બ્રિટનના આગામી વડા પ્રધાન તરીકે લિઝ ટ્રુસ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બ્રિટનમાં શાસનકર્તા કન્ઝર્વેટિવ પાર્ટીના લિઝ ટ્રુસે વડા પ્રધાન પદના નેતૃત્વની રેસ જીતી લીધી છે. દેશ જ્યારે અનેક કટોકટી, ઔદ્યોગિક અશાંતિ અને મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે વડા પ્રધાન પદે લિઝ ટ્રુસની પસંદગી ઘણી મહત્વની છે. લિઝ ટ્રુસ અને ભારતીય મૂળના ઋષિ સુનક વચ્ચે વડા પ્રધાન પદ માટે સ્પર્ધા હતી. પાર્ટીના લગભગ 1.60 લાખ સભ્યોએ મતદાન કર્યું હતું. લિઝ વિદેશમંત્રી રહી ચૂક્યા છે. તેઓ માર્ગરેટ થેચર અને થેરેસા મે બાદ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા છે. નવા વડાપ્રધાનની ઘોષણા સર ગ્રેહામ બ્રેડીએ કરી હતી. બ્રેડી કંઝરવેટિવ પાર્ટીના બેકબેન્ચ સાંસદોની 1992 સમિતિના અધ્યક્ષ અને પાર્ટીના નેતૃત્વ સંબંધી ચૂંટણી માટે ચૂંટણી અધિકારી છે.
લિઝ ટ્રસને 81,326 વોટ મળ્યા હતા, જ્યારે ઋષિ સુનકને 60,399 વોટ મળ્યા હતા. વડાપ્રધાન પદે પોતાનું નામ જાહેર થયા બાદ લીઝે કહ્યું કે, પીએમ તરીકે ચૂંટાવું મારા માટે સન્માનની વાત છે. હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરુ છું. હું કંઝર્વેટિવ પાર્ટીના સિદ્ધાંતોને આગળ વધારીશ. ટેક્સ ઘટાડવા માટે જરુરી પગલા ભરીશ. તેમણે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસનના વખાણ કરતા કહ્યું કે, તેમણે કોરોનાકાળમાં સારુ કામ કર્યું હતું.
હવે લિઝ ટ્રુસ પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પાસેથી ઓફિશિયલી સત્તા ગ્રહણ કરશે. બોરિસ જ્હોન્સન સત્તાવાર રીતે રાજીનામું આપવા મંગળવારે ક્વીન એલિઝાબેથને મળવા સ્કોટલેન્ડ જશે. ત્યાર બાદ લિઝ ક્વીન એલિઝાબેથને મળશે અને ક્વીન તેમને સરકાર રચવાનો આદેશ આપશે.
પૂર્વ વડા પ્રધાન જ્હોન્સનને બદલવાની રેસમાં લાંબા સમયથી આગળ ચાલી રહેલા ટ્રુસ 2015ની ચૂંટણી બાદ કન્ઝર્વેટિવ્સના ચોથા વડાપ્રધાન બનશે. હાલમાં બ્રિટનમાં આર્થિક સ્તરે વાતાવરણ ઘણું ડહોળાયેલું છે. દેશ મંદીનો સામનો કરી રહ્યો છે અને મોંઘવારી માઝા મૂકી રહી છે. લિઝે નેતૃત્વ અભિયાન દરમિયાન ટૂંક સમયમાં કરવેરામાં વધારો રદ કરવાનું, મોંઘવારી ડામવાનું, દેશના વધતા જતા ઉર્જા બિલને નિયંત્રિત કરવાનું તેમ જ ભાવિ ઇંધણ પુરવઠો સુરક્ષિત કરવાનું વચન આપ્યું છે.
સુનકના બદલે લિઝ વડા પ્રધાન બન્યા એ ભારત માટે પણ સારા સંકેત છે. અગાઉ બંને દેશોના સંબંધને નવી ઊંચાઇએ પહોંચાડવામાં તેઓ મદદરૂપ સાબિત થયા હતા. હવે વડા પ્રધાન પદે લિઝ ટ્રૂસની વરણીથી ભારત-બ્રિટનના સંબંધ વધુ સારા થવાની આશા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.