લવ સ્ટોરી મુંબઈની -કરુણ અંજામ દિલ્હીમાં
દુર્ગંધ ન આવે એટલે નવું ફ્રિજ ખરીદ્યું અને ટુકડાનો સમયાંતરે નિકાલ કર્યો
—
સચેત માવતરને લીધે પોલીસે હત્યારાને પકડ્યો
——–
મુંબઈ/નવી દિલ્હી: શરીરમાં કમકમાટી ઉપજાવે એવી ઘટનામાં ૨૮ વર્ષના લિવ-ઈન પાર્ટનરે પ્રેમિકાની હત્યા કર્યા પછી તેના મૃતદેહના ૩૫ ટુકડા કર્યા હતા. આ ટુકડા લગભગ ત્રણ અઠવાડિયાં ફ્રિજમાં રાખી પ્રેમી રોજ મધરાતે બે વાગ્યા પછી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેંકતો હતો. મુંબઈમાં શરૂ થયેલી આ લવ સ્ટોરીનો દિલ્હીમાં અંજામ આવ્યો હતો અને સચેત માવતરને કારણે હત્યારો લૉકઅપના સળિયા ગણતો થઈ ગયો હતો. પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતી હોવાથી અમેરિકન ક્રાઈમ શો જોઈને પ્રેમીએ પ્રેમિકાના મૃતદેહનો નિકાલ કરવાનો કીમિયો શોધ્યો હતો.
હૃદય ધબકારો ચૂકી જાય એવા આ ભયંકર હત્યાકાંડનો ખુલાસો છેક છ મહિને થતાં દિલ્હી પોલીસે આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી હતી. કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. યુવતીના શરીરના ૧૩ ટુકડા મળી આવ્યા હોવાનો દાવો પોલીસે કર્યો હતો. પોલીસ હત્યા માટે વપરાયેલા છરાની શોધ ચલાવી રહી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પાલઘર જિલ્લાના વસઈ ખાતે રહેતી અને મુંબઈના મલાડ સ્થિત કૉલ સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધા વાલકરની ઓળખાણ પૂનાવાલા સાથે થઈ હતી. કૉલ સેન્ટરમાં જ મળેલાં શ્રદ્ધા અને પૂનાવાલા વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થયું હતું. જોકે બન્નેના પરિવારજનોએ આ સંબંધનો વિરોધ કર્યો હતો.
પ્રેમમાં ગળાડૂબ શ્રદ્ધા અને પૂનાવાલા આ વર્ષે જ દક્ષિણ દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં રહેવા જતાં રહ્યાં હતાં. દિલ્હીમાં રહેવા ગયા પછી પણ શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ઍક્ટિવ હોવાથી વડીલોને સમયાંતરે તેની માહિતી મળતી રહેતી હતી. જોકે છેલ્લા પાંચેક મહિનાથી પુત્રીની કોઈ જાણકારી મળતી ન હોવાથી વડીલોને શંકા ગઈ હતી અને તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તપાસ કરતાં આંચકાજનક માહિતી સામે આવી હતી. પોલીસ તપાસમાં જણાયું હતું કે યુવતી વારંવાર લગ્ન માટે દબાણ કરી રહી હોવાથી
આરોપી કંટાળ્યો હતો. અમેરિકન ક્રાઈમ શો જોઈને તેણે શ્રદ્ધાની હત્યાની પૂર્વતૈયારી કરી રાખી હતી. આખરે મે મહિનાના બીજા પખવાડિયામાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આરોપીએ ગળું દબાવી યુવતીની હત્યા કરી હતી. ત્યાર બાદ મોટા છરાની મદદથી તેના મૃતદેહના ૩૫ ટુકડા કર્યા હતા.
દિલ્હીના એડિશનલ ડીસીપી અંકિત ચૌહાણે જણાવ્યું હતું કે મૃતદેહના ટુકડા રાખવા માટે આરોપીએ ૩૦૦ લિટરનું ફ્રિજ ખરીદ્યું હતું. લગભગ ત્રણ અઠવાડિયાં સુધી આ ફ્રિજમાં ટુકડા રહ્યા હતા. દુર્ગંધ ન ફેલાય તે માટે આરોપી રોજ રૂમ ફ્રેશનર્સ છાંટતો હતો. ખાસ્સા દિવસ સુધી તે શહેરના વિવિધ વિસ્તારોમાં મૃતદેહના ટુકડા ફેંકતો હતો. કોઈનું ધ્યાન ન જાય તે માટે તે મધરાતે બે વાગ્યા પછી ઘરેથી નીકળતો હતો.
કહેવાય છે કે પૂનાવાલા અલગ ધર્મનો હોવા છતાં શ્રદ્ધા તેની સાથે રહેવા ચાલી ગઈ હોવાથી વડીલોની શ્રદ્ધા સાથે ખાસ કોઈ વાતચીત થતી નહોતી. યુવતીના પિતાએ મુંબઈમાં નોંધાવેલી મીસિંગની ફરિયાદ અનુસાર સોશિયલ મીડિયા પર શ્રદ્ધા એકાએક અપડેટ નાખતી બંધ થઈ ગઈ હોવાથી તેમને શંકા ગઈ હતી. વળી, સપ્ટેમ્બરમાં શ્રદ્ધાની એક બહેનપણીએ તેના પિતાને માહિતી આપી હતી કે છેલ્લા બે મહિનાથી શ્રદ્ધાનો ફોન સ્વિચ ઑફ્ફ આવી રહ્યો છે.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે પૂનાવાલા વારંવાર શ્રદ્ધાની મારપીટ કરતો હતો. આ બાબતની જાણકારી મુંબઈ પોલીસે દિલ્હી પોલીસને આપી હતી. શરૂઆતમાં ઉડાઉ જવાબ આપનારા આરોપીએ પોલીસની આકરી પૂછપરછમાં કબૂલાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.