લોન માફિયા કૌભાંડ: ઓનલાઇન લોન અને જિંદગીની ઉચાપત

ઉત્સવ

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

મહારાષ્ટ્રના સાંગલીમાં એક ખેડૂત અતિ ચિંતાતુર છે. પોતાની ખેતીની જમીન પર ઊભો પાક નિષ્ફળ ગયો છે. દીકરીનાં લગ્ન કરવાનાં છે. પૈસા ક્યાંથી લાવવા એ મૂંઝવણ છે. આઠમું ધોરણ ભણતા દીકરાને ફાંકડું અંગ્રેજી આવડે છે. પરિવાર સાથે ખેડૂત ચર્ચા કરે છે કે પૈસા ક્યાંથી લઇ આવવા? કોરોના હવે જતો રહ્યો છે એટલે વર પક્ષ તરફથી તાત્કાલિક લગ્ન કરવાની તૈયારી દર્શાવવામાં આવી. ગામના જમીનદાર પાસેથી આજે રૂપિયા લઈ લઈએ તો સમસ્યાનું નિરાકરણ થઈ જાય, પણ દીકરાએ નવો ઉપાય સૂચવ્યો. તેના સ્માર્ટફોનમાં અલગ અલગ પ્રકારનાં લાલ પીળા રંગનાં ચોકઠાં તેણે અભણ પિતાને દેખાડ્યાં અને કહ્યું કે આ એપ્લિકેશન મારફતે તાત્કાલિક લોન મળે છે. આપણે આમાંથી લોન લઈ લઈએ અને તેમાં જ હપ્તા ચૂકવી દઈશું, જેથી જમીનદારના વ્યાજના વિષચક્રમાં ફસાવું ન પડે…
ગુજરાતના ડાંગ જિલ્લામાં ૨૫-૨૬ વર્ષનો એક યુવાન અતિ ચિંતામાં ડૂબેલો છે. લોકડાઉનમાં મિત્રો પાસેથી ૫-૧૦ હજાર, ૫-૧૦ હજાર… કરીને પૂરા પાંચ લાખ રૂપિયા ઉધારમાં લઈ લીધા. હવે અનલોક થયું એટલે તાત્કાલિક મિત્રને પૈસા પરત કરવાના છે… પણ આપવા ક્યાંથી? તેની પત્ની પણ તેને ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશન અંગેથી યુવકને માહિતગાર કરે છે અને તાત્કાલિક લોન લઈ લેવાનું સૂચવે છે. કર્ણાટકના બેંગલુરુમાં ૨૭ વર્ષીય અપરિણીત યુવતીએ નવું ઘર ખરીદ્યું છે. હવે ઇન્ટીરિયર માટેનો ખર્ચ કરવાનો છે, પરંતુ પૈસા નથી. તેના પાડોશીએ સત્વર અને સમય અનુસાર લોન આપતી એક મોબાઈલ એપ્લિકેશનની વાત કરી…
ભારતમાં એકસાથે ત્રણ જગ્યાએ લોકોને નાણાભીડ ઉત્પન્ન થઈ અને આ જરૂરિયાત એવી હતી કે તાત્કાલિક ધોરણે પૈસા એકઠા કરવા હતા. ખેડૂત પુત્રએ પોતાના ફાંકડા અંગ્રેજીથી પિતાને મંત્રમુગ્ધ કરીને ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશનમાં બ્લુ રંગના બટનને દબાવીને એક લાખ રૂપિયા પિતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા, ચિંતામગ્ન પતિને ચિત્રવિચિત્ર વિચારો આવતા હતા તેમાંથી મુક્ત કરવા પત્નીએ પણ પતિના જ મોબાઈલમાંથી તાત્કાલિક ધોરણે પાંચ લાખ રૂપિયાની લોન લઈ લીધી, પરંતુ બેંગલુરુમાં રહેતી યુવતીએ એપ્લિકેશનમાંથી લોન લેવાની મનાઈ ફરમાવી. પાડોશીએ તેનું કારણ પૂછ્યું ત્યારે યુવતીએ તાર્કિક જવાબ આપ્યો, કારણ કે એ બેંગલુરુની હતી.
