જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
(ગતાંકથી ચાલુ)
લંકા
જેઠ સુદ ૭, સોમવાર, તા. ૨૧.૦૫.૨૦૧૮
હા… આજે અમે લંકા આવ્યા છીએ. પેલી રાવણ વાળી લંકા નહીં હો. આ લંકાને રાવણ સાથે નાવા નિચોવાનોય સંબંધ નથી. છતા કે લંકા. અમે તો કેટલાય હરખથી આજે સવારે આગળ વધી રહ્યા હતા. અમારે લંકા પહોંચવાનું હતું ને, કેવી હશે લંકા? રાવણ હશે તો મળશું. વિભીષણના કોઈ ભાઈ-ભત્રીજાની મુલાકાત થશે. હિમાલયની સુંદરતાનું અમીપાન કરતાં અમે આગળ વધ્યા. લીલી ઝાંય વાળું કાળું જંગલ ચાલુ થઈ ગયું છે. પાંચ કિ.મી. ચાલ્યા ત્યાં હર્ષિલ આવ્યું. આર્મી સેન્ટર હોવાથી સૈનિકો ખૂબ જોવા મળ્યા. ત્યાં વળી હેલીપેડ આવ્યું. કેટલાય હૅલિકોપ્ટર ઊતર્યા અને ચઢયા. ધરાલી ગામને પાર કરીને તો ખરેખરું જંગલ ચાલુ થયું. માત્ર દેવદાર વૃક્ષનું સામ્રાજય. એક તણખલા જેવું બીજું જોવા મળે નહીં. ઉર્ધ્વદિશા વિના ચારે બાજુ ડબલ ગિરનાર જેવા મોટા પહાડ વચ્ચે મીઠું મીઠું મસ્તીભર્યું હાસ્ય વેરતી શ્ર્વેતવર્ણ મંદાકિની અને આકાશને થીજવી નાખવા મેદાને પડેલા હિમશિખરો. યાત્રા મંગલમય થઈ ગઈ હતી. રસ્તામાં વચ્ચે ૧-૨ જગ્યાએ શોર્ટકટ આવ્યા. એકાદ કિ.મી. ઓછું થયું. લગભગ ૨૦ કિ.મી. ચાલ્યા પછી માંડ માંડ લંકા આવ્યું. આવીને જોયું તો અહીં લંકાના નામે એક મંદિર અને એક પતરાની બનેલી ઝૂંપડી સિવાય કઈ નથી. આજુ બાજુ થોડે દૂર સૈનિકના તંબુ લાગેલા છે. બસ આ જ લંકા. લંકેશ્ર્વર મહાદેવ એકલા અટુલા મંદિર વિનાના ખુલ્લા ઝાડ નીચે બેઠેલા છે. નથી કોઈ ઘર નથી દુકાન નથી કે કોઈ માણસ. સર્વત્ર જંગલી વૃક્ષોનું એકચક્રી સામ્રાજ્ય છવાયેલું છે. અમારા માટે મંદિરની ઝૂંપડી જ હતી. સરસ હતી. ચારે બાજુથી બંધ. હવાની એક આછી લહેર પણ અંદર પ્રવેશી શકે નહીં. આવશ્યક કાર્ય આટોપીને હું થોડો આજુ બાજુ લટાર મારવા નીકળ્યો. થોડે દૂર ખીણમાંથી ગંગાનો અવાજ આવતો હતો. દૂર ક્યાંક મોટું ઝાડ કાપતા હોય એવો કુહાડીનાં ઘાનો અવાજ આવતો હતો. પછી ખબર પડી કે આ જ મંદિરના બે સેવકો પડી ગયેલા ઝાડમાંથી થોડાક લાકડા કાપી રહ્યા હતા. થોડીવાર પછી પોલીસની ગાડી આવી એ બંનેને પકડીને લઈ ગઈ. ગુનો એ કે ‘જંગલમાં ઝાડ કાપી નાખ્યું.’ જોકે બંને સાવ નિર્દોષ હતા. હવાના તોફાનમાં જ ઝાડ તો કેટલાય દિવસ પૂર્વે પડી ગયું હતું. આ તો અન્નક્ષેત્ર માટે લાકડા ભેગા કરતા હતા, પણ કોઈ ભારેકર્મીએ આ બંનેના નામે ફરિયાદ કરી. છેક સાંજ સુધી બંને છૂટયા ન હતા. કહેવાય ને કે કલયુગમાં ‘ધર્મીના ઘરે ધાડ’. આમ તો જંગલમાંથી કેટલાય ઝાડ નજર સામે કપાઈ જતા હોય, છતાં કોઈ કંઈ ન બોલે. આ સંસાર જ આવો છે. દેવીઓ બકરાની બલિ માગે ‘હજુ સુધી કોઈએ વાઘ – ચિતાની બલી માગી નથી. કેમ? કમજોરને બધા બલિ ચઢાવે. અહીં પણ સાવ નિર્દોષ પરોપકારી બંને છોકરાઓ સાથે આવું જ થયું. આ જ તો છે સંસારની વિડંબના.’
