રોજ બરોજ -અભિમન્યુ મોદી
ચીન અને તાઇવાન વચ્ચે ચાલતી જંગમાં અમેરિકા તાઇવાનને ટેકો આપવા સહયોગ આપવા તૈયાર છે, ચીન અફઘાનિસ્તાનને આતંકવાદના વ્યાપ અને વિસ્તાર માટે સહાય પુરી પાડવા થનગને છે, અમેરિકા યુક્રેનને કોઈ પણ ભોગે બચાવવા માંગે છે! એટલે તો બાઇડેન ખુદ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં પહોંચી ગયા.
શું આ રાષ્ટ્ર પ્રમુખો દુધે ધોયેલા છે? શું તેમને પ્રજાના જીવનની ચિંતા છે. શું તેઓ વિશ્ર્વશાંતિનો સંદેશ સ્થાપવા માંગે છે? જવાબ લખવાની જરૂર છે? આ દુનિયામાં મદદ પણ સ્વાર્થ વિના થતી નથી તો જિનપિંગ અને બાઈડેન જેવા શિયાળ તો સેવાના નામે મેવા અને મદદના નામે મશીનરી મેળવવા માટે પાવરધા છે. તેમને પ્રજા કે પ્રજાના જીવનથી લેશમાત્ર પણ ફર્ક નથી પડતો. તેમને તો આ રાષ્ટ્રોની ભૂમિના પેટાળમાં રહેલા ખનિજના ખજાના પર કબજો કરવો છે. અફઘાનિસ્તાન, તાઇવાન અને યુક્રેનની ભૂમિમાં વિપુલ માત્રામાં ભૌતિક સંપદા રહેલી છે. આ ભૌતિક સંપદા પૈકી પ્રકૃતિની સૌથી હળવી ધાતુ એટલે લિથિયમ. આજનો માનવી લિથિયમનો ગુલામ છે અને માનવીનું આયુષ્ય, ભવિષ્ય લિથિયમ પર આધારિત હશે. કેમ? લિથિયમ પાસે વિશ્ર્વની દરેક ટેક્નોલોજીને રિચાર્જ કરવાની શક્તિ રહેલી છે.
બેટરીની શક્તિ મર્યાદિત હોય છે માટે તેને સમયાંતરે ચાર્જ કરવી પડે છે એટલે કે તેમાં ફરી પાછી શક્તિ ભરવી પડે છે. નાનાં ઇલેકટ્રોનિક સાધનોને કારણે બેટરીનું કદ ઘટાડવાની પણ જરૂરિયાત ઊભી થઇ. બેટરીનાં મુખ્યત્વે બે ગુણ પર તેની ગુણવત્તા આધારિત છે. એક વખત બેટરીને ચાર્જ કર્યા પછી તેને લાંબા સમય સુધી સક્રિય રાખી શકાય એટલે કે તેમાં શક્તિ ઠાંસીઠાંસીને ભરી શકાય અને જો તેનો ઉપયોગ ન કરીએ તો પણ તે લાંબા સમય સુધી ટકવી જોઇએ એટલે કે ‘ચાર્જ લીક’ ન થવું જોઇએ. બેટરીમાં રાસાયણિક પ્રક્રિયાને લીધે વીજળી ઉત્પન્ન થાય છે. વીજશક્તિ ઉત્પન્ન કરવાની ક્ષમતા અને માત્રા જુદા જુદા રસાયણોની નોખી નોખી હોય છે. તેમાં એકમાત્ર લિથિયમ જ ફિટ થઇ શકે છે. આજે દુનિયા દરેક ઉપકરણમાં બેટરી આવેલી છે અને લિથિયમ તેને ઊર્જા આપવાનું કામ કરે છે. અફઘાનિસ્તાન, તાઇવાન અને યુક્રેનની ભૂમિમાં તપાસ કરતાં લિથિયમનો ખજાનો મળ્યો છે.
યુક્રેનના સંશોધકોનું માનવું છે કે દેશના પૂર્વ વિસ્તારમાં લગભગ ૫ લાખ ટન લિથિયમનો ભંડાર છે. જો આ અંદાજ સાચો નીકળે તો યુક્રેન વિશ્ર્વમાં સૌથી વધુ લિથિયમ ભંડાર ધરાવતો દેશ બની શકે છે. પરંતુ યુક્રેનમાં આ લિથિયમ ભંડારનો ઉપયોગ હજુ શરૂ થયો નથી. મોટાભાગનો લિથિયમ ભંડાર પૂર્વી યુક્રેનમાં ડોનબાસ અને કિરોવોહરાડમાં આવતા ડોનેટ્સક પ્રદેશમાં હોવાનો અંદાજ છે. જોગાનુજોગ, રશિયન દળોએ ડોનબાસ વિસ્તારમાં સૌથી ભીષણ યુદ્ધ ચલાવ્યું છે. જયારે અફઘાનિસ્તાન તાલિબાનોની કેદમાં છે. તેમના માટે પૈસો અને સત્તા જ મહત્ત્વના છે. લિથિયમના દૈવીય ગુણોથી તાલિબાનો અજાણ છે. એકમાત્ર તાઇવાન તેનો છુટ્ટા હાથે ઉપયોગ કરે છે અને સ્માર્ટ વોચથી માંડીને મહાકાય એલઈડી સ્ક્રીન સુધીના ઉપકરણોમાં તાઇવાનની કંપની લિથિયમને વેચી નફો કરે છે.
