(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આરબીઆઈએ અપેક્ષા અનુસાર જ બેન્ચમાર્ક ધિરાણ દરમાં ૩૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ અંગેની, ૩૫ બેસિસ પોઇન્ટના દર વધારાની ધારણા મુંબઇ સમાચારે અગાઉ પ્રકાશિત કરી હતી. આરબીઆઇએ દેશના સામાન્ય માણસને ફરી એકવાર ઝટકો આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)ની નાણાકીય નીતિની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે આ વર્ષે રેપો રેટમાં સતત પાંચમી વખત વધારો કરવાની જાહેરાત કરી છે. આરબીઆઇ અનુસાર હવે રેપો રેટ ૫.૯૦ ટકાથી વધીને ૬.૨૫ ટકા થશે. આ નિર્ણયથી હવે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. એમપીસીની બેઠક બાદ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે પોલિસી રેટ વધારવાની જાહેરાત કરી હતી. રેપો રેટમાં તાજેતરના વધારા પછી (આરબીઆઇ રેપો રેટ હાઈક) રેટ ૬.૨૫ ટકા પર પહોંચી ગયો છે. આ વર્ષે કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કુલ ૨.૨૫ ટકાનો વધારો કર્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે અમારું લક્ષ્ય દેશમાં મોંઘવારી દરને નિર્ધારિત ૬ ટકાના લક્ષ્યાંકથી નીચે લાવવાનો છે. ઑક્ટોબર મહિનાથી દેશમાં રિટેલ મોંઘવારી ઘટીને ૬.૭૭ ટકા થઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે સીપીઆઇ (ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) ફુગાવાના અનુમાનને ૬.૭% પર જાળવી રાખ્યું છે. આ સાથે, આગામી ૧૨ મહિનામાં ફુગાવાનો દર ૪%થી ઉપર રહેવાની ધારણા છે. આ ઉપરાંત આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે જીડીપી વૃદ્ધિ દર ૬.૮ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ સેન્ટ્રલ બેન્કે ૭ ટકાનો અંદાજ મૂક્યો
હતો. તેમણે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક પડકારો છતાં ભારતનો વિકાસ દર સંતુલિત છે. ગ્રામીણ વિસ્તારોમાં માગ વધી છે, જે અર્થતંત્રને ટેકો આપી રહી છે. રેપો રેટમાં વધારાનો અંદાજ પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. ઘણા મીડિયા અહેવાલોમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ફુગાવામાં રાહત હોવા છતાં આરબીઆઇ પોલિસી રેટમાં ૨૫થી ૩૫ બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. રિઝર્વ બેંક તરફથી રેપો રેટ વધારવાની પ્રક્રિયા મે ૨૦૨૨ના મહિનાથી શરૂ કરવામાં આવી હતી. ફુગાવાને કાબુમાં લેવા માટે રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂનમાં આરબીઆઈએ ફરીથી વ્યાજ દરોમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો. આ ટ્રેન્ડ ચાલુ રહ્યો અને ઑગસ્ટ મહિનામાં ૦.૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં પણ સેન્ટ્રલ બેન્કે પોલિસી રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો. હવે આ પાંચમી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે બેન્ચ માર્ક ધિરાણ દરમાં વધારો કરીને લોકોના ગજવા પર તરાપ મારી છે. ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ દર વધારાની તરફેણમાં બહુમતીથી નિર્ણય લીધો હતો. ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઑક્ટોબરમાં ૬.૭ ટકા હતો. રિટેલ ફુગાવો આ વર્ષે જાન્યુઆરીથી આરબીઆઈના ૬ ટકાના અનુકૂળ સ્તરની ઉપર હોવાથી મધ્યસ્થ બેન્કે આક્રમક વધારો ટાળ્યો છે.
સરળ ભાષામાં સમજીએ તો રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઇ બેંકોને ધિરાણ આપે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઇ બેંકોને નાણાં રાખવા માટે વ્યાજ આપે છે. રેપો રેટમાં ઘટાડો થવાને કારણે લોનના હપ્તા ઘટે છે, જ્યારે રેપો રેટમાં વધારો થવાથી તમામ પ્રકારની લોન મોંઘી થાય છે અને પરિણામે હપ્તામાં પણ વધારો થાય છે.