સિલિકોન વેલી બૅન્ક ફડચામાં જતાં વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની પ્રબળ માગ
—
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક સ્થિત સિલિકોન વેલી બૅન્ક ફડચામાં જતાં ગત શુક્રવારે અમેરિકા ખાતે ઈક્વિટી માર્કેટના કડાકા સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે કૉમેક્સ વિભાગ પર સોનામાં તેજીનું વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક માગ જળવાઈ રહેતાં ભાવમાં વધુ ૦.૯ ટકાની અને ચાંદીના ભાવમાં ૧.૪ ટકાની તેજી આગળ ધપી હતી.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૯૪થી ૧૨૯૯ વધીને ફરી રૂ. ૫૬,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૪ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૮૭૫નો ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. ૬૩,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે અચાનક ભાવમાં ઉછાળા આવી જતાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૮૭૫ના ઉછાળા સાથે રૂ. ૬૩,૬૬ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ મર્યાદિત રહી હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૯૪ વધીને રૂ. ૫૬,૭૪૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૯૯ની તેજી સાથે રૂ. ૫૬,૯૬૮ના મથાળે રહ્યા હતા.
ન્યૂ યોર્ક સ્થિત સિલિકોન વેલી બૅન્ક ફડચામાં જતાં અમેરિકાના ઈક્વિટી માર્કેટમાં બૅન્ક અને ફાઈનાન્સ ક્ષેત્રના શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહ્યું હતું, જ્યારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં એક તબક્કે ભાવ વધીને ગત ત્રીજી ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૧૮૯૩.૯૬ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ થોડા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં હાજરમાં આગલા બંધથી વધુ ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૧૮૮૪.૦૬ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૧ ટકા વધીને ૧૮૯૩.૯૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ આગલા બંધથી ૧.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૦.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે સિલિકોન વેલી બૅન્ક પડી ભાંગતા અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી ૨૧-૨૨ માર્ચની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક વધારા અંગે પુન: સમીક્ષા કરશે અને હળવો અભિગમ અપનાવે તેવી શક્યતા પણ સપાટી પર આવતાં સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.
સ્થાનિક સોનું ₹ ૧૨૯૯ની આગઝરતી તેજી સાથે ₹ ૫૬,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૧૮૭૫નો ચમકારો
RELATED ARTICLES