ભારતમાં પણ લિથિયમનો જથ્થો શોધવા માટે જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દેશની માટીમાં પ્રયોગ કર્યા કરે છે. તેના પ્રયોગના અંતે જ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં દેશનો પ્રથમ લિથિયમ ભંડાર મળી આવ્યો છે. ત્યારે બજારમાં લિથિયમની કિંમત એક ટનના ૬૦ હજાર ડોલરની આસપાસ છે એ જોતાં કાશ્મીરમાંથી મળેલા લિથિયમની કિંમત અંદાજે ૩૩ લાખ કરોડ રૂપિયા હોવાનું મનાય છે. અત્યારે વિશ્ર્વમાં વાર્ષિક ૭ લાખ ટન જેટલા લિથિયમનું પ્રોડક્શન થાય છે તેથી વિશ્ર્વની કુલ જરૂરિયાતોના સદર્ભમાં આ જથ્થો બહુ મોટો નથી પણ ભારતની જરૂરિયાતોના સંદર્ભમાં આ જથ્થો બહુ મોટો છે. તેના કારણે ભારતની ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટશે કારણ કે લિથિયમ યુક્ત બેટરી ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાય છે. ઈલેક્ટ્રિક વાહનો ઉપરાંત મોબાઈલ ફોન, લેપટોપ, ડિજિટલ કેમેરા, કોમ્પ્યુટર્સ, પાવર ટૂલ્સ વગેરેની રીચાર્જેબલ બેટરી બનાવવામાં પણ લિથિયમ વપરાય છે.
વિન્ડ અને સોલર પાવરની એનર્જીના બેટરી સ્ટોરેજ માટે પણ લિથિયમ વપરાય છે. હાર્ટ પેસમેકર્સ, ઘડિયાળ, રમકડાં વગેરેમાં વપરાતી નોન-રીચાર્જેબલ બેટરીમાં પણ લિથિયમનો ઉપયોગ થાય છે. ભારતની ૭૦ ટકા જરૂરિયાતો પૂરી કરવા માટે હોંગકોંગ અને તાઇવાનથી લિથિયમ મંગાવે છે. તેના માટે દર વર્ષે કરોડોનું વિદેશી હૂંડિયામણ વપરાય છે. ભારતની લિથિયમની જરૂરિયાત દેશમાંથી જ સંતોષાય તો વિદેશી હૂંડિયામણ બચી જાય અને દેશને જંગી ફાયદો થાય.
આ બધા તો સીધા ફાયદા છે પણ તેના કરતાં પણ મોટા ફાયદો દેશના અર્થતંત્રને મળનારો વેગ છે. વિશ્ર્વમાં અત્યારે તાઇવાન, ચીલી, ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બોલિવિયા જંગી પ્રમાણમાં લિથિયમનું ઉત્પાદન કરે છે. તેની ધરતીના પેટાળમાં લિથિયમ નથી. દુનિયાને તો લિથિયમ સ્વરૂપે ઊર્જાનું સફેદ સોનું જોઈએ છે અને ભારતમાં આ જ કાચું સોનું મળ્યું છે. ભારતમાંથી પણ લિથિયમ સતત મળ્યા કરે તો એપલ, સેમસંગ સહિતની દુનિયાભરની કંપનીઓને ભારતમાં પ્લાન્ટ સ્થાપવામાં રસ પડે. ઈલેક્ટ્રિક વાહનો પણ જંગી પ્રમાણમાં ઉત્પન્ન થવા માંડે. ભારતમાં આ ચીજોનું ઉત્પાદન થાય તો જંગી પ્રમાણમાં રોજગારી તો પેદા થાય જ પણ તેની નિકાસમાંથી જંગી આવક પણ થાય. ભારતમાં અત્યારે નિકાસ કરતાં આયાત વધારે છે તેથી જંગી પ્રમાણમાં વેપાર ખાધ સહેવી પડે છે. ઈલેક્ટ્રિક વાહનોના કારણે વિદેશી હૂંડિયામણ બચે ને બીજાં ઉત્પાદનોના કારણે વિદેશી હૂંડિયામણની જંગી આવક શરૂ થાય તેથી ભારત વેપાર ખાધના બદલે નફો કરતો દેશ થઈ જાય. દેશમાં મેન્યુફેક્ચરિંગ વધે તેના કારણે ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું સપનું પણ પૂરું થાય.
