ભગવાન જગન્નાથની રથયાત્રા હર્ષનાદ સાથે નીકળી

દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશમાં ઓડિશાના પુરી ખાતે ભગવાન જગન્નાથજીની યાત્રા સાથે જ ગુજરાતમાં કોરોના કારણે સાદગીથી યોજાતી અમદાવાદની રથયાત્રા બે વર્ષ બાદ અષાઢી બીજના દિવસે ધામધૂમથી પરંપરાગત રીતે યોજાઇ હતી. કચ્છના નૂતન વર્ષ અષાઢી બીજે જય જગન્નાથના નાદ સાથે ગુજરાત ગુંજી ઊઠ્યું હતું. અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આવેલા જગદીશ મંદિરેથી ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા જય રણછોડ… ના નારા સાથે યોજાઇ હતી. જ્યારે ભાવનગર, રાજકોટ, વિરમગામ સહિત ૧૮૦થી વધુ નગરોમાં જગતના નાથની રથયાત્રા અને શોભા યાત્રાઓ યોજાઇ હતી. બીજી બાજુ અષાઢી બીજના દિવસે મેઘરાજાએ અમીછાંટણા કરીને ભગવાનના પગ પખાળ્યાં હતાં.
અમદાવાદમાં નીજ મંદિરે શુક્રવારની વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્યા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની મૂર્તિઓ ત્રણે રથોમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરાવીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યામાં લાખો ભક્તો જોડાયા હતા. ભક્તોની ઘોડાપૂરમાં જય રણછોડ માખણચોરના નાદ ગુંજી ઊઠ્યા હતા. નાથની નગરચર્યાની ગજરાજો, સુશોભિત ટ્રક, અખાડા અને ભક્તિમય વાતાવરણમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના અનેરા ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો હતો.
રથયાત્રાના પ્રારંભે ત્રણેય રથ પર હેલિકોપ્ટર પરથી પુષ્પવર્ષા કરાઈ હતી. તો ભગવાન, ભાઈ અને બહેનની નગરચર્યામાં મોટી સંખ્યામાં નગરજનો, ભજન મંડળીઓ , અખાડા ઉપરાંત રથયાત્રાના રૂટ પર રામ મંદિરની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. રથયાત્રામાં વરસાદના અમીછાંટણા વચ્ચે જગન્નાથ નગરચર્ચાએ નીકળ્યાં હતા. શહેરની રથયાત્રામાં મોટી ઉંમરના વૃદ્ધ મહિલા સહિત અનેક ભક્તો, સાધુ-સંતો સહિત નગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રથની આગળ ગજરાજ આગળ વધી રહ્યા હતા. ૧૮ ગજરાજોને શણગારાયા હતા અને સુશોભિત થયેલી અંબાડી સાથે ગજરાજા આગળ જઈ રહ્યા હતા. રથયાત્રામાં પ્રસાદમાં ફણગાવેલા મગ, જાંબુ, કેળા, કેરી, છાશ, પાણીનું વિતરણ કરતા વાહનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. જ્યાં ત્રણ લાખથી વધુ ભક્તોએ બપોરનું ભોજન લીધું હતું. ત્યાર બાદ રથયાત્રાએ પરત મંદિર તરફ પ્રસ્થાન શરૂ કર્યું હતું. કાલુપુર, શાહપુર, દરિયાપુર થઈ જમાલપુરવાળા પરંપરા રૂટ પરથી નીજ મંદિર હર્ષઉલ્લાસ સાથે પરત ફરી હતી. જ્યાં મંદિરના મહંત દ્વારા પૂજાવિધિ કરી ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં ફરી બીરાજમાન કરવામાં આવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.