બેંગલુરુ એટલે દેશને આઈટી ક્ષેત્રે સમૃદ્ધ બનાવતું શહેર. બેંગલુરુની ગલીએ ગલીએ સ્માર્ટફોન, લેપટોપ અને એપ્લિકેશનને સમજતા લોકો રહે છે. એટલે પેલી યુવતીએ તેના પાડોશીને સમજાવ્યું કે આ ચાઈનીઝ એપ્લિકેશન છે. જેના માધ્યમથી સત્વરે લોન તો ચૂકવવામાં આવે છે, પરંતુ એ લોનના ઓઠા તળે માણસને બ્લેક મેઇલ કરવામાં આવે છે. તેના ફોનને હેક કરવામાં આવે છે. તેનાથી મોટી વાત. આ એપ્લિકેશનને લોન આપવાની સત્તા આપી કોણે? ખુદ આરબીઆઈને ખબર નથી કે આ લોનના નામે લોકોની કબર ખોદાઈ રહી છે.
એપ્લિકેશનની ગાઈડલાઈન પ્રમાણે એવું લખેલું છે કે આ લોન ૮.૯ ટકાના નજીવા દરે આપવામાં આવે છે, પરંતુ તે વ્યાજનો દર માસિક નહીં દૈનિક છે. પાંચ લાખ હોય કે એક લાખ… લોનની રકમ ચૂકવવા માટેની સમય અવધિ પણ ખૂબ જ ઓછી છે. જો એ સમય સુધીમાં લોનની ભરપાઈ નહીં થાય તો લોન ધીરનાર એપ્લિકેશનના પ્રતિનિધિનો ફોન આવશે અને બીભત્સ માગણી કરવામાં આવશે.
બેંગલુરુની યુવતી અને તેના પાડોશી તો બચી ગયા, પણ સાંગલીનો ખેડૂત અને ડાંગનો યુવક મુશ્કેલીમાં મુકાઈ ગયા, કારણ કે લોન આપનાર એપ્લિકેશને તેમની જિંદગીને ચિંતાથી ભરી દીધી. લોન પરત કરવાની સમય અવધિ પૂર્ણ થવાને આરે આવી એટલે એપ્લિકેશનના પ્રતિનિધિના ધમકીભર્યા ફોન શરૂ થઈ ગયા અને એવી ધમકી આપવામાં આવી કે જો તાત્કાલિક ધોરણે બેથી ત્રણ કલાકની અંદર લોન ચૂકતે કરવામાં નહીં આવે તો તેમની દરેક અંગત માહિતી સોશિયલ મીડિયા પર મૂકી દેવામાં આવશે. ખેડૂતો ડરી ગયા. તેમણે જમીનદારના શરણે જવાનું જ યોગ્ય સમજ્યું, પણ પેલા યુવકે આ મામલે પોલીસ
ફરિયાદ દાખલ કરી. સાઇબર ક્રાઇમ પોલીસે જ્યારે આ એપ્લિકેશનનું મોનિટરિંગ કર્યું ત્યારે ચીની કંપનીઓ દ્વારા રચાયેલા સુનિયોજિત કૌભાંડના તાર મળી આવ્યા.
અહીં જે ઘટનાનો ઉલ્લેખ થયો એ કપોળકલ્પિત નથી, પરંતુ કોરોનાકાળ બાદ ભારતમાં મોટા ભાગે આચરવામાં આવેલા ‘મની માફિયા કૌભાંડ’ના અમુક અંશો છે. વર્ષો પૂર્વે ઉત્તર કોરિયામાં આંતરડામાં કાણું થઈ જવાની એક સમસ્યા ઉદ્ભવી હતી કે દર ત્રીજા ઘરમાં એક વ્યક્તિના આંતરડામાં અચાનક કાણું પડી જતું. જ્યારે આ મહામારીની જાણ સરકારને થઈ તે સમયે ઘણું મોડું થઈ ગયું હતું છતાં આરોગ્ય વિભાગ દ્વારા તુરંત ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડીને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી. એ સમયે એવી માહિતી મળી કે ચીનમાંથી આયાત થતા ડોનેટ નામના એક વ્યંજનની અંદર એસિડિક તત્ત્વો ઉમેરવામાં આવે છે, જે જીભના તંતુને ચટાકાથી રસપ્રચુર બનાવી દે છે, પણ એ જ એસિડ શરીરની અંદર ઊતરતાં આંતરડાને કોરી ખાય છે. આ સત્યઘટના ૧૯૮૦ની છે એટલે ઉત્તર કોરિયા સરળતાથી તેના પર કાબૂ મેળવી શક્યું, પરંતુ આજે સાઇબર વોરના યુગમાં ચીન તેના ટેક્નોલોજીનાં આયુધોનો ઉપયોગ કરીને વિશ્ર્વમાં વિકસિત દેશની યાદી તરફ અગ્રેસર થતાં રાષ્ટ્રોને ખોખલાં કરી રહ્યું છે.