લિથિયમ આધારિત અર્થતંત્ર વિકસે તેના કારણે દેશનાં લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય કારણ કે કાર્બન ઉત્સર્જન ઘટી જાય. પેટ્રોલ પર ચાલતાં વાહનોના કારણે જંગી પ્રમાણમાં કાર્બન પેદા થાય છે અને પ્રદૂષણ વધે છે. લોકોનાં આરોગ્ય પર તેની ખરાબ અસરો પડે છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોદી સરકારે કાર્બન ઉત્સર્જન ઘટાડવા કમર કસી છે. તેના ભાગરૂપે ભારતમાં રિન્યુએબલ એનર્જી આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બનાવવાના પ્રયાસો જોરશોરથી ચાલી રહ્યા છે. આ માટે ભારતમાં ઈલેક્ટ્રિક હાઈવેનું પણ નિર્માણ થઈ રહ્યું છે. દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે પર દેશનો પહેલો ઈલેક્ટ્રિક હાઈવે બનવાનો છે. આ ઉપરાંત ભારતમાં ૨૦૩૦ સુધીમાં ૩૫ ટકા વાહનો ઈલેક્ટ્રિકલ હોય એ લક્ષ્ય પણ છે. મોદી સરકાર તેના માટે સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન આપી રહી છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવા માટે અઢીસોથી વધારે કંપનીઓ સક્રિય છે. આ કંપનીઓને સતત લિથિયમ મળે તો તેમનું ઉત્પાદન ધમધોકાર ચાલે અને કાર્બનનું પ્રમાણ ઘટે તો લોકોનું આરોગ્ય પણ સુધરે.
ટૂંકમા લિથિયમના કારણે ભારત પાસે એવી તક આવી ગઇ છે કે જેને ગુમાવવી પરવડે એમ નથી. ભારતના વિકાસ આડેનો સૌથી મોટો અવરોધ ક્રૂડ ઓઈલ પાછળ વપરાતું મોંઘું વિદેશી હૂંડિયામણ છે. ભારત સરકારની મોટાભાગની આવક ક્રૂડ ઓઈલની કમાણીમાં ખર્ચાય છે. ભારતની આયાતમાં ૮૦ ટકા હિસ્સો ક્રૂડ ઓઈલનો છે. ભારતે દર વરસે લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયા તો ક્રૂડ ઓઈલ ખરીદવા પાછળ જ ખર્ચવા પડે છે. આ રકમ દેશના વિકાસ પાછળ ખર્ચાય તો દેશ ક્યાંય આગળ નિકળી જાય.
લિથિયમ ક્રૂડ ઓઈલનો વિકલ્પ બની શકે છે કેમ કે ઈલેક્ટ્રિક વાહનોમાં લિથિયમ બેટરી વપરાય છે. ભારતમાં અત્યારે ઈલેક્ટ્રિક કાર બને છે પણ તેની કિંમત બહુ ઊંચી છે કેમ કે તેની બેટરી મોંઘી છે. ભારતમાં જ લિથિયમ મળતું હોય તો બેટરી સસ્તી પડે તેથી ઈલેક્ટ્રિક કારની કિંમત સાવ ઓછી થઈ જાય. અત્યારે પેટ્રોલથી ચાલતી વેગન આર જેવી મધ્યમ કક્ષાની કાર ૧૨-૧૫ કિલોમીટર પ્રતિ કલાકની એવરેજ આપે છે જ્યારે સીએનજી પર ચલાઓ તો પણ ૨૦ કિલોમીટરની આસપાસ એવરેજ મળે છે તેથી પ્રતિ કિલોમીટર ખર્ચ ૪ રૂપિયાની આસપાસ પડે જ છે. ઈલેક્ટ્રિક કારમાં પ્રતિ કિલોમીટર ખર્ચ ૨૫ પૈસા જ છે પણ કાર મોંઘી છે તેથી લોકો ખરીદતાં નથી. ભારતમાં જ લિથિયમ બેટરીઓ બને ને ઈલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલથી ચાલતી કાર જેટલી જ થઈ જાય તો લોકો એ તરફ વળવા માંડે એ જોતાં ભારતને બહુ મોટો ફાયદો થાય.
અલબત્ત, લિથિયમથી ભારતને ક્યારે ફાયદો થશે એ તો ખબર નથી પરંતુ ભાજપને ચોખ્ખો ફાયદો થશે. જમ્મુ-કાશ્મીરમાં યોજાનાર ચૂંટણી રાજકીય પક્ષો માટે કોયડો બનીને રહી ગઈ છે. ભાજપ સરકારના શાસનમાં આ જથ્થો મળ્યો એટલે કાશ્મીરની ચૂંટણીમાં ભાજપ પાસે મજબૂત મુદ્દો આવી ગયો છે. ત્યારે જોવાનું રહેશે કે લિથિયમના આગમનથી ભારતના અર્થતંત્રને ક્યારે આર્થિક ટેકો મળશે?