લોગ લોગોં કા ખૂન પીતે હૈ, હમને તો ફિર ભી મયકશી કી હૈ

વીક એન્ડ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

ભૂલા દિયા હૈ મુઝે
દિલે બે-મુદ્દઆ દિયા હૈ મુઝે,
દેને વાલે ને કયા દિયા હૈ મુઝે?
દોસ્તોં ને દિયે હૈં ઝખમ કહાં?
દોસ્તી કા સિલા દિયા હૈ મુઝે.
મુઝકો દુનિયા કા તજરૂબા હી નહીં,
તજરૂબે ને બતા દિયા હૈ મુઝે.
જિંદગી સે તો કયા શિકાયત હો,
મૌતને ભી ભૂલા દિયા હૈ મુઝે.
જબ ભી ઘબરા ગયા હૂં મૈં ગમ સે,
ગમને ખુદ આસરા દિયા હૈ મુઝે.
– નરેશકુમાર ‘શાહ’
પોતાની ટકોરાબદ્ધ ૬૦ ગઝલો માત્ર ૬૦ રૂપિયામાં વેચી નાખનાર લાચાર, વિવશ, મજબૂર શાયર નરેશકુમાર ‘શાહ’નો જન્મ પંજાબના જાલંધર જિલ્લાથી ૧૫ માઈલ દૂર નકોદર નામે ગામમાં ગરીબ પરિવારમાં ઈ.સ. ૧૯૨૩ની સાલમાં થયો હતો. તેમના પિતા ઉર્દૂ ભાષાના અઠવાડિકમાં તંત્રી વિભાગમાં કામ કરતા હતા. બાળક નરેશ પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમણે ગઝલો લખવાનું આરંભી દીધું હતું. ઉપનામ ‘શાહ’ રાખ્યું. આરંભ કાળમાં તેમણે ત્રિલોકચંદ ‘મહરુમ’ અને ‘જોશ’ મલ્સિયાની જેવા ગઝલ ગુરુઓ પાસેથી ગઝલલેખનની તાલીમ મેળવી હતી. આ શાયર તેમની ૪૬ વર્ષની જિંદગીમાં કદી પણ એક જ સ્થળે રહી શક્યા નહોતા. આજીવિકા માટે તેમને લાહોર, રાવલપિંડી, અમૃતસર, જાલંધર, પટિયાલા, કપૂરથલા, દિલ્હી, કાનપુર, અલ્લાહાબાદ, લખનઊમાં રઝળપાટ કરવી પડી હતી. છતાં સતત સ્થળાંતરને લીધે તેમનો ઈરાદો-આત્મવિશ્ર્વાસ કયારેય ડગ્યો નહોતો.
હિન્દુસ્તાનનું વિભાજન થયું તે ગાળામાં થયેલા ભયંકર રક્તપાતને લીધે આ કોમળ દિલના શાયર ભીતરથી હચમચી ઉઠયા હતા. આ દુર્ઘટનાએ તેમની શાયરીની દિશા જ બદલી નાખી હતી. ત્યાર પછી લખાયેલી તેમની ગઝલોમાં રંગીનીને બદલે ગંભીર ચિંતન અને ગમગીનીના તાણાવાણા જોવા મળે છે.
‘શાહ’ની ગઝલોનાં પુસ્તકોમાં ‘દસ્તક’, ‘આહટેં’, ‘આયાતે જૂનું’, ‘ફરિયાદ’, ‘કાશે’, ‘ફવાર’ અને ‘બુતકદા’નો સમાવેશ થાય છે. તેમની રચનાઓમાં દર્દ, પીડા, નિરાશા-હતાશા, બરબાદી, પલાયનવાદ, આક્રોશનું સ્વચ્છ વણાટકામ જોવા મળે છે. મશહૂર સાહિત્યકાર ‘ફિક્ર’ તોંસવીએ લખ્યું છે: “યહ હકીકત હૈ કી શાહને અપની મૌજૂદા જિંદગી કી ટૂટી-ફૂટી ઈમારત ભી સિર્ફ અપને હી બલ-બૂતે પર ખડી કી હૈ. પ્રતિભા કી ચિનગારી ઉસકે નસીબમેં થી, ઉસને ઉસે બુઝને નહીં દિયા. બલકી લગાતાર કડી ઔર ખૌફનાક જદ્દો-જહદ (સંઘર્ષ) કરકે, ઉસને ઉસ ચિનગારી કોં ચમકાયે રખા. ઉસે ફૂંક દે-દેકર હવા દેતા રહા. ઉસને જહાં ભી વિવેક કે અંગારે ઉડતે હુવે દેખે, વહાં લપકકર અપની ચિનગારી લિયે હુવે પહોંચા ઔર ઉન શોલોં સે પ્રકાશ-જ્યોતિ ગ્રહણ કરકે અપની ચિનગારી કો શોલા બનાને કી ધુન મેં લગા રહા. ઉસ કી ઈસ સંઘર્ષ કી કહાની ન સિર્ફ લમ્બી હૈ, બલ્કી તેઝ રફતાર ભી.
