાષ્ટ્રીય મહાઅધિવેશનમાં સહભાગી થવા રવાના થવા અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે વિમાનમાં બેસી ગયેલા ખેડાને નીચે ઉતારીને આસામ પોલીસે એમની, પોતાના રાજ્યમાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે, ધરપકડ કરી એ પણ એટલું જ અનુચિત હતું. સદ્નસીબે સુપ્રીમ કોર્ટે એમને હંગામી જમીન આપી છોડી મૂકવા દ્વારકા કોર્ટને આદેશ કર્યો. એ છૂટ્યા અને રાયપુર પણ ગયા. દેશના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડે ખેડાની ભાષા ભણી અણગમો જરૂર જાહેર કર્યો. આ મુદ્દે ટીવી ચેનલો અને સોશિયલ મીડિયામાં વડા પ્રધાન મોદીએ કમરપટ્ટા નીચે વાર કરનારી ટિપ્પણો પોતાનાં જાહેર ભાષણોમાં કર્યાની ચર્ચા પણ ખૂબ થઇ. ભાજપના સર્વોચ્ચ નેતા અને વડા પ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા અને પ્રથમ વડા પ્રધાન નેહરુથી લઈને વડા પ્રધાન રાજીવ ગાંધી સુધીનાની નીતિઓની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા હતા, પરંતુ એ રાજકીય વિરોધીઓને શત્રુ લેખતા નહોતા. એમની ભાષામાં ગરિમા જોવા મળતી હતી. સમયાંતરે ભારતીય રાજકારણમાં વિરોધીઓ સાથે દુશ્મન જેવો વ્યવહાર થઇ રહ્યાનું અનુભવાય છે. ક્યારેક સ્વાતંત્ર્યસંગ્રામમાં સામેલ મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર પટેલ જેવી પ્રતિભાઓ બ્રિટિશ શાસકો માટે પણ ભાગ્યે જ હલકી ભાષા વાપરતા જોવા મળતા. આજકાલ તો સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓથી લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષોના નેતાઓની ભાષા અને એકમેક માટેનાં ટ્વિટમાં પણ આછકલાપણું અને હીન ભાષા વાપરવાનું સામાન્ય થઇ પડ્યું છે. સત્તાધીશો માટે મુર્દાબાદ બોલાવવામાં આવે કે સૂત્રોચ્ચાર કરવામાં આવે તેનો ઉપયોગ વિક્ટિમ કાર્ડ ખેલવામાં કરવામાં આવે છે.
ખેડાની વહારે કોંગ્રેસીનેતા
ખેડાએ ભલે જાણી જોઈને અટકચાળો કર્યો હોય, પરંતુ કોંગ્રેસના ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેથી લઈને સાંસદ શશી થરુર સહિતના કોંગ્રેસી નેતાઓ જ નહીં, વિપક્ષના બીજા નેતાઓએ પણ ખેડાને વિમાનમાંથી ઉતારી ધરપકડ કરવા જેવો ગુનો એમણે નહીં કર્યાનું જણાવ્યું. આસામ અને ઉત્તર પ્રદેશમાં વિવિધ ઠેકાણે પોલીસ થાણામાં ખેડાની સામે ભાજપના કાર્યકરોએ એફ.આઈ.આર. નોંધાવી, પણ સુપ્રીમ કોર્ટે એ બધા કેસ એક જ ઠેકાણે સ્થાનાંતરિત કરીને સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો. થરુર તો હમણાં ખડગે સામે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી લડ્યા અને હાર્યા; પરંતુ એમણે ખેડા સાથે જે બન્યું એ સંદર્ભે કહ્યું: ખેડાએ જે કહ્યું એ તેમને વિમાનમાંથી ઉતારીને ધરપકડ કે અટકાયત કરવા જેટલું ગંભીર નહોતું. થરુરની ટિપ્પણ મહત્ત્વ ધરાવે છે કારણ એમનાં સદ્ગત પત્ની સુનંદા પુષ્કર વિશે મોદીએ ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ જેવી ટિપ્પણ કરીને એમને દૂભવ્યા હતા. વડા પ્રધાનની સરકાર સામે દિલ્હી વિમાનમથકે કોંગ્રેસી આગેવાનોએ જે નારા લગાવ્યા એમાં તેમની કબર ખોદાશે એવા નારાને મોદીએ ઈશાન ભારતમાં ચૂંટણીસભામાં ગજવ્યો. ઝિન્દાબાદ-મુર્દાબાદના નારા આંદોલનકારી કે રાજકીય કાર્યકરો લગાવતા જ હોય છે. હમણાં થોડા વખત પહેલાં ભાજપના રાજ્યસભાના સભ્ય નરહરિ અમીને જાહેર સભામાં કહ્યું હતું કે મેં નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન દરમિયાન મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલની ૧૦૦ જેટલી ઠાઠડીઓ બાળી હશે, પરંતુ એમણે મને એમની સરકારમાં કેબિનેટ મંત્રી બનાવ્યો હતો. રાજકારણમાં ડંખ રાખવાનો હોતો નથી. અમીન કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા એ પછી દાયકા બાદ એ રાજ્યસભાના સભ્ય બન્યા છે. આજે પણ એ રાજકીય ગરિમા અને જૂના સાથીઓ સાથેના વ્યક્તિગત સંબંધો જાળવે છે. હજુ હમણાં જ ૧૭ ફેબ્રુઆરીએ ચીમનભાઈની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી પ્રાર્થનાસભામાં એ સામેલ થયા હતા. એ દર વર્ષે સામેલ થાય છે.
