પોતાને દેવરાજની પદવી ન મળવાને કારણે નારાજ કાર્તિકેયને ભગવાન શંકર સમજાવે છે

ધર્મતેજ

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: યુદ્ધમાં જીત બાદ દેવગણોની વિનંતીનો સ્વીકાર કરી કુમાર કાર્તિકેય કૈલાસ જવા તૈયાર થયા. કુમાર કાર્તિકેય અને સમસ્ત દેવગણો વિમાનમાં સવાર થયા અને થોડા જ સમયમાં કૈલાસ પહોંચી ગયા. કૈલાસ પહોંચતાં જ કુમાર કાર્તિકેયે પ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. ભગવાન શિવ દ્વારા કુમાર કાર્તિકેયને એક શિલા પર બેસાડી દૂધ અને દહીંનો અભિષેક કરવામાં આવ્યો. ભગવાન શિવ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુએ કુમાર કાર્તિકેયનાં વખાણ કર્યાં. માત પાર્વતીએ કહ્યું, ‘પુત્ર અહીં આવ, જોવા દો તમને કોઈ ઈજા તો નથી થઈ?’ આ સવાલના જવાબમાં ભગવાન શિવ કહે છે કે ‘જે આદિશક્તિની શક્તિ અને માના આશીર્વાદથી સુસજ્જ હોય તેને કઈ રીતે ઈજા થઈ શકે?’ સામે માતા પાર્વતી કહે છે કે ‘જેના પિતા અને ગુરુ દેવોં કે દેવ મહાદેવ હોય તેનો વિજય નિશ્ર્ચિત જ છે.’
વિજયી વાતાવરણમાં દેવરાજ ઈન્દ્ર કહે છે કે ‘દેવો, આનંદ મનાવો, આપણે જીતી ગયા. આપણે અસુરોને પરાજિત કરી દીધા…’ ભગવાન શિવ તેમને અટકાવતાં કહે છે કે ‘આપણે એ સમજવું જોઈએ કે તારકાસુરના અંત બાદ બૂરાઈનો અંત થયો નથી, બૂરાઈ અને ભલાઈ વચ્ચે નિરંતર યુદ્ધ ચાલતું રહેશે. આજે એક અધ્યાય પૂર્ણ થયો છે, તો કાલે બીજો અધ્યાય શરૂ થશે. જ્યાં સુધી સંસારમાં બૂરાઈ ચાલશે ત્યાં સુધી ભલાઈ પણ ચાલશે, પરંતુ બૂરાઈ અને ભલાઈના યુદ્ધમાં જીત સદૈવ ભલાઈની જ થશે. સામે પક્ષે તારકાસુરના પિતા વજરાંક તારકાસુરના નિધનથી વ્યથિત થાય છે અને કહે છે કે ‘હું એ કાર્તિકેયને જીવતો નહીં છોડું.’ નક્ષત્રલોક ખાતે સમાચાર મળતાં જ નત્રક્ષમાતાઓ આનંદિત થઈ જાય છે કે તેમના પુત્રએ અસુર સમ્રાટ તારકાસુરનો વધ કરી દીધો છે. તેઓ કુમાર કાર્તિકેયને આશીર્વાદ આપવા કૈલાસ પધારે છે. કૈલાસ ખાતે પોતાની માતાઓને જોઈ કુમાર કાર્તિકેય હર્ષ અનુભવે છે અને તેમના આશીર્વાદ લે છે. વિજય બાદ દેવરાજ ઈન્દ્રની વર્તણૂક જોઈ દેવર્ષિ નારદ કહે છે કે ‘મહાદેવની જય હો, શ્રી હરિ વિષ્ણુની જય હો, શું હવે સમય નથી આવી ગયો કે સ્વર્ગનું સિંહાસન કુમાર કાર્તિકેયને આપવામાં આવે.’
* * *
દેવર્ષિ નારદ દ્વારા અચાનક આવી પડેલા આ પ્રસ્તાવથી દેવરાજ ઈન્દ્ર સ્તબ્ધ થઈ જાય છે. તેમને સૂઝતું નથી કે શું કરવું?
દેવરાજ ઈન્દ્ર: ‘આ અન્યાય છે, હું સ્વર્ગલોકનો રાજા છું, મેં કેટલાંય વરસોથી કષ્ટો સહન કર્યાં છે, મને જ સિંહાસન મળવું જોઈએ.’
