દાનવોનો નાશ કરવા ભગવાન શિવે કાર્તિકેયને દક્ષિણ દિશામાં મોકલ્યા

ધર્મતેજ

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: મહિષાસુર નિષ્પ્રાણ થતાં જ ભગવાન શિવ ત્યાં પધારે છે. જગદંબા તેમને જોતાં જ માતા પાર્વતીનું રૂપ ધારણ કરે છે અને કહે છે, ‘મહિષાસુર દ્વારા કુમારને આપવામાં આવેલા પડકારના કારણે એક માતા તરીકે મહિષાસુરને દંડ આપવો અનિવાર્ય હતો. મને ક્ષમા કરો. તો ભગવાન શિવ કહે છે કે ‘પાર્વતી તમારે કોઈ ક્ષમા માગવાની જરૂર નથી, તમે આદિશક્તિ છો, તમે સ્ત્રીરૂપનું ગૌરવ છો, તમે સ્ત્રીશક્તિની પરાકાષ્ઠા છો. મહિષાસુરે મેળવેલા વરદાનથી તે પાશવી પ્રવૃત્તિમાં મગ્ન હતો, સૃષ્ટિની દરેક સ્ત્રીને તુચ્છ સમજતો હતો, તેને દંડ આપવો જરૂરી હતો અને તમે જો જગદંબાનું રૂપ ધારણ ન કર્યું હોત તો સૃષ્ટિ તમારા આ રૂપથી અજાણ રહેત. તમારા આ પરાક્રમથી સૃષ્ટિનો કોઈ પણ પુરુષ એ વહેમમાં રહેશે નહીં કે સ્ત્રીઓ નિર્બળ હોય છે.’ તે જ સમયે બ્રહ્માજી, માતા સરસ્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને દેવર્ષિ નારદ પધારે છે. બધા માતા પાર્વતીની પ્રશંસા કરતાં જણાવે છે કે ‘તમે માતા તરીકે જે જવાબદારી નિભાવી છે તે યુગો યુગો સુધી યાદ રખાશે. પુત્રની રક્ષા કરી એ પ્રતીક છે કે તમે જગતજનની જગદંબા સ્વરૂપે સંસારની રક્ષા કરવા તત્પર છો. તમે એ પણ દર્શાવી દીધું છે કે કોઈએ પોતાની શક્તિ પર ઘમંડ ન કરવું.’ અને છેલ્લે દેવર્ષિ નારદ કહે છે, ‘માતા તમે આદિશક્તિ અને શક્તિસ્વરૂપા છો, માનવોના કલ્યાણ માટે મારી તમને વિનંતી છે કે તમારું મહિષાસુર સાથેનું યુદ્ધ આશ્ર્વિન શુક્લ એકમથી આશ્ર્વિન શુક્લ નોમના દિવસ સુધી ચાલ્યું આ સમયગાળાને સૃષ્ટિના માનવો નવરાત્રિ તરીકે ઓળખે અને આ નવરાત્રિમાં જે માનવ આદિશક્તિ જગદંબાની આરાધના કરશે તેને મનવાંછિત ફળ મળે અને તેનું કલ્યાણ થશે.’ માતા પાર્વતીએ ‘તથાસ્તુ’ કહેતાં ત્યારથી આજ પર્યંત માનવો નવરાત્રિ દરમિયાન આદિશક્તિ જગદંબાની આરાધના કરી તેમના આશીર્વાદ મેળવી જીવનને સાર્થક કરે છે. મહિષાસુરનો વધ થતાં અસુરો ભય હેઠળ જીવવા માંડે છે. તેમની અવસ્થા જોઈ અસુર ગુરુ શુક્રાચાર્ય અને વ્રજરાંક વચ્ચે શબ્દોની ચડભડ થતાં ક્રોધિત શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે. તો કુમાર કાર્તિકેય કૈલાસ માનસરોવર ખાતે પહોંચી નંદીની માફી માગે છે. નંદી કહે છે કે ‘નહીં કુમાર, માફી ન માગો. તમને મારા પર એટલો જ અધિકાર છે જેટલો પ્રભુ અને માતાનો છે.’ કુમાર કાર્તિકેય કહે છે કે ‘તારકાસુરના વધથી હું મારા પિતાથી દૂર થયો હતો અને હવે મહિષાસુરના વધ બાદ હું મારી માતાથી પણ દૂર થઈ જઈશ. મેં આજે મારી માતાનું જે રૂપ જોયું છે તે સૃષ્ટિનું એકમાત્ર સત્ય છે. તેઓ સૃષ્ટિની માતા છે, એ માતાને જમાડવા માટે હું પરેશાન કઈ રીતે કરી શકું. માતા મને જમાડવા આવે તો હું છુપાઈ જતો હતો અને તેમને પરેશાન કરતો હતો, આદિશક્તિને હું કઈ રીતે પરેશાન કરી શકું.’ એ જ સમયે માતા પાર્વતી ભોજન લઈ કુમાર કાર્તિકેયને શોધતાં શોધતાં ત્યાં આવે છે અને પોતાના હાથે કુમાર કાર્તિકેયને જમાડે છે, પણ ભોજન દરમિયાન કુમાર કાર્તિકેયની નટખટતા ન દેખાતાં માતા પાર્વતી દુ:ખી થાય છે અને કહે છે, ‘કુમાર, તમે આટલા ભયભીત કેમ છો, જ્યારથી તમે દેવ સેનાપતિ થયા છો ત્યારથી તમારી નટખટતા દેખાતી નથી, મને પુત્ર તરીકે મારો કુમાર જોઈએ છે, મારો નટખટ કુમાર જેને હું જમાડવા જાઉં તો દોડાવી દોડાવીને થકવી દે. મને મારો કાર્તિકેય પાછો જોઈએ છે.’ આટલું સાંભળતાં કુમાર કાર્તિકેયની આંખમાંથી ચોધાર આંસુ નીકળી પડે છે અને તેઓ માતાને ભેટી પડે છે.
