‘લોગો’ બની જાય અને જોઈએ તો લાગે આમાં શું મોટી વાત છે. આતો અમે પણ બનાવી શકીએે, બરાબર? આ દેખાય છે તેટલું સરળ કાર્ય નથી. ‘લોગો’ બનાવવા માટે વિશિષ્ટ વિચાર, કૌશલ્ય અને સર્જનાત્ત્મકતાનો ગુણ હોવો જોઈએ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હે કહેના’ આ ગીતથી આપણે વાકેફ છીએ. અહીં આ ગીતની શબ્દોને આપણા કંપનીના લોગો, સિમ્બોલની સાથે સરખાવવાનું છે. લોગો અને સિમ્બોલનું કામ છે તમારા વિશે, તમારી કંપનીના વિશે લોકોને કહે. તે જોઈને લોકો આકર્ષિત થવા જોઈએ અને એક ક્ષણમાં તમે શું છો ની જાણ અપાવે. આનું મહત્ત્વ કેટલું મોટુ છે તે જાણવા છતા ઘણા વેપારીઓ આના તરફ દુર્લક્ષતા સેવે છે. તેમને લાગે છે કે કઈ પણ બનાવી લઈશું, શું ફરક પડે છે, કંપનીનું નામ વંચાય અને સરનામું, કોન્ટેક્ટ નંબર દેખાય એટલે કામ પત્યુ. આ વિચારધારા વેપારીઓને લાંબા ગાળાની મોટી બ્રાન્ડ બનતા રોકે છે. જ્યારે ગ્રાહક એક ચોક્કસ બ્રાન્ડ ઇચ્છતો હોય છે ત્યારે તે બ્રાન્ડ પછવાડેની આઇડિયા, ફિલોસોફી ખરીદતો હોય છે અને તે આઇડિયા કે ફિલોસોફીને ઉજાગર કરે છે તે બ્રાન્ડનો ‘લોગો’.
આપણે સૌ પ્રથમ એ સમજવું જોઈએ કે ‘લોગો‘ના સિમ્બોલનો મુખ્ય હેતુ શું છે. ‘લોગો’ને તરત જ ઓળખી શકાય તેવો, પ્રેરણાદાયક, વિશ્ર્વાસ, પ્રશંસા, વફાદારી અને તમારા ક્ષેત્રમાં તમારી શ્રેષ્ઠતા બતાવતો હોવો જોઈએ. ‘લોગો’એ કંપનીની વ્યાપારી બ્રાન્ડ અથવા આર્થિક એન્ટિટીનું એક પાસું છે અને તેના આકાર, રંગો, ફોન્ટ્સ વગેરે સામાન્ય રીતે તમારા પ્રતિસ્પર્ધીના અન્ય ‘લોગો’થી નોંધપાત્ર રીતે અલગ હોય અને તમારી કંપની કે બ્રાન્ડને ઓળખવા માટે વપરાય.
સારો ‘લોગો’ વિશિષ્ટ, યોગ્ય, વ્યવહારું, ગ્રાફિક અને સરળ સ્વરૂપમાં હોવો જોઈએ. સામાન્ય રીતે અસરકારક ‘લોગો’ની પાછળ એક સ્પષ્ટ વિચાર અથવા ‘અર્થ’ હોય છે. કેટલાકને આશ્ર્ચર્ય થાય છે કે સારો ‘લોગો’ બનાવવા સ્પેશ્યલ ડિઝાઈનર કેમ જોઈએ, આટલું મુશ્કેલ શું છે.
જયારે ‘લોગો’ બની જાય અને જોઈએ તો લાગે આમાં શું મોટી વાત છે. આતો અમે પણ બનાવી શકીએે, બરાબર? આ દેખાય છે તેટલું સરળ કાર્ય નથી. ‘લોગો’ બનાવવા માટે વિશિષ્ટ વિચાર, કૌશલ્ય અને સર્જનાત્ત્મકતાનો ગુણ હોવો જોઈએ. ‘લોગો’ની આવશ્યકતા વિશે વાત કરતા પહેલા આને બનાવવાની પ્રક્રિયા વિશે જાણવાની કોશિશ કરીએે. ‘લોગો’ બનાવતી વખતે ડિઝાઈનર એવી પ્રક્રિયાને અનુસરે છે કે જે ખાતરી કરે કે તેની અંતિમ ડિઝાઇન ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે. એક પ્રોફેશનલ ‘લોગો’ ડિઝાઇનર કઇ પ્રક્રિયાને અનુસરે છે, તેને જાણવાનો પ્રયત્ન કરીયે.
