યુકે, ફ્રાન્સ અને સ્પેન પર તોળાઈ રહેલું ‘ઉષ્ણતા’સંકટ

વીક એન્ડ

યુરોપીય દેશો પર તોળાઈ રહેલા ઉષ્ણતાના સંકટને કારણે ૩૦,૦૦૦થી વધુ નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે અને સતત વધતી જતી ગરમીને કારણે હજાર જેટલા નાગરિકોએ પ્રાણ ગુમાવ્યા છે

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

અત્યારે આપણે ભારતીયો ભલે સરસ મજાના વરસાદની મોસમની મજા માણી રહ્યા છીએ, પણ દુનિયાનો કેટલોક વિસ્તાર એવો છે કે જે અત્યારે કાળઝાળ, જીવલેણ ગરમીનો સામનો કરી રહ્યો છે. અમુક વિસ્તારોમાં તો ગરમી એટલો બધો કહેર વરસાવી ચૂકી છે કે હજારો લોકોએ સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે તો હજારો લોકોએ આ ગરમીને કારણે પ્રાણ ગુમાવવાનો વારો સુધ્ધાં આવ્યો છે. વધુ સમય વેડફ્યા વિના વાત કરીએ અને જાણીએ કે કયા છે દુનિયાના આ દેશો કે જ્યાં ઉષ્ણતાનું સંકટ જોર કરી રહ્યું છે અને લોકોના જીવ સામે જોખમ ઊભું
થયું છે…
પશ્ર્ચિમી યુરોપ આજકાલ આગ દઝાડતી ગરમીનો સામનો કરી રહ્યું છે અને જોરદાર ફૂંકાઈ રહેલો ગરમ પવન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યો છે એટલે મંગળવારથી તો પારો વધુ ને વધુ ઊંચે જઈ રહ્યો છે. ફ્રાન્સ અને યુકેમાં અઠવાડિયાની શરૂઆતમાં જ પારાવાર ગરમીની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી અને સ્પેનમાં તો પારો ૪૩ ડિગ્રીનો આંકડો પાર કરી ચૂક્યો હતો… આટલું ઓછું હોય તેમ ફ્રાન્સ, પોર્ટુગીઝ, સ્પેન અને ગ્રીસમાં જંગલમાં લાગેલી આગને કારણે હજારો લોકોએ પોતાનાં ઘરબાર છોડીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.
આ ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે નિષ્ણાતોએ તો એવું મંતવ્ય પણ વ્યક્ત કર્યું છે કે આવનારા ટૂંક સમયમાં જ બ્રિટને અત્યાર સુધીના તેના સૌથી ગરમ દિવસનો સામનો કરવો પડશે અને ફ્રાન્સના કેટલાક વિસ્તારમાં તો અત્યારથી જ કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. ફ્રાન્સના હવામાન ખાતાના અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશનાં અનેક શહેરો અત્યાર સુધીના સૌથી ગરમ દિવસનો સામનો કરી ચૂક્યાં છે અને પશ્ર્ચિમ શહેર નૉટની વાત કરીએ તો ત્યાં અત્યાર સુધી ૪૨ ડિગ્રી સેલ્સિયસ જેટલા ઉષ્ણતામાનની નોંધ થઈ ચૂકી છે.
યુરોપના અનેક દેશોમાં જંગલમાં લાગેલી આગને કારણે ૩૦,૦૦૦થી વધુ લોકોએ પોતાનું ઘર છોડવાની નોબત આવી છે અને આગને બુઝાવવાના શક્ય એ તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.
પર્યાવરણશાસ્ત્રીઓ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ગરમી અને આગ એ દેશના નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યાં છે અને આ આગ એકદમ રાક્ષસી છે. ઑક્ટૉપસ જોયું છે કોઈ દિવસ? આ આગ એકદમ ઓક્ટોપસ જેવી જ છે અને બધી બાજુએથી લોકોને ભરડામાં લઈ રહી છે. ઉષ્ણતામાનને કારણે, હવાને કારણે, હવામાં ભેજના ઓછા પ્રમાણને કારણે આ આગ સતત આગળ ને આગળ વધી રહી છે અને તેની સામે લડવું ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.
નિષ્ણાતોને મતે જળવાયુ પરિવર્તન કે જેને આપણે ક્લાઇમેટ ચેન્જના નામે પણ ઓળખીએ છીએ એને કારણે ગરમ પવન પહેલાં કરતાં વધુ ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને તે ખૂબ જ લાંબા સમય સુધી ટકી રહે છે, જેને કારણે ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વધતા જઈ રહેલા ઔદ્યોગિકીકરણને કારણે દુનિયાના તાપમાનમાં પહેલાંથી જ ૧.૧ ડિગ્રીનો વધારો નોંધાઈ ચૂક્યો છે અને જો હજી પણ આપણે નહીં સુધર્યા તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ વકરતી જશે. નાગરિકોની સાથે સાથે દેશની સરકારોએ પણ આ સમસ્યા માટે આગળ આવીને સાથે મળીને કામ કરવું પડશે. જો ઉત્સર્જનમાં ઘટાડો નહીં કરવામાં આવ્યો તો ઉષ્ણતામાન આ જ રીતે વધતું રહેશે.
બીજી બાજુ વિશ્ર્વ હવામાન સંગઠને દેશોને ચેતવણી આપી છે કે વધતું જતું તાપમાન પહેલાંથી જ બીમાર અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે અને હવે આ વકરી રહેલી પરિસ્થિતિને કારણે તેમના માટે જોખમ સતત વધતું જ જશે. સંગઠનનું એવું પણ કહેવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં ગરમી વધવાની ઘટના અને કિસ્સાઓ વધતા જશે અને આ પ્રકારના હવામાનને કારણે યુરોપમાં થનારી ખેતી પર પણ તેની અસર જોવા મળશે, પાક ખરાબ થશે. પહેલાથી જ રશિયા-યુક્રેન સંકટને કારણે વૈશ્ર્વિક સ્તર પર અનાજના પુરવઠા પર અસર જોવા મળી રહી છે. દુકાળમાં અધિક માસની જેમ આફ્રિકાના કેટલાક વિસ્તારમાં પડેલા દુકાળને કારણે આ સંકટમાં વધારો થયો છે અને હવે ક્લાઇમેટ ચેન્જને કારણે આ સંકટ હજી વધી શકે છે.
યુરોપીય દેશો પર આવી પડેલું આ કુદરતી સંકટ આપણા બધા માટે ખતરાની ઘંટડી સમાન છે. આપણે અત્યારે પણ નહીં સુધર્યા તો આપણી હાલત પણ યુરોપીય દેશો જેવી થતાં વાર નહીં લાગે. દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે, પહેલા પ્રકારના લોકો પોતે ભૂલ કરીને તેમાંથી શીખે છે, બીજા પ્રકારના લોકો બીજાની ભૂલોને જોઈને તેમાંથી શીખે છે, જ્યારે ત્રીજા પ્રકારના લોકો આ બંને પરિસ્થિતિમાંથી કંઈ જ શીખવાનો પ્રયાસ કરતા નથી… આપણે હવે કયા પ્રકારના લોકોમાં સામેલ થવું છે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.