ગુજરાત સરકાર અને વન વિભાગે વારંવાર ખેડૂતોને કૂવા ફરતે પેરાપીટ બનાવવા સૂચવ્યું છે, નોટિફિકેશન પણ બહાર પાડ્યા છે, તેમ છતાં ખેતરોમાં કે અતંરિયાળ વિસ્તારોમાં કૂવાઓ ખૂલ્લા હોય છે, જેને લીધે જાનવરોનો ભોગ લેવાઈ છે. અમરેલીના કોટડા પાસે આવી જ એક ઘટનામાં સિંહ-સિંહણના મોત થયા છે. આ બન્ને કપલ હોવાનું જાણવા મળ્યું હતું. તુલશીશ્યામ ફોરેસ્ટ રેન્જમાં આ ઘટના ઘટી હતી.
પોલીસને સિંહના પંજાના નિશાન કૂવા સુધી મળ્યા હોવાથી આ અકસ્માત હોવાનું સાબિત થયું હતું. એક ખેડૂતે સિંહણને કૂલામા ગરકાવ થતા અને સિંહને ઉપર આવવા માટે ફાંફાં મારતા જોયા હતા. તેણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન ખાતાના કર્મચારીઓ બાર મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જોકે તેઓ પહોંચે તે પહેલા સિંહ પણ મૃત્યુ પામ્યો હતો. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે અમે તેમના પંજાના નિશાન જોયા છે. તે બન્ને કોઈ શિકાર પાછળ દોડતા હતા કે મસ્તીમાં એકબીજા પાછળ દોડતા પડી ગયા તે કહેવું મુશ્કેલ છે. બન્ને પાંચથી નવ વર્ષ વચ્ચેની ઉંમરના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ સિવાય પણ એક સિંહ દાળખાણીયા રેન્જમાં કૂવામાં પડી ગયો હતો, પરંતુ વન ખાતાએ તેને બચાવી સારવાર માટે મોકલ્યો હતો.
વન વિભાગે ૨૦૦૭થી આત્યાર સુધી ૧૧,૭૪૮ કૂવાને બેરિકેડ્સ લગાવ્યા છે. જોકે તેમ છતાં હજુ ઘણા કૂવાને બેરિકેડ્સ કરવાનું કામ બાકી છે. વન વિભાગ સાથે સ્થાનિકોએ પણ સમયસૂચકતા વાપરી પોતાપોતાની સીમમાં આવેલા કે હદમાં આવેલા કૂવાને આ રીતે ખૂલ્લા છોડવા જોઈએ નહીં. એશિયાટિક સિંહ હોય કે અન્ય કોઈ પ્રાણી તેનું રક્ષણ કરવાની જવાબદારી સૌની છે.