સૌપ્રથમ ડિઝાઇન બ્રીફ બનાવે. ડિઝાઇન બ્રીફ મેળવવા માટે ક્લાયન્ટ સાથે બેસે, તેમને પ્રશ્ર્નો પૂછે અથવા ઇન્ટરવ્યુ લે અને તેમની માનસિકતા, વિચારધારા, હેતુ, વિઝન, મિશન, વેલ્યુ વગેરે જાણે. ત્યારબાદ ‘લોગો’ ડિઝાઇન પર સંશોધન કરે કે જે સફળ રહી છે અને વર્તમાન શૈલીઓ અને વલણો કે જે ડિઝાઇન બ્રીફ સાથે સંબંધિત હોઈ શકે છે.
ટ્રેન્ડ અથવા વલણોને અનુસરો કારણ લોગો ડિઝાઇનમાં લાંબા ગાળાનો ઉદ્ેશ્ય મુખ્ય છે. આની માહિતી મળ્યા પછી ડ્રોઈંગ બોર્ડ પર જાય. બ્રીફ અને તમારા સંશોધનની આસપાસ ‘લોગો’ ડિઝાઇનની આઈડિયા / ખ્યાલ વિકસાવે. આ ડિઝાઇન પ્રક્રિયાનો એકમાત્ર સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે.
સર્જનાત્ત્મક બનો અને પ્રેરિત બનો. કોઈપણ વિચાર કાગળ પર આવતા પહેલા તમારા મગજમાં આકાર લે છે. તમારા વિચારોને રોકો નહીં, વિવિધ પાસાઓ, વિવિધ દિશાઓમાં વિચારો જેથી તમે નવી રચના કરી શકો. ડિઝાઇન સમય નથી માગતું, પણ તેની પાછળનો વિચાર સ્પષ્ટતા સમય માગી લે છે. આ થયા બાદ આજની તારીખે કમ્પ્યુટરની મદદ લઇ ડિઝાઇન કરવું સરળ છે.
ડિઝાઇન કર્યા પછી તેને થોડો સમય માટે તે છોડી દે છે. ફરીથી ફ્રેશ અભિગમ સાથે તેને જોવે અને જો તેને તે ત્યારે પણ આકર્ષે તો તેને તમારી બ્રાન્ડ માટે પસંદ કરશે. જેટલું આ લખી અને વાંચવું સહેલું લાગે છે તેટલું સહેલું બનાવવું નથી હોતું તેની નોંધ લેવી.
ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તેમ, સારો ‘લોગો’ વિશિષ્ટ, યોગ્ય, વ્યવહારુ, ગ્રાફિક અને સરળ સ્વરૂપમાં હોવો જોઈએ, તેમ તેને લાંબા ગાળાનો બનાવવા તમારી ડિઝાઇનને આ તમામ માપદંડોની સાથે સરખાવો. તે સરળ હોવો જોઈએ. સરળતા, ‘લોગો’ ડિઝાઇનને સરળતાથી ઓળખી શકાય તેવી, બહુમુખી અને યાદગાર બનાવે છે.
જેમ કે નાઈકીનું સ્વુશ, એપલનું બાઈટ કરેલું સફરજન.
સરળતાના આ સિદ્ધાંતને બારીકાઈથી અનુસરવું એ યાદશક્તિ છે. અસરકારક ‘લોગો’ ડિઝાઇન યાદગાર હોવી જોઈએ, જે તેને સરળ છતાં યોગ્ય રાખીને પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે મેકડોનાલ્ડ્સનો ખ આપણા મગજમાં સ્થિર થયેલો છે. અસરકારક ‘લોગો’ કાલાતીત હોવો જોઈએ. શું તમારો ‘લોગો’ તમારા સમયની કસોટી પર ખરો ઊતરશે? શું તે હજુ પણ ૧૦, ૨૦ કે ૫૦ વર્ષમાં અસરકારક રહેશે? ઉદાહરણ તરીકે રેલ્વે સ્ટેશનના સાઈન બોર્ડસ.