નરેશકુમારના સમકાલીન શાયર અને નજીકના દોસ્ત ‘મજાઝ’ લખનવી (૧૯૧૧-૧૯૫૫) સાથેની ઘનિષ્ઠ મૈત્રીને લીધે ‘શાહ’ વધુ ને વધુ સુરાપાન તરફ ઢળી ગયા હતા. મયકશી જાણે કે તેમની રોજિંદી અનિવાર્યતા બની ગઈ હતી. ૧૯૫૬ની સાલમાં તેમના પર લકવાનો હુમલો થયો હતો. આ શાયર દિવસે દિવસે ભાંગતા ગયા હતા. તેમણે કોઈ અકળ કારણોસર દિલ્હીની જમુના નદીમાં કુદીને ૨૦ મે ૧૯૬૯ના રોજ પોતાની જિંદગી પર પરદો પાડી દીધો હતો. આમ શાયરીની ચિનગારી અગ્નિતાંડવનું રૂપ લે તે પહેલાં હંમેશ માટે બુઝી જવા પામી હતી.
આ શાયરના થોડાક શે’રનું હવે રસદર્શન કરીએ:
* જિંદગી નામ હૈ જુદાઈ કા,
આપ આયે તો મુઝકો યાદ આયા.
જીવન એ તો વિયોગનું (બીજું) નામ છે. તમે આવ્યાં ત્યારે મને આ વાત યાદ આવી.
* તેરે પ્યાર ભરે નયનોં મેં,
આંસૂ હૈં યા શે’ર ગઝલ કે.
તારી આ પ્રેમસભર આંખોમાં આંસુ છે કે ગઝલના શે’ર છે? (છેવટે શું છે? એ જ સમજાતું નથી.)
* હમ અપને દર્દ કી તૌહીન કર ગએ હોતે,
અગર શરાબ ન હોતી તો મર ગયે હોતે.
અમે અમારી વ્યથા-વેદનાનું પણ અપમાન કરી નાખતે. જો શરાબ ન હોત તો અમે (કયારના) મૃત્યુ પામ્યા હોત.
* તીરગી હો કે નૂર પીતે હૈં,
પીને વાલે જરૂર પીતે હૈં,
હજરતે-શૈખ મય નહીં પીતે,
બાદા-એ-ચશ્મે હૂર પીતે હેં.
ઉર્દૂ-હિન્દી શાયરીમાં શેખ, મૌલવી, ઝાહિદ, પંડિત, ભક્તનાં પાત્રોનો ઘણી વેળા હાસ્યાસ્પદ ઉલ્લેખ જોવા મળે છે. અહીં ‘શાહ’ પણ એ જ વાત કરી રહ્યા છે. અંધકાર હો કે ઉજાસ (રાત હોય કે દિવસ) સુરાપાનની આદત ધરાવતા લોકો તો જરૂર પીતા હોય છે. આ હજરત શેખ દેખીતી રીતે સુરાપાન નથી કરતા. તેઓ તો સ્વર્ગની અપ્સરાની આંખોમાંથી નીતરતી શરાબ જ પીવે છે.
* એક શબ ગુજરી થી તેરે ગેસુઓં કી છાંવ મેં,
ઉમ્રભર બેખ્વાબિયાં મેરા મુકદ્દર હો ગઈ.
તારા વાળ (કેશ)ની છાયામાં મેં માત્ર એક રાત્રિ પસાર કરી હતી. પણ જુઓ તો ખરા! અનિદ્રા એ જ મારી આખી જિંદગીનું નસીબ બની ગઈ.