ભગવાન શિવ: ‘અવશ્ય દેવરાજ, તમને જ સિંહાસન મળવું જોઈએ.’
માતા પાર્વતી: ‘પણ શું કામ…?’
ભગવાન શિવ: ‘કેમ કે રાજાનું કાર્ય યુદ્ધ છે, પણ પોતાની પ્રજાના સંરક્ષણ સુધી સીમિત નથી, પ્રજાનાં સુખ અને સમૃદ્ધિનું પણ ધ્યાન રાખવાનું હોય છે. રાજાનું કર્તવ્ય ધર્મની સ્થાપના કરી તેનું સંરક્ષણ કરવાનું પણ હોય છે, પોતાની પ્રજામાં દ્વેષ ઉત્પન્ન ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે, તેમને સંગઠિત રાખવા પડતા હોય છે. આવી હજારો જવાબદારીઓ રાજા સંભાળતા હોય છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે દેવલોક જ મનુષ્યો માટે ઉદાહરણ રૂપ હોય છે, અન્ય યોગ્યતાઓ પર ધ્યાન આપ્યા વિના જો કાર્તિકેયને શક્તિના આધાર પર દેવરાજની પદવી આપીશું તો સમસ્ત સંસાર આનું ઉદાહરણ લેશે. કુમાર કાર્તિકેય પાસે મારી અને દેવી પાર્વતીની શક્તિઓ છે, પણ શાસન કરવાની વિદ્યા નથી, અનુભવ નથી.’
અગ્નિ દેવ: ‘આપ કુમારને આ વિદ્યામાં પણ નિપુણ બનાવી શકો છો, આપના માટે શું અસંભવ છે?’
ભગવાન શિવ: ‘અહીં વાત સંભવ-અસંભવની નથી અગ્નિદેવ… કુમાર કાર્તિકેયનો જન્મ જે ઉદ્દેશ્ય માટે થયો હતો તે દેવતાઓ અને સમસ્ત સંસારના સંરક્ષણ માટેનો હતો, દેવરાજ બનવા માટે નહીં. જ્યારે કોઈ શક્તિશાળી શાસકની જરૂર પડશે ત્યારે આપણે વિચાર કરીશું, હાલ તો દેવતાઓના રાજા દેવરાજ ઈન્દ્ર જ રહેશે. કુમાર કાર્તિકેય દેવતાઓની અને સૃષ્ટિના મનુષ્યોની સુરક્ષા માટે સદૈવ તત્પર રહેશે.’
દેવરાજ ઈન્દ્ર: ‘મહાદેવ, જો દેવતાઓ અને દેવર્ષિ નારદને પૂર્ણ વિશ્ર્વાસ હોય તો કુમાર કાર્તિકેયને પોતાની સિદ્ધતા દર્શાવવાનો એક મોકો મળવો જોઈએ. થોડા સમય માટે પણ તેમને દેવરાજની પદવી આપવી જોઈએ.’
ભગવાન શિવ: ‘શિવપુત્ર અને માતા શક્તિના પુત્રને પોતાની યોગ્યતા સિદ્ધ કરવા કોઈ સિંહાસનની આવશ્યકતા નથી.’
દેવરાજ ઈન્દ્ર: ‘જેવી પ્રભુ આપની ઈચ્છા, આપનો આદેશ હોય તો હું આ પદ સ્વીકારવા તૈયાર છું. મને આશીર્વાદ આપો કે દેવતાઓમાં ફેલાયેલા અવિશ્ર્વાસને હું દૂર કરી શકું અને પહેલાથી પણ સારો શાસક બની શકું.’
ભગવાન શિવ: ‘તમારું કલ્યાણ થાઓ.’
આટલું કહેતાં જ દેવગણો દેવરાજ ઈન્દ્રનો જયજયકાર કરવા લાગ્યા. દેવરાજ ઈન્દ્ર અને દેવગણોએ ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, બ્રહ્માજી, માતા સરસ્વતી અને દેવર્ષિ નારદના આશીર્વાદ લઈ સ્વર્ગલોક તરફ પ્રયાણ કર્યું.