* * *
માતા-પુત્રનું મિલન જોઈ શિવગણોનું હૃદય દ્રવિત થઈ જાય છે. તેઓ ભગવાન શિવ, માતા પાર્વતી અને કુમાર કાર્તિકેયનો જયજયકાર કરે છે. એટલામાં ભગવાન શિવને ત્યાં પધારે છે.
કુમાર કાર્તિકેય: ‘પિતાજી, મને આશીર્વાદ આપો હું થોડા સમય માટે સત્યની શોધમાં વનવાસ જવા ઈચ્છું છું.’
માતા પાર્વતી: ‘પુત્ર, સત્યની શોધ માટે વનવાસ જવું અનિવાર્ય નથી.’
ભગવાન શિવ: ‘હા પુત્ર, તમારી માતા સત્ય કહે છે. અંગત, પારિવારિક અને સામાજિક જવાબદારીઓનો ત્યાગ કરી સત્યની શોધ માટે વનવાસ જવું યોગ્ય નથી.’
માતા પાર્વતી: ‘પુત્ર, સત્ય તો હંમેશાં આપણી સાથે હોય છે. આપણા હૃદયમાં વાસ કરે છે.’
ભગવાન શિવ: ‘પુત્ર, હું એટલું કહીશ કે જો આપણા મન, ચક્ષુ અને હૃદય પર ચઢેલા ક્રોધ, અહંકાર અને મહત્ત્વાકાંક્ષાના આવરણને દૂર કરી દઈએ તો સત્ય તુરંત દેખાવા માંડે છે. જો આ આવરણો દેવ હોય કે દાનવ તેના મનોમસ્તિષ્ક પર ચઢેલાં હોય તો તેમને સત્ય દેખાતું નથી.’
કુમાર કાર્તિકેય: ‘નહીં પિતાજી, મારે મનોમંથન પણ કરવું છે એટલે મને આજ્ઞા આપો.’
ભગવાન શિવ: ‘પુત્ર, આ જીવન તમારું છે, એના પર તમારો અધિકાર છે નહીં કે તમારાં માતા-પિતાનો. નિર્ણય લેવાનો અધિકાર તમારો જ છે.’
કુમાર કાર્તિકેય: ‘પિતાજી, મને વનવાસ માટે આજ્ઞા આપો.’
માતા પાર્વતી: ‘કુમાર, તમે એ સમજો કે તમારા પિતા અને હું કોઈ પણ રૂપ લઈએ તો એ ફક્ત સૃષ્ટિના માનવોના કલ્યાણ માટે જ હોય છે. સમસ્ત સૃષ્ટિનાં માતા-પિતા હોવાની જવાબદારી નિભાવતાં તમને અન્યાય નહીં થાય તેની તકેદારી રાખીશું, તમને જે પ્રેમ માતા-પિતા તરીકે મળવો જોઈએ એ જરૂર આપીશું. કુમાર, તમને દેવગણો ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર તરીકે ઓળખે છે, પણ સમય એવો આવશે કે સૃષ્ટિના માનવો મને અને મહાદેવને તમારાં માતા-પિતા તરીકે ઓળખશે. તમે વનવાસની જીદ છોડો.’
કુમાર કાર્તિકેય: ‘સાચી વાત છે મા, હું ભયભીત થઈ ગયો હતો તમારી અને પિતાજીની મહાનતામાં, પુત્ર તરીકે માતા-પિતાથી દૂર થઈ જવાનો આભાસ મને થઈ રહ્યો હતો. હું એમ સમજી રહ્યો હતો કે મારાં માતા-પિતાની સંપૂર્ણતાને મારી કોઈ જરૂરત નથી. મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો માતા.’
