Homeદેશ વિદેશહાશ! જથ્થાબંધ અને છુટક ભાવ આધારિત ફુગાવો ઘટ્યો

હાશ! જથ્થાબંધ અને છુટક ભાવ આધારિત ફુગાવો ઘટ્યો

નવી દિલ્હી: ખાદ્યપદાર્થો, ઇંધણ અને ઉત્પાદિત વસ્તુઓના ભાવોમાં ઘટાડો થતાં ઑક્ટોબર મહિનાનો જથ્થાબંધ ભાવ નિર્દેશાંક પર આધારિત ફુગાવો ૧૯ મહિનામાં પહેલી વખત નીચે ઊતરીને ૮.૩૯ ટકા નોંધાયો હતો. જથ્થાબંધ ભાવ નિર્દેશાંક પર આધારિત ફુગાવામાં ઘટાડાનો સિલસિલો સતત પાંચમા મહિને ચાલતો રહ્યો હતો. દોઢ વર્ષના ગાળા પછી જથ્થાબંધ ભાવ નિર્દેશાંક પર આધારિત ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધાયો છે.
ફુગાવો ઘટતાં ભાવવધારો નિયંત્રણમાં રાખવાની મથામણ કરતા રિઝર્વ બૅન્કના તંત્રને રાહત થઈ છે.
દરમિયાન, રિટેલ ફુગાવાનો દર સપ્ટેમ્બર મહિનાના ૭.૪૧ ટકાથી ઘટીને ઑક્ટોબર મહિનામાં ૬.૭૭ ટકા નોંધાયો હતો. અનાજ અને ખાદ્યપદાર્થોના ભાવ ઘટતાં રિટેલ ફુગાવો પણ ઘટ્યો હતો. જોકે, ફુગાવા બાબતે છેલ્લા દસ મહિનાથી ચાલતી ચિંતાની સ્થિતિ હજુ હળવી થઈ નથી. કેન્દ્ર સરકારે સોમવારે જાહેર કરેલી વિગતો અનુસાર રિટેલ ફુગાવા પર આધારિત ગ્રાહક ભાવ નિર્દેશાંક ગયા જાન્યુઆરી મહિનાથી છ ટકાથી વધુ રહ્યો છે.
સોમવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઑક્ટોબર મહિનાના જથ્થાબંધ ભાવ નિર્દેશાંકના આંકડા પ્રકાશિત કરતાં જણાવ્યું હતું કે ઑક્ટોબર મહિનામાં ફુગાવાનો દર નિયંત્રિત રહેવાનું મુખ્ય કારણ મુખ્યત્વે ખનિજો, ખનિજ તેલો, કાપડ ઉત્પાદનો, ધાતુઓ, ફેબ્રિકેટેડ મેટલ પ્રોડક્ટ્સ (યંત્રો અને સાધનો સિવાયના)ના ભાવોમાં ઘટાડો ગણાય છે. શાકભાજી, બટાકા, કાંદા, ફળો, ઇંડા, માંસ અને માછલીઓના ભાવ ઘટ્યા હતા અને ડાંગર, ઘઉં તથા દાળ-કઠોળના ભાવોમાં વધારો નોંધાયો હતો.
તેલીબિયાંના ભાવ (માઇનસ) ૫.૩૬ ટકાના નીચા દરે હતા અને ખનિજોના ભાવ ૩.૮૬ ટકાના ઊંચા દરે હતા. ઇંધણ અને ઊર્જાના દર ઘટીને ૨૩.૧૭ ટકા પર રહ્યા હતા અને ઉત્પાદિત વસ્તુઓના ભાવ ૪.૪૨ ટકા હતા. ખાદ્યપદાર્થોમાં ઑક્ટોબર મહિનાનો ફુગાવો ૮.૩૩ ટકા અને સપ્ટેમ્બર મહિનાનો ફુગાવો ૧૧.૦૩ ટકા હતો. શાકભાજીમાં ફુગાવો ઑક્ટોબર મહિનામાં ૧૭.૬૧ ટકા અને સપ્ટેમ્બર મહિનામાં ૩૯.૬૬ ટકા હતો. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular