(તસવીર: પ્રવીણ સેદાણી રાજકોટ)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુરુવારે સવારે ફૂલગુલાબી ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર- કચ્છની ૫૪ બેઠક પર મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતાર લાગી હતી. રાજકોટમાં રાજવી પરિવારનાં ઠાકોર સાહેબ માંધાતસિંહજી જાડેજા પરિવારે વિન્ટેજ કારમાં સવાર થઈ સહપરિવાર સાથે મતદાન કેન્દ્ર પર આવી મતદાન કર્યું હતું.
રાજકોટ જિલ્લાના ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે કૉંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું હતું. વસોયાએ પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ધોરાજીની ધમેન્દ્રસિંહજી કૉલેજના મેદાન ખાતે સેલ્ફી પોઇન્ટ એ મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને સેલ્ફી પોઇન્ટમાં યુવા મતદારોએ આંગણી પર શાહીના નિશાન સાથેની સેલ્ફી લઇ મતદાનના ઉત્સાહમાં વધારો કર્યો હતો. રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા બુથ નં.૨૩૬ ખાતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ધર્મપત્ની મીનલ ભાર્ગવ સાથે સામાન્ય મતદાન કર્યું હતું. રાજકોટમાં વરરાજાએ લગ્ન પહેલા રામનાથપરા જૂની જેલની સામે શાળા નંબર ૧૬ ખાતે મતદાન કર્યું હતું. વરરાજા કેવલ ભાવસાર મતદાન કરવા આવ્યા ત્યારે ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારે તેમને લગ્નની શુભકામના પાઠવી હતી.
જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાસે આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી તેઓ મતદાન કરતા રોકવામાં આવ્યા હતા જો કે ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જે બાદ માધાપર તાલુકા શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું.
અમરેલીમાં પરેશ ધાનાણી સાઇકલ પર ગેસની બોટલ સાથે લઇ જઇને મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ ઈશ્ર્વરીયા મહાદેવના દર્શન કરીને મતદાન કર્યું હતું.
ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ સોલંકીએ મતદાન કર્યું હતું. તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગર લોકસભાના સાંસદ ડૉ. ભારતીબેન ધીરુભાઈ શિયાળ તેના પરિવાર સાથે તળાજા તાલુકાના મથાવાડા ગામે મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. જ્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઇ માંડવીયાએ પોતાના પરિવાર સાથે વતન પાલીતાણાના હનોલ ગામે મતદાન કર્યું હતું. મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે સવારે મતદાન શરૂ થયુ હતું. મોરબીમાં મોકપોલ વખતે ૬ ક્ધટ્રોલ યુનિટ, ૩ બેલેટ યુનિટ અને ૪ વિવિપેટ ખરાબ થયા હતા. તાત્કાલિક ધોરણે ૧૩ ઇવીએમ મશીન બદલવામાં આવ્યા હતા. નાના ભેલા, રંગપર, કાજરડા, અંજીયાસર અને મોરબી શહેરના ત્રણ ઇવીએમ ખરાબ થયા હતા. જ્યારે વાંકાનેર બેઠકમાં ૧૭ ઈવીએમ બદલવામાં આવ્યા હતા. આ રીતે ટંકારા પડધરી વિધાનસભા બેઠકમાં મોકપોલ દરમિયાન ૨ બેલેટ યુનિટ, ૨ કંટ્રોલ યુનિટ અને એક વીવીપેટ બદલવા પડ્યા અને મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં મતદાન શરૂઆત પહેલા મોકપોલ દરમિયાન કુલ ૩૨ ઈવીએમ બદલવા પડ્યા હતા. જૂનાગઢના ઉનાના ખાપટ ગામે ઢોલ નગારાના તાલે ૧૫૦ લોકો એકસાથે મળી મતદાન કરવા પહોંચ્યા હતા. ભવનાથમાં ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરી બાપુએ મતદાન કર્યું છે. ગીરનાર મહામંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ પણ મતદાન કર્યું હતું. ભાવનગરમાં સદી વટાવી ચૂકેલા ગોળીબાર મંદિરના મહંત મદન મોહનદાસ બાપુએ મતદાન કર્યું હતું. મદન મોહનદાસ બાપુની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
સૌરાષ્ટ્રમાં ફૂલગુલાબી ઠંડીમાં મતદારોની લાંબી કતાર
RELATED ARTICLES