શૅરધારકોની સંપત્તિમાં બે દિવસમાં ₹ ૬.૫૭ લાખ કરોડનું ધોવાણ

દેશ વિદેશ

સેન્સેક્સ ૮૭૨ પોઇન્ટ ગબડ્યો: નિફ્ટીમાં ૨૬૭.૭૫ પોઇન્ટનો ધબડકો: તમામ સેક્ટરલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં પહોંચ્યા

 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: વિશ્ર્વની મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદર વધારવાની તત્પરતા અને વૈશ્ર્વિક અર્થતંત્રના વિકાસદરની ચિંતા વચ્ચે ડહોળાયેલા હવામાનમાં શેરબજારમાં સતત બીજા સત્રમાં પીછેહઠ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૬.૫૭ તાખ કરોડનું ધોવાણ થયું છે. બે સત્રમાં સેન્સેક્સે ૧૫૨૪.૧૩ પોઇન્ટ અથવા તો ૨.૫૨ ટકા ગુમાવ્યાં છે. સોમવારના સત્રમાં સેન્સેક્સ ૮૭૨ પોઇન્ટ ગબડ્યો હતો, જ્યારે બીએસઇની માર્કેટ કેપમાં રૂ. ૩.૨૫ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. બજારનો અંડરટોન નરમ રહ્યો હતો. તમામ સેકટરલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં પહોંચ્યા હતા. સેન્સેક્સના શેરોમાં માત્ર બે કંપનીઓ પોઝિટિવ જોનમાં પહોંચી શકી હતી, જ્યારે ૨૮ કંપનીઓ ગબડી હતી. આ સત્રમાં માર્કેટ કેપ રૂ. ૨૭૪.૫૨ લાખ કરોડ રહ્યું હતું, જે શુક્રવારે રૂ. ૨૭૭.૭૭ લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં કુલ રૂ. ૩.૨૫ લાખ
કરોડનું ધોવાણ નોંધાયું છે.
સત્ર દરમિયાન ૯૪૧.૦૪ પોઇન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ ૮૭૨.૨૮ પોઇન્ટના ધોવાણ સાથે ૫૮,૭૭૩.૮૭ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૨૬૭.૭૫ પોઇન્ટના ધબડકા સાથે ૧૭,૪૯૦.૭૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી ૦.૬૪ ટકા અને નેસ્લે ઈન્ડિયા ૦.૨૮ ટકા વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૪.૫૦ ટકા, એશિયન પેઈન્ટ્સ ૩.૫૧ ટકા, વિપ્રો ૨.૯૬ ટકા, સન ફાર્મા ૨.૯૦ ટકા, લાર્સન એન્ડ ટ્રુબ્રો ૨.૮૭ ટકા ઘટ્યા હતા. બધાં ગ્રૂપની ૧૪ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓને ઉપલી અને ચાર કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.