સિક્વલની ઉત્કંઠા

મેટિની

‘ભૂલ ભૂલૈયા ૨’ની સફળતા પછી ફિલ્મની કથાનો તંતુ જાળવી બનાવવામાં આવતી નવી ફિલ્મ માટે દર્શકોમાં આતુરતા વધી ગઈ છે

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

શાહરૂખ ખાને કહી દીધું છે ખમી જાવ, પ્રશાંત નીલે ગ્રીન સિગ્નલ આપી દીધું છે, રોશન પિતા – પુત્ર થનગની રહ્યા છે, સલમાન – કેટરિના સજજ થઈ રહ્યાં છે, અક્ષય ફરી ઈશ્ર્વરનો સાક્ષાત્કાર કરાવશે, પરેશ રાવલ ફરી મનોરંજન કરશે વગેરે વગેરે. વાત ‘ભૂલભૂલૈયા ૨’ને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળ્યા પછી અન્ય હિન્દી અને સાઉથની ફિલ્મોની સિક્વલ જોવાની આતુરતા ફિલ્મના રસિયાઓમાં વધી છે. કોવિડ કાળમાં માત્ર ઘરની ચાર દીવાલો વચ્ચે એન્ટરટેઇનમેન્ટ મેળવી શક્યા પછી અપેક્ષા અને ઉત્સુકતા સાથે થિયેટર તરફ પાછા વળેલા મુખ્યત્વે હિન્દી ફિલ્મ જોનારા દર્શકોનો આ વર્ષે અપેક્ષાભંગ થયો હોવાનું કહેવામાં આવે છે. પહેલા આઠ મહિનામાં રિલીઝ થયેલી પચાસેક હિન્દી ફિલ્મોમાંથી ૧૦ ટકા પણ સફળ નથી થઈ. બીજી તરફ સાઉથની કેટલીક ફિલ્મો દક્ષિણની વિવિધ ભાષા ઉપરાંત હિન્દીમાં ડબ થઈને પણ તગડી કમાણી કરી રહી છે. સફળ હિન્દી ફિલ્મોની વાત કરીએ તો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’, ‘ભૂલભૂલૈયા – ૨’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘જુગ જુગ જિયો’ અને, અને કંઈ નહીં. વાર્તા પૂરી. આ ચારેય ફિલ્મના બોક્સ ઓફિસના કલેક્શનના સરવાળા કરતા ‘આરઆરઆર’ કે પછી ‘કેજીએફ ચેપ્ટર – ૨’નું એકલાનું કલેક્શન વધારે છે, બોલો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકંદરે ગમગીનીનું વાતાવરણ છે. અલબત્ત આ મહિને રિલીઝ થનારી ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘વિક્રમ વેધા’ સારા દિવસો પાછા લાવશે એવી આશા છે, પણ આ ફિલ્મોને બહિષ્કારનું ગ્રહણ લાગ્યું હોવાથી શું થાય કહી ન શકાય. આ વાતાવરણમાં દર્શકો બની રહેલી સિક્વલ પર મદાર બાંધીને બેઠા છે. સિક્વલ એટલે કોઈ ફિલ્મની કથા જ્યાં પૂરી હોય ત્યાંથી આગળ વધારી બનતી નવી ફિલ્મ. એનું સૌથી પ્રચલિત ઉદાહરણ છે યશરાજ ફિલ્મ્સની ‘ધૂમ’ (૨૦૦૪). લૂંટફાટ ચલાવતી મોટર બાઈક ગેંગ અને એને પકડવા આકાશ પાતાળ એક કરતી પોલીસ ફરતે આકાર લેતી કથાવાળી આ ફિલ્મને સારી સફળતા મળી. એને પગલે ’ધૂમ ૨’ (૨૦૦૬) અને ‘ધૂમ ૩” (૨૦૧૩) એમ બે સિક્વલ આવી, ત્રણેયમાં ચોર – પોલીસનો તંતુ હતો.