બાઈબલમાં કહેવામાં આવ્યું છે કે તું તારા પડોશીને ચાહતો રહે અને એના સુખની કામના કરતો રહે. એમાંથી જ ચીને પોતાનું અલગ ચાઈનીઝ બાઈબલ બનાવી લીધું છે કે તું તારા દૂર દૂરના બિનપડોશી અને જરૂરિયાતમંદ દેશોને ચાહતો રહે અને તેના પર પ્રભુત્વ જમાવતો રહે. એક ધર્મવાક્યને ઊલટાવીને ચીને શેતાનસૂત્ર નીપજાવી લીધું છે અને સમગ્ર દક્ષિણ એશિયાની રાજનીતિને અજબ રીતે પલટાવી નાખી. હવે તેના નિશાને ભારતનું યુવાધન છે.
આજે ભારતમાં પૈસાની જરૂરિયાતને સંતોષવા માટે ઉતાવળે લીધેલી લોન ક્યારે ઉચાપતનું સ્વરૂપ બની જાય એ લોકો સમજી જ નથી શકતા. સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના યુગમાં વ્યક્તિ તેનાં મૂલ્યોથી દૂર થતી જાય છે. ૨૪ કલાક ફોનમાં મથ્યા કરતો માણસ એ ભૂલી જાય છે કે સોશિયલ મીડિયામાં આવતી દરેક માહિતી સાચી નથી હોતી. આજે કોઈને ચા બનાવી છે તો ‘હાઉ ટુ મેઇક અ ટી’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે. તેમાં ચા કઈ જગ્યાએથી ખરીદવી, ભૂકી કઈ દુકાનમાંથી લેવી, કેટલી માત્રામાં લેવી તેની પણ માહિતી પ્રદાન કરવામાં આવે છે. એટલે વ્યક્તિ સંપૂર્ણપણે એપ્લિકેશનનો ગુલામ બની જાય છે, જેનો લાભ તફડંચી કરનાર એપ્લિકેશનને મળે છે.
આવી બોગસ એપ્લિકેશનની મોડસ ઓપરેન્ડી પણ બોગસ છે. જ્યારે કોઈ વ્યક્તિ લોન માટે અરજી કરે અને પોતાનાં ડોક્યુમેન્ટ્સ શેર કરે છે, ત્યારે તેના મોબાઈલ ફોનમાં રહેલા કોન્ટેક્ટ નંબરો, તસવીરો, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કેમરા અને બીજા ડેટાને એક્સેસ કરવાની પરવાનગી એપ્લિકેશન માગે છે અને જો મનાઈ ફરમાવવામાં આવે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી થતી. એટલે પોતાની જરૂરિયાતને સંતોષવા વ્યક્તિ બધી છૂટછાટ આપી દે છે. જેથી લોન એપ કંપની પાસે પહોંચી જાય છે.
આવી લોન એપ કંપનીઓ ઊંચા વ્યાજે નાની રકમની લોન આપે છે. તેના માટે તેઓ ક્રેડિટ સ્કોર કે કેવાયસી ડોક્યુમેન્ટ્સ ચેક કરતી નથી. એક વખત કોઈ વ્યક્તિ તેમની જાળમાં ફસાઈ જાય પછી રિકવરી એજન્ટો બળજબરીથી લોન રિકવર કરવાનું શરૂ કરી દે છે. લોન ભરપાઈ ન કરનારાના ફોનમાં રહેલા ડેટાનો ઉપયોગ ધમકી આપવા અને બ્લેક મેઈલ કરીને લોન લીધી હોય તેના કરતાં વધુ રૂપિયા પડાવવા માટે કરવામાં આવે છે. તેના માટે આ લોકો લોન લેનારી વ્યક્તિના ફોટો મોર્ફ કરીને તેને પોર્નોગ્રાફિક ક્ધટેન્ટ સાથે જોડીને કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા નંબરો પર મોકલી બ્લેક મેઈલ કરવામાં આવે છે.