* * *
સામે પક્ષે તારકાસુરના પિતા વજરાંક તારકાસુરના નિધન બાદ નિરાશામાં ગરકાવ થઈ જાય છે અને કાર્તિકેયનો વધ કઈ રીતે કરવો તેની વિચારણા કરવા તેમના અન્ય પુત્રોને પોતાની સમક્ષ ઉપસ્થિત થવાનો આદેશ આપે છે. બધા પુત્રો એકત્રિત થતાં વજરાંક તેમના અન્ય પુત્રોને કહે છે કે ‘તારકાસુરના ત્રણેય પુત્રો તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષ ભગવાન શિવની ભક્તિમાં લીન છે. તેમને કોઈ પણ રીતે તપમાંથી જગાડી અહીં બોલાવો, મારે કુમાર કાર્તિકેયનો અંત કરવો છે.’
અસુર ગુરુ શુક્રાચાર્ય: ‘પિતામહ વજરાંક, તમે પુત્રમોહમાં એટલા ગરકાવ થઈ ગયા છો કે તમને એ ભાન રહ્યું નથી કે તારકાસુર જેટલો શક્તિશાળી અસુર હવે કોઈ રહ્યો નથી. તમારે બુદ્ધિથી કામ લેવું જોઈએ. હાલ તમે બદલો લેવાનો વિચાર માંડી વાળો, ભગવાન શિવના શરણમાં જાઓ. અસુર જાતિનું કલ્યાણ તેમાં જ રહેલું છે.’
* * *
કૈલાસ ખાતેથી દેવગણો સ્વર્ગલોક ગયા બાદ ભગવાન શિવ, માતા પાર્વતી અને કુમાર કાર્તિકેય તેમના શિવગણો સાથે હોય છે. સમય વીતતાં કુમાર કાર્તિકેયના મનમાં ભારેલો અગ્નિ પેદા થાય છે કે દેવર્ષિ નારદ અને દેવગણોની ઈચ્છા હોવા છતાંય પિતાજીએ મને દેવરાજની પદવી શું કામ ન આપી? કુમાર કાર્તિકેય મનમાં ઊઠેલા પ્રશ્ર્ન સાથે માનસરોવરના કિનારે વિહાર કરતા હોય છે.
ભગવાન શિવ: ‘કુમાર, તમારા મનમાં જે વિચાર, જે શંકા ઉદ્ભવી રહ્યાં છે તે સ્વાભાવિક છે, તેને દૂર કરવા જ હું અહીં આવ્યો છું. મારી વાત ધ્યાનથી સાંભળો, અગ્નિ બાળે છે તો જળ ઠારે છે. બંનેનાં કાર્યક્ષેત્ર પૂર્વનિયોજિત અને ભિન્ન છે. બંને એકબીજાને સ્થાપિત નહીં કરી શકે, એવી જ રીતે સંસારમાં દરેકની ભૂમિકા પૂર્વનિયોજિત છે. સંસારની આ વિવિધતા જ વિશેષતા પણ છે. તમારી ભૂમિકા તમારા જન્મ પહેલાં જ હું નિર્ધારિત કરી ચૂક્યો છું. પુત્ર, તમે ઉદ્ધારક છો, ઉદ્ધારક ક્યારેય સિંહાસન પર નથી બેસતા, તેઓ ફક્ત તેમની પ્રજાના હૃદયમાં નિવાસ કરે છે. ઉદ્ધારકોને શાસનનો કોઈ લોભ હોતો નથી તેઓ ફક્ત પોતાની જવાબદારીને સમર્પિત હોય છે. મારી પાસેથી વરદાન મેળવી તારકાસુરે દેવરાજ ઈન્દ્રને પદભ્રષ્ટ કર્યા, તમે તમારી શક્તિથી તારકાસુરને નષ્ટ કર્યો, તમે મહાન છો. રાજપાઠ અને સિંહાસન હંમેશાં અસુરક્ષિત હોય છે, જ્યાં સુધી બળ છે ત્યાં સુધી સિંહાસન… ઉદ્ધારક પ્રજાના કલ્યાણ હેતુ કામ કરતા હોય છે, તેમને અસુરક્ષા અને ભયનો સામનો કરવો પડતો નથી. તમારું કલ્યાણ થાઓ.’ (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.