સિક્વલ બાબતે અત્યારે ચર્ચામાં છે ‘ડોન ૩’. અમિતાભ બચ્ચનની ‘ડોન’ (૧૯૭૮)ને થોડી આધુનિક બનાવી ફરહાન અખ્તરે શાહરુખ ખાનને લઈ ‘ડોન’ (૨૦૦૬) અને ‘ડોન ૨’ (૨૦૧૧) બનાવી. બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી. ૧૧ વર્ષ પછી ‘ડોન ૩’ બનાવવાના ચક્રો ગતિમાન થયા છે. અલબત્ત મળેલી માહિતી અનુસાર કિંગ ખાન અત્યારે બિઝી છે અને એને સ્ક્રિપ્ટ પસંદ નથી પડી. એમાં ફેરફાર થઈ સિક્વલ ક્યારે બને છે એ અત્યારે તો અટકળનો જ વિષય છે. બીજી જે સિક્વલની અત્યંત આતુરતા છે એ છે ‘હેરા ફેરી ૩’. કોમેડી ફિલ્મના ઈતિહાસમાં ઊંચા આસને બિરાજતી હેરા ફેરી (૨૦૦૦)નું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું હતું જ્યારે ‘ફિર હેરાફેરી’ (૨૦૦૬) નીરજ વોરાએ બનાવી હતી. નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ કરેલી જાહેરાત મુજબ ટૂંક સમયમાં જ કથા અને પાત્રોના ફેરફાર સાથે ‘હેરા ફેરી ૩’ બનશે જેમાં અગાઉની ફિલ્મોની જેમ જ અક્ષકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ હશે.
સલમાન ખાનની બ્લોકબસ્ટર ‘બજરંગી ભાઈજાન’(૨૦૧૫)ની સિક્વલ ‘પવનપુત્ર ભાઈજાન’ નામથી બનશે એવી જાહેરાત ફિલ્મના લેખક કે વી વિજયેન્દ્ર પ્રસાદ રાવે કરી છે. મિસ્ટર રાવ ‘બાહુબલી’ તેમ જ ‘આરઆરઆર’ના લેખક તરીકે ખ્યાતિ ધરાવે છે. ફિલ્મનો હીરો સલમાન જ હશે, પણ કથામાં ૧૦ વર્ષનો લિપ આવશે. મતલબ કે બજરંગી ભાઈજાન’ જ્યાં પૂરી થઈ હતી એથી દસેક વર્ષના સમય પછીની વાત એમાં હશે. સલમાનની જ એક્શન ફિલ્મ ‘એક થા ટાઈગર’ (૨૦૧૨) અને ‘ટાઈગર ઝિંદા હૈ’ (૨૦૧૭)ની સિક્વલ ‘ટાઈગર ૩’ વિશે પણ બહુ ઉત્સુકતા છે. ફિલ્મમાં શાહરુખ નાનકડા પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. દર્શકોમાં ‘ધૂમ ૪’ માટે પણ ઉત્કંઠા છે. અલબત્ત આ ફિલ્મનું ગાણું ઘણા સમયથી ગવાઈ રહ્યું છે પણ શૂટિંગ હજી શરૂ નથી થયું. સલમાન ખાન ધૂમ
મચાવશે એવું સંભળાઈ રહ્યું છે. ૧૦ વર્ષ પહેલા આવેલી અક્ષય કુમારની ‘ઓએમજી – ઓહ માય ગોડ’ની કથા (ઈશ્ર્વર પર કેસ કરતો મનુષ્ય) લોકોને નવાઈ પમાડી ગઈ હતી. ૧૦ વર્ષ પછી એની સિક્વલ ‘ઓએમજી ૨’ની જાહેરાતે જ દર્શકોને રોમાંચિત કરી દીધા છે. આ સિક્વલની પણ તીવ્ર ઉત્કંઠા છે.