વાજપેયી-રાહુલની ગરિમા
વર્ષ ૧૯૫૭માં ઉત્તર પ્રદેશની ત્રણ બેઠકો પર જનસંઘની ટિકિટ પર ચૂંટણી લડીને એક પર જીતેલા વાજપેયી પંડિત નેહરુના ખાસ્સા ટીકાકાર રહ્યા. ગૃહમાં એ સરકારની નીતિઓની ટીકા કરતા હતા, છતાં દરિયાવદિલ વડા પ્રધાન નેહરુ એ વેળા એમને શાબાશી આપતા એટલું જ નહીં, વિદેશી મહેમાનો સાથે અટલજીની ઓળખ કરાવે ત્યારે એમને ભાવિ વડા પ્રધાન ગણાવતા. નેહરુનું ૨૭ મે, ૧૯૬૪ના રોજ મૃત્યુ થયા પછી ૨૯ મે, ૧૯૬૭ના રોજ રાજ્યસભામાં પંડિત વાજપેયીએ જવાહરલાલને ભવ્ય અંજલિ આપતાં ભગવાન રામ સાથે સરખાવ્યા છે એ રાજકીય વિરોધી સાથેના સંબંધોની ઉષ્મા દર્શાવનારું બેનમૂન ભાષણ હતું. વાજપેયી ૧૯૭૭માં મોરારજીની સરકારમાં પહેલી વાર સત્તા પક્ષમાં આવ્યા અને વિદેશપ્રધાન બન્યા. એ વેળા એમની કચેરી પાસે ટાંગેલી રહેતી પંડિત નેહરુની છબી ક્યાં ગાયબ થઈ એની તપાસ કરાવીને એમણે એ પુન: ત્યાં મુકાવી હતી. ૧૯૯૧માં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યાર પછી એક વાર અટલજીએ કહ્યું હતું કે હું આજે જીવું છું એ રાજીવજીને પ્રતાપે. મને કિડનીની ભયંકર તકલીફ હતી.
વડા પ્રધાન રાજીવજીએ મને બોલાવ્યો અને સંયુક્ત રાષ્ટ્રમાં જનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સોંપતાં કહ્યું હતું કે આપકા ઈલાજ ભી અમરિકા મેં કરાતે આયેં. ૧૯૯૬માં અટલજી પહેલી વાર વડા પ્રધાન બન્યા. પંડિત નેહરુની ભવિષ્યવાણી સાચી પડી હતી. એ પછી તો વધુ બે વાર એ વડા પ્રધાન બન્યા, પરંતુ વિપક્ષના સહયોગ વિના સંસદ અને લોકશાહી ન ચાલે એવું એ માનતા રાજપુરુષ હતા. રાજીવ-પુત્ર રાહુલ ગાંધી પોતાના પરિવારમાં બબ્બે વડાં પ્રધાનની શહીદી (દાદી ઇન્દિરા અને પિતા રાજીવ)ના દુ:ખદ અનુભવમાંથી પસાર થયા છતાં પોતાને માટે ધિક્કાર અને બેફામ નિવેદનો કરનારા રાજકીય વિરોધીઓ માટે પણ સદ્ભાવ ધરાવે છે. એ વાતની ખરી પ્રતીતિ સમગ્ર દુનિયાને એમના નેતૃત્વમાં યોજાયેલી ૪,૦૦૦ કિ.મી.ની ક્ધયાકુમારીથી કશ્મીરની ભારત જોડો પદયાત્રા થકી જ થઇ.
જોકે આ પદયાત્રાની શરૂઆતથી અંત સુધી ભાજપના નેતાઓ, મંત્રીઓઓ અને મુખ્ય પ્રધાનોએ રાહુલને બદનામ કરવાની ભરચક કોશિશ કરી છતાં એ લોકોના મુદ્દા ઉઠાવવામાં નીડરપણે આગળ વધતા રહ્યા. મોદી-અદાણી અંગેના લોકસભાના રાહુલના ભાષણમાં અવરોધો સર્જવાની ઘણી કોશિશો છતાં એ ઠાવકાઈથી પોતાના મુદ્દાઓને પ્રભાવીપણે રજૂ કરવામાં સફળ રહ્યા. પ્રજા રાહુલને ગંભીરતાથી લેવા માંડી છે. એ વાતની ભાજપની છાવણીમાં ચિતા વ્યાપી છે. એટલે જ કદાચ રાયપુરના કોંગ્રેસ મહાઅધિવેશન પૂર્વે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) છત્તીસગઢના કોંગ્રેસી આગેવાનો પર દરોડા પાડવામાં સક્રિય થયા છતાં ત્યાંની ભૂપેશ બઘેલ સરકાર ગજગામી રીતે મહાઅધિવેશનનું આયોજન કરતી રહી. રાજકારણમાં ભાષાવિવેક કે ગરિમા તળિયે પહોંચ્યાના વર્તમાન યુગમાં પરિવર્તન આવે એટલી અપેક્ષા કરીએ.