* ઉસી કે જોરોસિતમ કા તો ઈક બહાના થા,
હમારે દિલ કો બહરહાલ ટૂટ જાના થા.
કોઈનો (મારા પરનો) અત્યાચાર એ તો માત્ર એક બહાનું હતું. કેમ કે, અમારા દિલને તો ગમે તે રીતે, ગમે તે પરિસ્થિતિમાં તૂટવાનું જ હતું. (એ સિવાય ક્યાં કશો આરો-વારો હતો)
* યહી દિલ જો તુમ્હારી હી તમન્નાઓં કા મસકન થા,
ઈસી કો અબ તુમ્હારી યાદ ભી મુશ્કીલ સે આતી હૈ.
આ (મારું) હૃદય તો તમારી આશાઓનું નિવાસસ્થાન હતું. (પરંતુ હવે તેની હાલત તો જુઓ!) હવે આ હૃદયને તમારું સ્મરણ કરતા ય મુશ્કેલી પડે છે.
* કુછ ઐસા ખો ગયા હૂં તેરી જલવા-ગાહ મેં,
મહસૂસ હો રહી હૈ ખુદ અપની કમી મુઝે.
તારા શણગાર કરવાની જગ્યાએ (સ્થાનમાં) હું એવો ખોવાઈ ગયો છું કે તેનું હું કયા શબ્દોમાં વર્ણન કરું! અહીં તો મને મારો પોતાનો અભાવ જ સાલી રહ્યો છે.
* જિંદગી મેં બડા ઉજાલા હૈ,
મેહઝબીનોં કી મહેરબાની સે.
આ તો બધી સુંદરીઓની કૃપાઓનું પરિણામ છે. (આ સુંદરીઓનું રૂપ કેવું હશે!) તેથી તો (મારા) જીવનમાં આટલું બધું અજવાળું છે!
* કાંટોં સે મૈંને પ્યાર કિયા હૈ કભી કભી,
ફૂલોં કો શર્મસાર કિયા હૈ કભી કભી.
મેં તો કયારેક કયારેક કંટકો સાથે ય પ્રેમ કર્યો છે. આમ કરીને મેં કયારેક કયારેક ફૂલોને ય શરમિંદા કર્યાં છે. (મારી આ વાત કોઈ માનશે ખરું?)
* દોનોં તરફ હૈ ‘શાહ’ તેરી આરઝૂ કી મૌત,
ગમ હો ફિરાક કા કિ ખુશી હો વિસાલ કી.
એ ‘શાહ’! તું ખોટા વહેમમાં રહીશ નહીં. વિરહની વેદના હોય કે મિલનનો આનંદ હોય- બંને સ્થિતિમાં તારી આશાઓનું મૃત્યુ તો નક્કી જ છે. (માટે તું ખોટી ચિંતા કરજે નહીં.)
* મૌત કો મુંહ દિખાએં કયા યા રબ?
જિંદગી હી મેં મર ગયે હૈં હમ.
હે ઈશ્ર્વર! હવે અમે મૃત્યુને કેવી રીતે અમારું મોઢું બતાવી શકશું? અમે હજુ મૃત્યુ સુધી ક્યાં પહોંચી શક્યા છીએ? અમે તો જીવતાજીવે જ મૃત્યુ પામ્યા છીએ. આમ શાયરની કશ્મકશ અહીં ધારદાર શબ્દોમાં રજૂ થયેલી વાંચી
શકાય છે.
અંતમાં, તેમના થોડાક શે’રનો ઘૂંટડો ભરી લઈએ:
* દુશ્મનોં ને તો દુશ્મની કી હૈ,
દોસ્તોં ને ભી કયા કમી કી હૈ.
* તુમ તો મિલ જાઓગે કહીં ન કહીં,
હમ મેરી જાન ફિર કહાં હોંગે?
* શામ કે વક્ત આપ આ જાએં,
મયકદા ઈસ જગહ સે દૂર નહીં.
* ચિરાગ બન કે જલે હૈં તુમ્હારી મહેફિલ મેં,
વો જિન કે ઘર મેં કભી રોશની નહીં હોતી.
* જબ બહારોંને ન પાયા કોઈ ભી અપના મકામ,
તેરે ચેહરે કે તબસ્સુમ સે લિપટકર સો ગઈ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.