પોલીસ દ્વારા જ્યારે આ એપ્લિકેશનની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે કુલ ૧૪૨ની એપ્લિકેશનનું સીધું જોડાણ ચાઇના સાથે છે જે એપ્લિકેશન માત્ર ને માત્ર ગૂગલમાં જ જોવા મળે છે. આ ઉપરાંત એપ્લિકેશનનું રજિસ્ટ્રેશન ક્યાંય થયેલું નથી. તેમાં દર્શાવવામાં આવેલા કસ્ટમર કેર નંબર પણ ખોટા છે અને વેબસાઈટ પણ તદ્દન નકલી છે. જૂન, ૨૦૨૧ના આંકડાઓ પર નજર કરીએ તો માત્ર ને માત્ર મહારાષ્ટ્ર સાઇબર ક્રાઇમ પોલીસના ચોપડે ૩,૧૪૭ જેટલા કેસ લોન કૌભાંડના છે.
ઘણા કિસ્સામાં તો લોનને તાત્કાલિક ધોરણે રિકવર કરવા માટે વ્યક્તિ પર માનસિક દબાણ આપવામાં આવે છે. જો તે વ્યક્તિ તેમના તાબે ન થાય તો તેના ફોનમાંથી જ તેના સ્નેહીજનોનો સંપર્ક કરીને એવું કહેવામાં આવે છે કે તેમને ગેરંટર તરીકે રાખવામાં આવ્યા છે અને હવે સ્નેહીજનોએ રૂપિયાની ચુકવણી કરવી પડશે. સમગ્ર બાબતની જાણ લોન લેનાર વ્યક્તિને થાય છે ત્યારે એ પણ અચંબામાં મુકાઈ જાય છે કે તેની નજીકની વ્યક્તિના નંબર એપ્લિકેશન પાસે કઈ રીતે પહોંચ્યા. કેરળમાં એક કિસ્સામાં યુવતીએ માત્ર ને માત્ર ૫,૦૦૦ રૂપિયાની લોન આવી એપ્લિકેશન મારફત લીધી હતી, પરંતુ સમય અવધિમાં લોન ન ચૂકવી શકતાં એપ્લિકેશન દ્વારા તે યુવતીની નગ્ન અને અશ્ર્લીલ તસવીરો મોર્ફ કરીને તેના જ એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવી હતી, જેને કારણે યુવતીએ મોતને વહાલું કરવું પડ્યું.
એવું નથી કે આ મામલે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતાં. સરકારને આ કૌભાંડની જાણ થઈ એ સાથે જ ૧૪૨ જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પણ આ ચાઇના છે… ચતુર, ચબરાક અને શિયાળ. ભક્ષવેલની જેના પર ચોંટે તેને બરબાદ કરીને જ છોડે. હજુ પણ ભારતમાં દૈનિક ‘મની માફિયા કૌભાંડ’ના ૫ કિસ્સા મળી આવે છે.
શ્રીલંકાને શ્રી વિહીન કરવામાં ચીનનો જ મોટો ફાળો છે. શ્રીલંકાને લોભામણી લોન આપ્યા કરી અંતે પરિસ્થિતિ એવી આવી કે શ્રીલંકામાં ફુગાવો વધ્યો, લોકો નાદાર થયા, ભડકે બળતી લંકામાં માનવ મૂલ્યનો અંત થયો અને આ આગને ચીનના ડ્રેગને ફૂંફાડો મારીને ભીષણ દાવાનળમાં પરિવર્તિત કરી દીધી. હવે અહીં ચેતવાની જરૂર છે. ભારતમાં વર્ષો પૂર્વે જે જમીનદારી પ્રથા હતી તે નાબૂદ નથી થઈ. તેણે આ લોન એપ્લિકેશનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ત્યારે પ્લે સ્ટોરને ભગવાન સમજીને તેમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરતાં પણ મગજના તંતુઓનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. જો આટલી બેઝિક સતર્કતા પણ દાખવવામાં આવે તો પણ આ કૌભાંડથી બચી શકાય છે. આ પ્રકારની એપ્લિકેશનોને લઈને આરબીઆઈએ સરકારને એક કાયદો તૈયાર કરવા ભલામણ કરી હતી. ત્યારે જોવાનું રહેશે કે સરકાર હવે આ મામલે શું કાર્યવાહી કરશે, પણ લોકો ઓનલાઇન લોન લેવાનું ક્યારે બંધ કરશે એ તો સમય જ બતાવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.