મુંબઈ /થાણે: દેશની આર્થિક રાજધાની મુંબઈ, થાણે, પાલઘર, પુણે, નાશિક, ઔરંગાબાદ, અહમદનગર, વાશિમ તથા વિદર્ભના જિલ્લા સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં સોમવારે અને મંગળવારે કમોસમી વરસાદ પડ્યો હતો. છેલ્લા ચાર દિવસથી મુંબઈનું મહત્તમ તાપમાન વધતું હતું. મંગળવારે મુંબઈના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતાં તાપમાન ઘટ્યું હતું. કાંદિવલી, મલાડ, ગોરેગામ અને અંધેરીમાં હળવો વરસાદ પડ્યો હતો. અગાઉ સોમવારે સાંજથી ઝડપી ગતિએ પવન ફૂંકાવા માંડ્યો હતો.
નાશિક અને ધુળે સહિત ઉત્તર મહારાષ્ટ્રના જિલ્લાઓમાં કરા પડતાં ઊભા પાકને નુકસાન થયું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા પંચનામા સહિત સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ મહેસૂલ વિભાગના અધિકારીઓને આપ્યો હતો.
સોમવારે મુંબઈ (ઉપનગર) ક્ષેત્રમાં મહત્તમ ઉષ્ણતામાન ૩૯.૩ ડિગ્રી સેલ્સિયસ (સરેરાશ ઉષ્ણતામાનથી ૬.૪ ડિગ્રી વધારે) અને તળ મુંબઈનું મહત્તમ ઉષ્ણતામાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ (સરેરાશ ઉષ્ણતામાનથી ૫.૭ ડિગ્રી વધારે) નોંધાયું હતું. કાંદિવલીથી અંધેરીના ભાગમાં સોમવારની મધરાત પછી એક વાગ્યાની આસપાસ વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. થાણે અને પુણે જિલ્લાની વચ્ચેના માળશેજ ઘાટમાં વીજળીના કડાકા અને વાદળાંના ગડગડાટ સાથે ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈ, પુણે અને અહમદનગરમાં હજુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
નાશિક ડિવિઝનના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે માવઠાને કારણે ઘઉં, ડુંગળી અને કેરીના પાકને નુકસાન થયું છે. નાશિકમાં ખેતીની લગભગ ૧૮૦૦ હૅક્ટર જમીન પરના ઘઉં અને ડુંગળીના પાકને અસર થયાની શક્યતા છે. હવામાન સામાન્ય થયા બાદ ખેતીને નુકસાનનો અંદાજ મેળવવા સર્વેક્ષણની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. (એજન્સી)