અસરકારક ‘લોગો’ વિવિધ મીડિયા અને એપ્લિકેશન્સમાં કામ કરે છે. આ કારણોસર ‘લોગો’ વિવિધ માધ્યમોમાં અને સાઈઝમાં છાપવામાં આવે તો પણ અસરકારક રહે તેની કાળજી લેવી. તેને કલર
તથા બ્લેક એન્ડ વાઈટ બન્નેમાં બનાવો. તમારો ‘લોગો’ તમારા ટાર્ગેટ ઑડીએન્સ માટે યોગ્ય હોવો જોઈએ. ઉદાહરણ તરીકે બાળકોના રમકડાની દુકાન માટેના ‘લોગો’ માટે બાળકો જેવા ફોન્ટ અને રંગ યોજના યોગ્ય રહેશે, કોર્પોરેટ કંપની માટે તેને અનુરૂપ ‘લોગો’ બનાવો. આમ ‘લોગો’ સરળ, યાદગાર, કાલાતીત અને બહુમુખી હોવો જોઈએ.
આપણે સાંભળ્યું છે કે ‘ફર્સ્ટ ઇન્પ્રેશન ઇસ ધ લાસ્ટ ઇન્પ્રેશન.’ જ્યારે આપણી બ્રાન્ડ ક્ધઝયુમરને, સપ્લાયરને કે કોઈપણ બીજી કંપનીને અપ્રોચ કરે છે, ત્યારે સૌપ્રથમ આપણી કંપનીનું ઇંટ્રોડક્શન આપણા ‘લોગો’ થકી થાય છે. તમે જ્યારે સામેવાળી વ્યક્તિને તમારુ વિઝિટિંગ કાર્ડ આપો છો ત્યારે તમારો ‘લોગો’ જોઈ તમારી કંપનીના વિશે પહેલો મત તે બાંધી લે છે. ઈફેક્ટિવ લોગો તમારી માર્કેટમાં રેપ્યુટેશન વધારશે, તમારા પ્રતિસ્પર્ધીથી તમને અલગ તારવશે અને બ્રાન્ડના મૂલ્યો થકી તમારા ઘરાકોને તમારા તરફ આકર્ષશે.
બ્રાન્ડ ‘લોગો’ એ તમારા વેપારની આઇડેેંટિટી છે અને તે તમારી કંપનીની અતી મૂલ્યવાન અસેટ છે. મનુષ્યનું મગજ, શબ્દો કરતા ઇમેજીસ / પ્રતીકોને વધુ જડપથી પ્રોસેસ કરે છે. તેથી જો તમારો ‘બ્રાન્ડ લોગો’ આકર્ષક હશે તો ગ્રાહકને તમે તમારી બ્રાન્ડ જડપથી અને અસરકારક રીતે વેચી શકશો. વ્યવસ્થિત રીતે ડિઝાઇન થયેલો ‘લોગો’ તમારા અપેક્ષિત ગ્રાહકને પણ વિશ્ર્વાસ આપશે કે તમારી કંપની કે બ્રાન્ડ એક પ્રતિષ્ઠિત કંપની છે.
સફળ ‘લોગો’ તે છે જે તમારો વેપાર શું છે તે સરળતાથી લોકોને સમજાવી શકે. તમારી વિચારધારા લોકો સમક્ષ મૂકી શકે અને તમારા ગ્રાહકને વિચારતો કરે કે તમારી બ્રાન્ડ બીજી બ્રાન્ડ કરતા અલગ છે અને કશૂક નવુ આપવા માગે છે. ‘બ્રાન્ડ લોગો’ બનાવતી વખતે તમારે તકેદારી રાખવાની છે કે તે તમારા મૂલ્યોને અને વિચારધારાને ઉજાગર કરે તથા તમારા ટાર્ગેટ ઓડિયેન્સને ધ્યાનમાં રાખી તેનું નિર્માણ થાય. આમ ‘લોગો’ તમારો સેલ્સમેન બની જશે અને લોકોને તમારા વેપાર વિશે જોતાંની સાથે માહિતી આપશે, કારણ ‘લોગો’ કા કામ હે કહેના.