રાકેશ – રિતિક રોશનની સુપરહીરો ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ (૨૦૦૩)ની ત્રણ સિક્વલ અત્યાર સુધી બની ગઈ છે. ‘ક્રિશ ૪’ના ઢોલ પણ ઘણા સમયથી વાગી રહ્યા છે પણ ગાડી હજી પાટે નથી ચડી. જોકે, પડદા પર ભવ્ય દર્શનનો આગ્રહ દર્શકોમાં હાલ વધુ જોવા મળી રહ્યો છે એ જોતા સુપરહીરોની ફિલ્મ માટે આ યોગ્ય સમય છે. આ સિવાય ‘ઈશ્ક વિશ્ર્ક રિબાઉન્ડ’, ‘ફુકરે ૩’, સાઉથની ‘પુષ્પા ૨’ અને ‘કેજીએફ ચેપ્ટર ૩’ માટે પણ જબરજસ્ત કુતૂહલ છે. આ વર્ષે ’પુષ્પા’ અને ‘કેજીએફ ૨’ને મળેલો અભૂતપૂર્વ આવકાર સિને પ્રેમીઓ નહીં ભૂલ્યા હોય.
——–
મૈયરમાં મનડું
નથી લાગતું
સિક્વલની વાત નીકળે ત્યારે ‘મિસ્ટર ઈન્ડિયા’નો નંબર લાગશે ખરો એવો સવાલ દરેક સિનેપ્રેમીને થયા વિના ન રહે. જેવા જેના અંજળપાણી. પહેલી સિક્વલ આજથી ૮૦ વર્ષ પહેલા આવી હોવાની નોંધ ફિલ્મ ઈતિહાસમાં છે. વાડિયા મુવિટોન બેનર હેઠળ ‘હંટરવાલી’ (૧૯૩૫) ફિલ્મ બની હતી. હોમી વાડિયા લિખિત – દિગ્દર્શિત આ ફિલ્મમાં ફિયરલેસ નાદિયા હિરોઈન હતી. અન્યાય સામે લડતી રાજકુમારીની કથા દર્શકોને પસંદ પડી અને ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી. આઠ વર્ષ પછી એની સિક્વલ ‘હંટરવાલી કી બેટી’ (૧૯૪૩) આવી જે હિન્દી ફિલ્મ ઈતિહાસની પહેલી સિક્વલ ગણાય છે. એમાં પણ હિરોઈન ફિયરલેસ નાદિયા જ હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર જ્વલંત સફળતાને વરી હતી. ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં સિક્વલનું નામોનિશાન નજરે નથી પડતું, જોકે, ગુજરાતી ફિલ્મોના અત્યંત સફળ અને કુશળ અભિનેતા હિતેન કુમારએ ‘મુંબઈ સમાચાર’ને આપેલી માહિતી મુજબ ગાંગાણી પ્રોડક્શનની જસવંત ગાંગાણી નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ (૨૦૦૧) બની હતી. આ ફિલ્મના મુખ્ય કલાકાર હતા હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, અરવિંદ ત્રિવેદી, દેવેન્દ્ર પંડિત. ફિલ્મ માટે અલકા યાજ્ઞિક અને અરવિંદ બારોટે ગાયેલું યુગલગીત ‘સાયબા મને નીંદરડી ના આવે રે’ લોકપ્રિય થયું હતું. બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થયેલી આ ફિલ્મને રાજ્ય સરકારના ૧૧ અવોર્ડ મળ્યા હોવાની નોંધ છે. આ ફિલ્મની સિક્વલ ‘મૈયરમાં મનડું નથી લાગતું ભાગ – ૨’ તરીકે રિલીઝ થઈ હતી. હીરો – હિરોઈન હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી જ હતા. જસવંત ગાંગાણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે રાજશ્રી પ્રોડક્શન સાથેની ભાગીદારીમાં ‘મૈયરમાં મનડું નથી લાગતું’ બંગાળી અને ઓરિયા ભાષામાં પણ બની હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.