સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં પણ સરકાર અને વિપક્ષ સામસામે છે. લોકસભા અને રાજ્યસભામાં આજે પણ હોબાળો ચાલુ છે. આજે મંગળવારે આ હોબાળાને કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તે જ સમયે, રાજ્યસભામાં હોબાળા વચ્ચે સભ્યોએ ભારતીય ફિલ્મો આરઆરઆર અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સને ઓસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ભાજપના સાંસદો રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, “દેશમાં તાનાશાહી કોણે કરી, તેમની પાર્ટીમાં કેવા પ્રકારની સરમુખત્યારશાહી ચાલી રહી છે અને ખડગે જી સાથે કેવું વર્તન કરવામાં આવે છે તે બધા જાણે છે. રાહુલ ગાંધી અને તેમની ડ્રામા કંપની તે એવું લાગે છે કે તેઓ દેશ પર શાસન કરવા માટે જન્મ્યા છે, તે તેમની સરમુખત્યારશાહી ચલાવે છે. ગૃહમાં તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેમણે બહારના દેશોને ભારતના મામલામાં હસ્તક્ષેપ કરવા કહ્યું, તેથી અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી માફી માંગે.”
ગૃહ સ્થગિત થયા બાદ કોંગ્રેસના સાંસદોએ સંસદમાં જ સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે ખુદ સરકાર જ ગૃહની કાર્યવાહી ચલાવવા નથી ઈચ્છતી. બીજી તરફ કોંગ્રેસે અદાણી વિવાદ સહિત વિવિધ મુદ્દે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.