હાશ! મેઘરાજાએ પોરો ખાતા મુંબઈગરા બચી ગયા

આમચી મુંબઈ

મોટી ભરતી :શુક્રવારે ગેટ વે ઓફ ઈન્ડિયાની નજીક સમુદ્રમાં મોટી ભરતી જોવા મળી હતી. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં શુક્રવારે વરસાદે પોરો ખાતા મુંબઈગરાની સાથે જ પ્રશાસને પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો. શુક્રવારે આ મહિનાની મોટી ભરતી હોવાથી એ સમય દરમિયાન વરસાદ પડ્યો તો મુંબઈ જળબંબાકાર થવાની શક્યતા હતી, પરંતુ વરસાદે પોરો ખાતા સંકટ ટળી ગયું હતું.
મુંબઈમાં છેલ્લા પંદર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારના મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદ હતો. જોકે બપોર બાદ તે પણ બંધ થઈ ગયો હતો. આ દરમિયાન શુક્રવારે જુલાઈ મહિનાની સૌથી મોટી ભરતી હતી. આજે બપોરના ૧.૨૨ વાગ્યાથી મોટી ભરતી હતી. આ સમયે દરિયામાં ૪.૮૭ મીટરથી પણ ઊંચા મોજાં ઉછળ્યાં હતાં. તેથી જો સમય દરમિયાન જો વરસાદ હોત તો મુંબઈમાં ચોતરફ પાણી ભરાવવાની શક્યતા હતી, પરંતુ છૂટોછવાયો વરસાદને બાદ કરતા આખો દિવસ કોરો રહેતા પાલિકા પ્રશાસનની ચિંતા દૂર થઈ ગઈ હતી.
ગુરુવાર સવારના ૮.૩૦ વાગ્યાથી શુક્રવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયગાળામાં તળ મુંબઈમાં ૩૦.૨૬ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૪૮.૯૨ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૫૧.૩૬ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. ઝાડ તૂટી પડવાના અને ઘરની દીવાલ તૂટી પડવાના છૂટક બનાવ બન્યા હતા.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.