વિશેષ -ડૉ. ધર્મેશ ભટ્ટ
પત્રકારત્વના લખાણોને ઉતાવળે રચાતું સાહિત્ય ગણાય છે. પત્રકારત્વ એક વ્યવસાય છે અને સાહિત્ય સર્જનને બીજા વ્યાવસાયિક એવી શોખની બૌદ્ધિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. આપણે ત્યાં મનોરંજન અર્થે રચાતા કથા, સાહિત્ય અને નાટ્યલેખનને વ્યવસાય ગણી શકાય અને સમાજ સુધારા અથવા દેશની આઝાદી જેવા ચોક્કસ હેતુઓ સાથે પત્રકારત્વની પણ વ્યાપક ભૂમિકા રહી છે. એકંદરે અનુભવ, અનુભૂતિ, બૌદ્ધિકતા અને સૂક્ષ્મ કોઠાસૂઝ સાથે ભાષા પર પ્રભુત્વ જેવા ગુણો બન્ને ક્ષેત્રોમાં આવશ્યક ગુણો છે. પરંતુ બન્નેની ઓળખ જુદી જ ગણાય. જે વખતમાં ટી. વી. સિરિયલો નહોતી ત્યારે અખબારોમાં હપ્તાવાર રજૂ થતી અથવા ગ્રંથસ્થ નવલકથાઓ, સુગમ સંગીતના કાર્યક્રમોમાં અથવા નાટકોમાં ગવાતા ગીતોનો પુરવઠો આપવાનો વ્યવસાય કરતા લેખકો, ગીતકારો અને કવિઓનો પણ મોટો વર્ગ હતો. તેમણે મબલખ સર્જનમાં લોકપ્રિયતા સાથે ગુણવત્તા પણ જાળવી હોય એવું જોવા મળે અને પત્રકારત્વમાં કેવળ ફીચર્સ, લેખો અને રોજિંદી કે વિશિષ્ટ ઘટનાઓના અહેવાલો લખવામાં સાહિત્યિક સૂઝ તેમાં નિખાર લાવતી હોવાની હકીકત પણ નોંધપાત્ર છે. એક જમાનાની નાટક મંડળીઓ પગારદાર નાટ્ય લેખકો અને ગીતકાર રાખતી હતી અને અમુક સામયિકો કેવળ વાર્તાઓ કે નવલકથાઓને આધારે ચાલ્યા હોય, તેમના પગારપત્રક પર લેખકો હોય એવું પણ બન્યું છે. અલબત્ત, સાહિત્યિક લેખનમાં મૂડ અથવા મન:સ્થિતિની અનુકુળતા હોય ત્યારે લખાય એવું બની શકે. પરંતુ પત્રકારત્વમાં ડેડલાઈન, માળખું, વિષય, અખબાર – સામયિકની નીતિ, માહિતીની ઉપલબ્ધતા વગેરે અનેક બાબતોના અનુશાસન વચ્ચે કામ કરવું પડે છે.
સાહિત્યમાં બુદ્ધિ સાથે ભાવનાત્મક, સર્જનાત્મક અને કાલ્પનિક ઘટકો ભળે છે. તેમાં પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતા કલા અને સર્જનાત્મકતા સાથે જો તેમાં કોઈ સંદેશ કે બોધ નિહિત હોય તો એ સ્પષ્ટ કરવાનો હોય છે.
સાહિત્ય લોકમાનસના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ રીતે અસર કરે છે. પરંતુ લોકમત અને લોકમાનસ તથા સામાજિક માળખાના ઘડતરમાં એ સાંસ્કૃતિક ભૂમિકા ભજવે છે, જ્યારે પત્રકારત્વ માહિતિપ્રદાન અને લોકમત ઘડવામાં તાર્કિક રીતે સાંપ્રત ભૂમિકા ભજવે છે. પત્રકારત્વ રોજબરોજના આર્થિક, રાજકીય અને સામાજિક પ્રવાહોનો સીધો અને તીવ્ર પ્રતિસાદ હોય છે અને સીધા સ્પષ્ટ વિશ્ર્લેષણ અને આલેખન હોય છે. સાહિત્યમાં એ સાંપ્રત પ્રવાહોનો પ્રભાવ હોય અને ન પણ હોય. સાહિત્ય સાંપ્રત સામાજિક ચેતનાનો પડઘો પાડે એવું પણ હોઈ શકે અને કેવળ માનસિક – ચૈતસિક સ્તરે મનુષ્ય જીવનના અન્ય આયામો પર કામ કરતું હોય એવું પણ બને. તેમાં હકીકતોની ખરાઈ ચકાસવાની જરૂરિયાત હોય છે.
પત્રકારત્વમાં સચોટતા, હકીકતોની ઉચિત પ્રસ્તુતિ, પ્રામાણિકતા, વ્યાવસાયિક અભિગમ, ભાષામાં સરળતા અને કાયદાની દષ્ટિએ વાજબીપણું અપેક્ષિત અને આવશ્યક હોય છે. પત્રકારત્વમાં અહેવાલ, લેખો, ફીચર્સ કે તંત્રી લેખો સીધી ચર્ચાના વિષયો હોય છે. જ્યારે સાહિત્ય કૃતિઓના અર્થઘટન અને એ કૃતિને પામવા, માણવાની મથામણ પૂર્ણપણે મન અને ચૈતસિક સ્તરના વિષયો બને છે.