માતા પાર્વતી: ‘અમને છોડીને જવાનો વિચાર તમારા મનમાં ક્યારેય નહીં લાવતા કુમાર.’
કુમાર કાર્તિકેય: ‘ક્યારેય નહીં માતા, ક્યારેય નહીં, હું તમને વચન આપું છું કે તમને છોડીને ક્યાંય નહીં જાઉં.’
ભગવાન શિવ: ‘જીવનમાં નવો માર્ગ શોધવા ભટકવું અનિવાર્ય હોય છે, તમે તમારો માર્ગ સ્વયં શોધ્યો છે. જો તમારે વનવાસ જ ભોગવવો હોય તો દક્ષિણ તરફ જાઓ, ત્યાં અસુરો અને દાનવોના અત્યાચાર વધી રહ્યા છે, ત્યાં વસતા માનવોની સુરક્ષાનું દાયિત્વ સંભાળો અને તમારી નવી ઓળખ ઊભી કરો, જેથી સમસ્ત સંસારવાસીઓ કહે કે ભગવાન શિવ અને માતા પાર્વતી પરાક્રમી કુમાર કાર્તિકેયનાં માતા-પિતા છે. જાઓ કુમાર અમને ગોરવ અપાવો.’
કુમાર કાર્તિકેય: ‘જેવી તમારી આજ્ઞા.’
માતા પાર્વતી: ‘કુમાર, તમે જતા રહેશો તો મારી મમતાનું શું થશે? હું કોને ભોજન કરાવીશ?’
કુમાર કાર્તિકેય: ‘માતા, તમારો પુત્ર તમારી મમતાને દુ:ખી નહીં થવા દે. ભોજનની થાળી તૈયાર કરી જ્યારે જ્યારે તમે હાક પાડશો ત્યારે તમારો કુમાર અહીં ઉપસ્થિત થશે, મારું વચન છે.’
માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લઈ કુમાર કાર્તિકેય દક્ષિણ તરફ નીકળી પડે છે.
* * *
દક્ષિણના વન તરફ જઈ રહેલા કુમાર કાર્તિકેયને જોઈ દેવર્ષિ નારદ દેવરાજ ઈન્દ્ર પાસે પહોંચે છે.
દેવર્ષિ નારદ: ‘દેવરાજ, તમને ખબર છે કે કુમાર કાર્તિકેય દક્ષિણ તરફ જઈ રહ્યા છે.’
દેવરાજ ઈન્દ્ર: ‘દેવર્ષિ, મને કેવી રીતે ખબર પડે કે કુમાર ક્યાં છે?’
દેવર્ષિ નારદ: ‘જુઓ દેવરાજ, હજુ સમય છે, તમારી ભૂલ સુધારો અને કુમાર કાર્તિકેયને સ્વર્ગનું સિંહાસન આપી દો અથવા આવનારાં પરિણામો ભોગવવા તૈયાર રહો.’
આટલી ચેતવણી આપી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે.
* * *
કુમાર કાર્તિકેયની વિદાયથી માતા પાર્વતી અને શિવગણો અત્યંત દુ:ખની લાગણી અનુભવે છે. દરેકની મન:સ્થિતિ ખરાબ હોય છે. માતા પાર્વતીને સાંત્વન આપતાં ભગવાન શિવ કહે છે:
ભગવાન શિવ: ‘શિવા, શું વિચારો છો?’
માતા પાર્વતી: ‘હું અને તમે બંને જાણીએ છીએ કે આપણા પુત્રને દેવરાજ ઈન્દ્રએ જ ભડકાવ્યો છે. તમણે આવું શું કામ કર્યું એ પણ હું અને તમે જાણીએ છીએ. એક બાળકને આટલું દુ:ખ આપીને દેવરાજને શું મળ્યું? શું એમના પદની ગરિમાને આ શોભા આપે છે. હું દેવરાજ ઈન્દ્રના વ્યવહારથી ક્રોધિત છું.’
ભગવાન શિવ: ‘પાર્વતી, તમારે જે કહેવું જોઈએ તે કહેતાં નથી.’
માતા પાર્વતી: ‘અર્થાત્.’
ભગવાન શિવ: ‘ખરેખર તો તમે મારા નિર્ણયથી દુ:ખી છો.’
માતા પાર્વતી: ‘તમે એના પિતા છો, પિતાના નિર્ણયો પુત્રના ઉદ્ધાર માટે જ હોય છે, તમારો આ નિર્ણય પણ કુમાર કાર્તિકેયનો ઉદ્ધાર જ કરશે એની મને ખાતરી છે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.