ઋતુરાજ વસંતની આગમનની ઘડીયો ગણાય રહી છે. મહા મહિનાની સુદ પાંચમનો દિવસ વસંત પંચમીના નામે ઓળખાય છે. આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનનો પ્રારંભ વસંત ઋતુથી થાય છે. વસંતની જાણ શિશિર ઋતુને થઈ જાય છે અને તેથી જ કદાચ શિશિરઋતુ એની કાતિલ ઠંડી ઓઢીને ચૂપચાપ વિદાય લેવાની તૈયારી કરે છે.
પુષ્પોનું પૂર્ણ યૌવન એટલે વસંતઋતુ. વસંતઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવન સોળે કળાએ ખીલી ઊઠે છે. વસંત ઋતુના આગમન સાથે જ આંબામાં મોર આવા માંડે છે, કોયલનું કર્ણપ્રિય ગાન સાંભળવા મળે છે, કેસુડાના ફૂલ ધરતીને રંગબેરંગી કરી દે છે.
માનવજીવન ઉપર અન્ય ઋતુઓ કરતાંય વસંતની પ્રગાઢ અસર રહી છે. વનમાં જેમ કોયલ, આમ્રઘટાની મંજરીઓની માદક ગંધથી કૂજન કરી ઊઠે છે એમ માનવમનને પણ તે ઉત્સાહ અને ઉમંગથી તરબતર કરી દે છે.
વસંત પંચમી એટલે બ્રહ્માજીના માનસ પુત્રી માતા સરસ્વતીની પૂજા અને અર્ચનાનો દિવસ. એમ કહેવાય છે કે માતા સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માજીના માનસમાંથી પ્રગટ થયા હતા. તેથી જ આ દિવસે સરસ્વતી પૂજનનો અધિક મહિમા છે આ દિવસે ભગવાન વિષ્ણુને પણ પૂજા કરવામાં આવે છે કારણ કે સમગ્ર સૃષ્ટિના સંચાલક અને પ્રેરક અને રક્ષણહાર ભગવાન વિષ્ણુ છે.
વસંત પંચમીના દિવસે રતિ અને કામદેવની પણ પૂજા કરવામાં આવે છે. વસંત રંગીન છે માનવીના જીવનમાં ઉત્સાહ આનંદ ઉમંગ નો સંચાર કરનારી છે પ્રેમીઓના હૃદયના મિલનની ઋતુ છે. વસંતમાં માનવહૈયામાં પ્રેમ અને સ્નેહની ભરતી આવે છે. માનવી વિવિધ ઉત્સવોની ઉજવણી કરીને એનો આનંદ સામૂહિક રીતે વ્યક્ત કરે છે. માત્ર આપણે ત્યાં નહિ, જગતભરના બધા દેશોના લોકો વસંતઋતુને ભિન્ન ભિન્ન ઉત્સવો દ્વારા ઊજવે છે. આપણે ત્યાં આ ઋતુમાં વસંતપંચમી, હોળી અને ધૂળેટી આવે છે. ત્યારે આપણે પણ આ વસંતના રંગમાં રંગાઈને પ્રકૃતિની આ ભેટનો સ્વીકાર કરીને જીવનમાં નવી આશા, ઉત્સાહ, ઉમંગનો સંચાર કરીએ