વનસ્પતિ તરફ ધ્યાન ગયું તો જોયું ચારે બાજુ બ્રાહ્મી પથરાયેલ છે, જ્યાં નજર કરો ત્યાં માત્ર બ્રાહ્મી જ બ્રાહ્મી દેખાય. બ્રાહ્મીના નાના નાના હૃષ્ટ-પુષ્ટ તરોતાજા છોડવા અહીં જોવા મળ્યા. પૂર્વે પશ્ર્ચિમ ઘાટ કર્ણાટકમાં બ્રાહ્મી જોઈ હતી, પણ આટલી સુંદર નહીં. હિમાલય તો હિમાલય છે. સર્વ ઔષધિઓ રસ ભરપૂર હોય.
આખો દિવસ સરસ વીત્યો. સાંજે વિહાર આગળ વધ્યો. હવે તો ગંગોત્રી માત્ર ૧૦ કિ.મી. હતું. આજે સાંજે જ પહોંચી જઈએ. સવારે ૨૦ કિ.મી. ચાલ્યા હતા, થાક તો હજુ ઊતર્યો ન હતો. છતા આગળ વધવાનું જ વિચાર્યું. આવતી કાલે આખો દિવસ વિશ્રામ જ છે ને. અમે આગળ ચાલ્યા. વાતાવરણ સાફ છે. તડકો નથી તેમ વરસાદી વાદળા પણ નથી. ઠંડો ઠંડો મંદ-મંદ પવન વાય છે. હજુ તો ૧ કિ.મી. ચાલ્યા હતા, ત્યાં એક લોખંડી પુલ આવ્યો. પુલની પહેલા બોર્ડમાં લખેલું હતું. ‘પુલ ઉપર કોઈએ ઊભા રહેવું નહીં. કોઈએ ફોટા પાડવા નહીં. એક વાહન પુલ પર ચાલતું હોય તો બીજું જવા દેવું નહીં.’ અમે ચાલ્યા. પુલની નીચે જોયું તો ૫૦૦-૬૦૦ ફૂટ નીચે ઊંડી ખીણમાં એક સુભગ સલીલા પહાડી નદી દોડી જઈને ગંગામાં મળતી હતી. આટલી ભયંકર ઊંચાઈ પરથી નજર નાખતા જ ચક્કર આવી જાય. આ પુલ બનાવ્યો કેવી રીતે હશે. જ્યાંથી નદી આવતી હતી એ તરફ જોયું તો ઊંચા ઊંચા પહાડોની પતલી લાંબી કોતરમાંથી પાણી દોડી આવતું હતું. કોઈ અંધારિયા ખંડમાંથી આવે એવું લાગે. અમને તો વૈતાઢ્યની નીચેથી નિકળતી ગંગા નદી જેવો આભાસ થયો. આવી જ રીતે નિકળતી હશે ને. અમે તો ચાહીને દ્રશ્યપાન કર્યું. પુલ પાર કરી આગળ વધ્યા, ત્યાં ઉપર વાહનોનો અવાજ આવવા લાગ્યો. એટલે કે રોડ અહીંથી ઉપર જ છે. અમે શોર્ટકટમાં ઉપર ચઢી ગયા એક કિ.મી. ઓછું થઈ ગયું. આગળ ચાલ્યા કોઈ ઉતાર ચઢાવ નથી. સમતલ આગળ વધતા જતા હતા. દુર્ગમ પહાડોની વચ્ચેથી અમે ચાલતા હતા અને એવી જ વિકટ ઊંડી ખીણમાં ગંગા દોડી જતી હતી. આરામથી અમે ગંગોત્રી પહોંચી ગયા. લગભગ સાંજે સાડા સાતે તો ગંગોત્રી ગંગામંદિરના સામા કાંઠે ઈશાવાસ્યમ આશ્રમમાં અમારો આશ્રય થઈ ચૂક્યો છે. (ક્રમશ:)