મુંબઈઃ આગામી વર્ષે મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નિશ્ચિત છે. મહારાષ્ટ્ર રાજ્યના ભાજપ (ભારતીય જનતા પક્ષ)ના નેતાઓની વચ્ચે અત્યારે ચર્ચા-વિચારણા ચાલી રહી છે કે બંને ચૂંટણી એકસાથે યોજવી કે નહીં. પક્ષમાં એક જૂથ માને છે કે બંને ચૂંટણી એકસાથે યોજવામાં આવે, જ્યારે બીજું એક જૂથ ઈચ્છે છે કે જો એકસાથે ચૂંટણી યોજવામાં આવે તો મોદી ફેક્ટરનો ફાયદો શિંદે-ભાજપના ગઠબંધનને થઈ શકે છે. વાસ્તવમાં અમુક લોકોને લાગે છે કે તેનો સીધો લાભ ભાજપને મળી શકે છે, જ્યારે એક જૂથ ઈચ્છે છે કે આ બંને ચૂંટણી અલગ અલગ રીતે યોજવામાં આવે. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ દરેક પ્રકારના લાભ-ગેરલાભનું વિશ્લેષણ કરી રહ્યા છે.
આ મુદ્દા પર ભાજપના એક મોટા નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે હાલમાં આ મુદ્દા પર ચર્ચા વિચારણા ચોક્કસ ચાલી રહી છે. આ બાબતે અન્ય એક નેતાએ કહ્યું હતું કે આ ફક્ત એક નેતા વિચારતા નથી, પરંતુ અલગ અલગ મતવિસ્તારના પક્ષના કાર્યકર્તાઓને પણ જણાવવામાં આવી છે. ત્યારબાદ પક્ષના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં તો આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે ચર્ચા ચાલી રહી છે. આ બાબતમાં મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે હાલના તબક્કે મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ જિલ્લાની મુલાકાત કરી હતી અને શરુઆત વિદર્ભમાં કરી હતી. ચૂંટણીની તૈયારી ફક્ત એક મહિનામાં પૂરી થઈ ના શકે અને એના માટે થોડો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેનો પ્રયોગ 1999માં કરવામાં આવ્યો હતો. એ વખતે ખાસ કરીને શિવસેના અને ભાજપને સૌથી વધારે નુકસાન થયું હતું.